માર્ટિનીસ, જ્હૉન એમ. (Martinis, John M.) (જ. 1958, સૅન પેડ્રો, લૉસ એન્જેલિસ, કૅલિફૉર્નિયા, યુ.એસ.એ.) : વિદ્યુત પરિપથમાં સ્થૂળ (macroscopic) ક્વૉન્ટમ યાંત્રિકીય ટનલિંગની શોધ અને ઊર્જાના ક્વૉન્ટાઇઝેશન માટે 2025નો ભૌતિકશાસ્ત્રનો જ્હૉન ક્લાર્ક અને મીશેલ એચ. ડેવોરે સાથે સંયુક્ત રીતે નોબેલ પારિતોષિક મેળવનાર વિજ્ઞાની.

જહોન એમ. માર્ટિનીસ

જ્હૉન માર્ટિનીસ ક્રોએશિયન મૂળના છે. તેમનાં માતા અમેરિકન છે, પરંતુ પિતા ક્રોએશિયા(યુગોસ્લાવિયા)ના છે અને સામ્યવાદી રાજથી બચવા માટે તેઓએ અમેરિકા (યુ.એસ.એ.) સ્થળાંતર કર્યું હતું. જ્હૉન માર્ટિનીસે 1980માં યુનિવર્સટી ઑવ્ કૅલિફૉર્નિયા, બર્કલીમાંથી સ્નાતક(Bachelor of Science)ની પદવી પ્રાપ્ત કરી. પીએચ.ડી.ના અભ્યાસ દરમિયાન તેઓએ જૉસેફસન જંકશનમાં ક્વૉન્ટમ ટનલિંગ તથા ક્વૉન્ટીકૃત ઊર્જાના સ્તરો દર્શાવ્યા. આ સંશોધનકાર્ય તેમણે જ્હૉન ક્લાર્ક તથા મીશેલ એચ. ડેવોરેના સહયોગથી કર્યું હતું, જે અતિવાહક ક્વૉન્ટમ કમ્પ્યૂટિંગનો પાયો બન્યું.

પોસ્ટ-ડૉક્ટરલ કાર્યકાળ દરમિયાન તેઓએ અતિવાહક ક્વૉન્ટમ વ્યતિકરણ સાધનો (SQUID) પર સંશોધનો કર્યાં.

2004થી તેઓએ યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, સાન્તા બાર્બરામાં વ્યાખ્યાતા/પ્રાધ્યાપકનું પદ સંભાળ્યું. 2014માં ગૂગલ ક્વૉન્ટમ AI લૅબ દ્વારા ક્વૉન્ટમ કમ્પ્યૂટરના નિર્માણ માટે જ્હૉન માર્ટિનીસ અને તેમના જૂથની નિમણૂક કરવામાં આવી. ક્વૉન્ટમ કમ્પ્યૂટરના નિર્માણમાં અતિવાહક ક્યુબિટનો ઉપયોગ કરવામાં આવ્યો. 2019માં તેઓએ ‘Nature’ સામયિકમાં એક લેખ પ્રકાશિત કર્યો જેમાં તેમણે સિકૅમૉર પ્રોસેસરના  ઉપયોગથી કઈ રીતે ક્વૉન્ટમ સુપ્રિમસી હાંસલ કરી તે દર્શાવ્યું. સિકૅમૉર પ્રોસેસર (Sycamore processor) એ 53 ક્યુબિટ ક્વૉન્ટમ પ્રોસેસર છે.

2020માં માર્ટિનીસ સિલિકૉન ક્વૉન્ટમ કમ્પ્યૂટિંગમાં જોડાયા તથા 2022માં તેઓએ Qolab ક્વૉન્ટમ કમ્પ્યૂટિંગ પ્રાઇવેટ કંપનીની શરૂઆત કરી જે સેમિકંડક્ટર ચિપના ઉત્પાદન સાથે સંકળાયેલી છે.

2014માં તેઓને ફ્રિટ્ઝ લંડન મેમોરિયલ પારિતોષિક તથા 2021માં તેમને જ્હૉન સ્ટેવર્ટ બેલ પુરસ્કાર પ્રાપ્ત થયા.

પૂરવી ઝવેરી