શુક્લા, શુભાંશુ
March, 2026
શુક્લા, શુભાંશુ (જ. 10 ઑક્ટોબર 1985, લખનઉ) : ભારતીય વાયુસેનાના ગ્રૂપ કૅપ્ટન અને આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન પર જનારા પ્રથમ ભારતીય.
27 ફેબ્રુઆરી, 2024ના રોજ ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન(ISRO)એ પ્રથમ માનવ અવકાશ ઉડ્ડયન મિશન ગગનયાન-4 માટે અવકાશયાત્રીઓની ટીમના એક સભ્ય તરીકે શુભાંશુ શુક્લાની જાહેરાત કરી. તેમણે અને તેમના સાથી અવકાશયાત્રી પ્રશાંત નાયરે હ્યુસ્ટનમાં NASAના જ્હૉન્સન સ્પેસ સેન્ટરમાં તાલીમ લીધી. ISRO, NASA અને SPACEXના સહયોગથી એક્સિઓમ મિશન 4 (Ax-4) હાથ ધરવામાં આવ્યું હતું. તેમાં શુભાંશુને મિશન પાઇલટ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી.

શુભાંશુ શુક્લા
શુભાંશુના પિતા શંભુદયાળ અને માતા આશા. પિતા ઉત્તરપ્રદેશના નિવૃત્ત સંયુક્ત સચિવ હતા. તેમણે લખનઉની સિટી મૉન્ટેસોરી સ્કૂલ, અલીગંજમાંથી શાળાકીય શિક્ષણ પ્રાપ્ત કર્યું. તેમણે નૅશનલ ડિફેન્સ એકૅડેમી અને નેવલ એકૅડેમીની પરીક્ષા ઉત્તીર્ણ કરી જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલયમાંથી કમ્પ્યૂટર સાયન્સમાં સ્નાતકની અને ભારતીય વિજ્ઞાન સંસ્થાનમાંથી ઍરોસ્પેસ એન્જિનિયરિંગમાં માસ્ટર ઑફ એન્જિનિયરિંગની પદવી મેળવી.
2005માં નૅશનલ ડિફેન્સ એકૅડેમીમાંથી પાસ થયા પછી ઇન્ડિયન ઍરફોર્સ એકૅડેમીમાં તાલીમ લીધી. તેમની 17 જૂન, 2006માં ભારતીય વાયુસેના(IAF)ની ફાઇટર સ્ટ્રીમમાં ફ્લાઇંગ ઑફિસર તરીકે નિયુક્તિ થઈ. જૂન, 2019માં તેમને વિંગ કમાન્ડર તરીકે અને 2024માં ગ્રૂપ કૅપ્ટન તરીકે બઢતી મળી.
તેમણે વિવિધ પ્રકારના ફાઇટર ઍરક્રાફ્ટનું પાઇલટિંગ કર્યું. તેમને હોક, ડોર્નિયર, મિગ-21, મિગ-29, જગુઆર, સુખોઈ જેવાં વિવિધ વિમાનોમાં 2000 કલાકથી વધુ સમય ઉડાનનો અનુભવ છે. તેઓ રાકેશ શર્મા પછી બાહ્ય અવકાશમાં મુસાફરી કરનારા બીજા ભારતીય છે. તેમણે રશિયાના યુરી ગાગરીન કોસ્મોનૉટ તાલીમ કેન્દ્રમાં તાલીમ લીધી હતી.
તેમણે 25 જૂન, 2025ના રોજ 12:01 IST વાગ્યે ફ્લૉરિડામાં નાસાના કૅનેડી સ્પેસ સેન્ટર ખાતે લૉન્ચ કૉમ્પ્લેક્સ 31 A પરથી સફળતાપૂર્વક ઉડ્ડયન કર્યું. Ax-4 26 જૂન, 2025ના રોજ 16:01 IST વાગ્યે ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર સાથે જોડાયું. આથી શુભાંશુ ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર પહોંચનાર પ્રથમ ભારતીય અવકાશયાત્રી બન્યા. તેઓ ત્યાં બે અઠવાડિયાં રહ્યા. આ દરમિયાન લગભગ 60 જેટલા વિવિધ પ્રયોગો કર્યા. 15 જુલાઈ, 2025ના રોજ લગભગ 3:01 IST વાગ્યે સાન ડિએગોના કિનારે પૅસેફિક મહાસાગરમાં સફળ ઉતરાણ કર્યું. આમ, તેઓ 20 દિવસ 2 કલાક અને 59 મિનિટ અવકાશમાં રહ્યા.
ભારત સરકારે 2006માં તેમને અશોકચક્રથી સન્માનિત કર્યા હતા.
અનિલ રાવલ
