લેખરા, અવની (જ. 8 નવેમ્બર 2001, જયપુર, રાજસ્થાન) : રાઇફલ નિશાનેબાજ, પૅરાલિમ્પિકમાં સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી તથા દિવ્યાંગ વ્યક્તિઓના અધિકારોના હિમાયતી.

વર્ષ 2012માં માત્ર 11 વર્ષની ઉંમરે મોટર અકસ્માતમાં ગંભીર ઇજાગ્રસ્ત થતાં તેઓ લકવાગ્રસ્ત થયાં. પરંતુ હિંમત હારવાને બદલે પિતાના પ્રોત્સાહનથી તેમણે રમતગમત ક્ષેત્રે કારકીર્દી બનવવાનું નક્કી કર્યું. શરૂઆતમાં તેમણે તીરંદાજીમાં ધ્યાન કેન્દ્રિત કર્યું, પરંતુ તેમાં બરાબર ફાવટ ન આવતાં રાઇફલ નિશાનેબાજીમાં તાલીમ આરંભી. જેમાં તેઓ સફળતાપૂર્વક આગળ વધ્યાં.

અવની લેખરા

તેમણે પેરાલિમ્પિક્સ 2020માં ભાગ લીધો અને ૩૦ ઑગસ્ટ, 2021ના રોજ મહિલાઓની 10 મીટર ઍર રાઇફલ સ્ટેન્ડિંગ S.H1 સ્પર્ધામાં 249.6 પૉઇન્ટ સાથે સુવર્ણચંદ્રક મેળવ્યો. તેમના આ પોઇન્ટ પૅરાલિમ્પિક્સ ગેઇમ્સના ઇતિહાસનો એક રેકૉર્ડ છે. આ ઉપરાંત 50 મીટર રાઇફલ સ્પર્ધામાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરીને તેમણે કાંસ્યપદક જીત્યું. આમ, અવની લેખરા એક જ પેરાલિમ્પિકમાં બે ચંદ્રક જીતનારાં પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બન્યાં.

વર્ષ 2024માં પૅરિસમાં આયોજિત પૅરાલિમ્પિકમાં પણ તેમણે ભારત માટે સુવર્ણચંદ્રક મેળવ્યો. અહીં તેમણે 10 મીટર ઍર રાઇફલ સ્પર્ધામાં 249.7નો સ્કોર કરી પોતાનો જ અગાઉનો 249.6નો વિક્રમ તોડ્યો. અત્યાર સુધીમાં તેમણે વિવિધ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પાંચ સુવર્ણ, એક રજત અને એક કાંસ્ય ચંદ્રક મેળવ્યા છે. ભારત સરકારે તેમની આ સિદ્ધિઓને બિરદાવતાં વર્ષ 2021માં તેમને ખેલરત્ન અને 2022માં પદ્મશ્રી પુરસ્કારથી નવાજ્યા છે. રાજસ્થાન સરકારે તેમની સિદ્ધીઓને ધ્યાનમાં લઈને વિશેષ રીતે પુરસ્કૃત કરતાં તેમની મદદનીશ વન સંરક્ષક(Assistant Conservator of Forest – ACF) તરીકે નિમણૂક કરી છે.

તેમણે શાળાકીય શિક્ષણ જયપુરના કેન્દ્રીય વિદ્યાલય-3માં મેળવ્યું. અહીં તેમણે પોતાની કારકિર્દીની ક્ષેત્રીય સ્પર્ધામાં પ્રથમ સુવર્ણચંદ્રક મેળવ્યો. તેમણે રાજસ્થાન યુનિવર્સિટીમાંથી કાયદાની સ્નાતક પદવી મેળવી છે. તેઓ ઑલિમ્પિકમાં ભારતને પ્રથમ સુવર્ણચંદ્રક અપાવનાર નિશાનેબાજ અભિનવ બિન્દ્રાને પોતાના પ્રેરણાસ્રોત માને છે. તેઓ કોચ ચંદ્રશેખરના માર્ગદર્શન હેઠળ રાઇફલ શૂટીંગની તાલીમ મેળવે છે.

આ ઉપરાંત અવની લેખરા દિવ્યાંગોના અધિકારો માટે સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે જોડાઈને કાર્ય કરે છે.

જગદીશ શાહ