ધનંજયન, પોડુવાલ 

March, 2026

ધનંજયન, પોડુવાલ  (જ. 30 એપ્રિલ 1939, પય્યનૂર, કેરળ (કેરળમ્)) : જાણીતા નૃત્યકાર અને દક્ષિણ ભારતના શાસ્ત્રીય નૃત્ય – ભરતનાટ્યમ્ અને કથકલીના યુગપ્રવર્તક કલાગુરુ.

ધનંજયન પોડુવાલ

વી. પી. ધનંજયન તરીકે વિશ્વવિખ્યાત થયેલા આ કલાકાર સમૃદ્ધ સાંસ્કૃતિક વાતાવરણમાં ઘડાયા. કુદરત અને નૃત્યકલા તરફના ઝોકને કારણે વતન પય્યનૂરમાં તેમની આંતરિક કલાદૃષ્ટિ ખીલી. પિતાજી રામા પોડુવાલ શાળામાં શિક્ષક હતા અને નાટ્યકર્મી પણ ખરા. ધનંજયને નાનપણમાં પિતાજીના નાટકમાં ભાગ લીધો અને તેમની કલાત્મક લાગણીઓને આકાર મળ્યો. ગામમાં ભજવાતા શાસ્ત્રીય નૃત્ય કથકલીની તેમની ઉપર ઘેરી અસર પડી અને ‘થેય્યમ્’ નામના સાંસ્કૃતિક તહેવારની પણ તેમની ઉપર છાયા રહી. મનોમન તેઓ સંસ્કૃતિનું રૂપચિત્ર (પૉર્ટ્રેટ) દોરતા રહ્યા. 1953માં શ્રી ધનંજયન ચૌદ વર્ષની ઉંમરે કશા જ અનુભવ વગર ખાલી હાથે ચેન્નાઈ જવા નીકળ્યા. જ્યાં નૃત્યાંગના રુક્મિણિ અરુંડેલની ‘કલાક્ષેત્ર’ નામની નૃત્યશાળા હતી. શ્રી ચંદુ પનિકર નામના પ્રસિદ્ધ કલાકારે આ બાળકલાકારને રુક્મિણિદેવીને તાલીમાર્થે સોંપ્યો. કલાક્ષેત્ર અને પય્યનૂરની તેઓ મનોમન સરખામણી કરતા. સોળ વર્ષની સઘન તાલીમ દરમિયાન કથકલી અને ભરતનાટ્યમ્ નામના શાસ્ત્રીય નૃત્યમાં તેઓ પારંગત થઈ ગયા અને સમાંતરે તેમણે અર્થશાસ્ત્ર અને રાજ્યશાસ્ત્ર સાથે સ્નાતકની ડિગ્રી પણ મેળવી.

1955થી 1967 દરમિયાન ભરતનાટ્યમ્ અને કથકલી શૈલીમાં અનુસ્નાતકની પરીક્ષા પસાર કરી. કેરલમના પારંપરિક નૃત્ય કથકલી અને તમિળનાડુના પારંપરિક નૃત્ય ભરતનાટ્યમ્ વચ્ચે સ્વરૂપગત અનેક જુદાં લક્ષણો હોવા છતાં તેમણે બંનેમાં કૌશલ્ય કેળવ્યું. ગુરુ રુક્મિણિદેવીની સંસ્થા ‘કલાક્ષેત્ર’માં શિષ્ય તરીકે તેઓ બહુમાન પામ્યા અને દરેક કસોટીમાંથી પાર ઊતર્યા. બંને નૃત્યશૈલીમાં તેમને મળેલી સફળતાનાં કારણોના મૂળમાં તેમની ઝીણવટભરી નિરીક્ષણ શક્તિ, નિષ્ઠા, કલાપરસ્ત દૃષ્ટિ તથા શિસ્તે મુખ્ય ભૂમિકા ભજવી. કલાક્ષેત્ર સંસ્થાના પવિત્ર વાતાવરણમાં ગુરુશ્રી રુક્મિણિદેવીની નિશ્રામાં કલાક્ષેત્રની પરંપરાને સાચવવા માટે પ્રયત્નશીલ રહીને સંપૂર્ણપણે સમર્પિત રહ્યા. મંદિરમાં થતાં દેવદાસીઓનાં નૃત્ય ભરતનાટ્યમની શાસ્ત્રીયતાને જાળવી રાખવા પણ તેઓ કટિબદ્ધ છે. કથકલી કેરલમનું પારંપરિક શાસ્ત્રીય નૃત્ય છે જેમાં નૃત્ય, નાટ્ય, સંગીત અને વાર્તાકથનનું મહત્ત્વ છે. મહાકાવ્યો અને પૌરાણિક કથાના પ્રસંગોને પ્રસ્તુત કરવા માટે એમાં વિસ્તૃત પરિધાન, આંખે ચડી આવે એવો મેકઅપ, વિવિધ મુદ્રાઓ અને લાગણીની નિઃશબ્દ અભિવ્યક્તિ મુખ્ય છે.

કળાક્ષેત્રની ક્રાંતિકારી વિચારધારા ધરાવતા શ્રી ધનંજયન કળાકારજગતના તારણહાર છે. કળા ઉપરાંત સંસ્થાના સુયોગ્ય સંચાલનમાં અગ્રેસર એવા ધનંજયને સહધર્મચારિણી શાંતા સાથે રહીને ‘ભારત કલાંજલિ’ નામે ચેન્નાઈમાં સંસ્થા શરૂ કરી. નૃત્યાંગના શાંતા પણ ‘કલાક્ષેત્ર’માંથી નૃત્યક્ષેત્રે સ્નાતક થયેલાં છે.

ભારતમાં અને પરદેશમાં ગુરુશ્રી ધનંજયનને અનેક માન-અકરામ, પારિતોષિકો અને ઍવૉર્ડ્ઝ પ્રાપ્ત થયાં છે. તમિળનાડુની સરકારે એમને 1990માં ‘કલાઇમામાની ઍવૉર્ડ’ એનાયત કર્યો હતો. 1994માં કેન્દ્ર સરકારે એમને સંગીત નાટક અકાદમી ઍવૉર્ડ એનાયત કર્યો. 2009માં ભારતના પ્રતિષ્ઠિત પદ્મભૂષણ ઍવૉર્ડથી તેઓ સન્માનિત થયા છે.

સુધા ભટ્ટ