ડેવોરે, મીશેલ એચ. (Devoret Michel H.) (જ. 15 ઑગસ્ટ 1953, પૅરિસ, ફ્રાન્સ) : વિદ્યુતપરિપથમાં સ્થૂળ (macroscopic) ક્વૉન્ટમ યાંત્રિકીય ટનલિંગની શોધ અને ઊર્જાના ક્વૉન્ટાઇઝેશન માટે 2025નો ભૌતિકશાસ્ત્રનો જ્હૉન ક્લાર્ક તથા જ્હૉન એમ. માર્ટિનીસ સાથે સંયુક્ત રીતે નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની.

મીશેલ એચ. ડેવોરે

મીશેલ ડેવોરેનાં માતાપિતા યહૂદી હતાં, પરંતુ ધાર્મિક ન હતાં. ડેવોરેએ 1975માં પૅરિસની સંસ્થા ટેલિકૉમ પૅરિસમાંથી દૂરસંચાર(ટેલિકૉમ્યુનિકેશન)માં ઇજનેરની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ તેઓએ યુનિવર્સિટી ઑવ્ પૅરિસ-સૅક્લેમાંથી ક્વૉન્ટમ ઑપ્ટિક્સમાં સ્નાતક ડિપ્લોમા પ્રાપ્ત કરી અને 1982માં સંઘનિત પદાર્થ ભૌતિકશાસ્ત્ર(condensed matter physics)માં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. 1982થી 1984 દરમિયાન ડેવોરેએ યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, બર્કલીમાં જ્હૉન ક્લાર્કના જૂથ સાથે પોસ્ટ-ડૉક્ટરલ સંશોધક તરીકે કાર્ય કર્યું. તે સમયે જ્હૉન એમ. માર્ટિની પીએચ.ડી. વિદ્યાર્થી હતા. ડેવોરે, જ્હૉન ક્લાર્ક અને માર્ટિનીએ 1985માં પ્રથમ વખત જૉસેફસન જંકશનમાં ક્વૉન્ટીકૃત ઊર્જાનાં સ્તરો દર્શાવ્યાં.

ત્યારબાદ તેઓ ફ્રાન્સ પાછા ફર્યા અને CEA સૅકલેમાં ક્વૉન્ટમ ટનલિંગ પર સંશોધનો કર્યાં તથા ક્વૉન્ટ્રોનિયમ નામનો ક્યુબિટ વિકસિત કર્યો. 2002માં તેઓ અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક બન્યા અને અહીં ટ્રાન્સમૉન તથા ફલક્સોનિયમ જેવા ક્યુબિટની શોધ કરી. 2007થી 2012 દરમિયાન મીશેલ ડેવોરેએ ‘ચૅર ઑવ્ મેસોસ્કોપિક ફિઝિક્સ’(કૉલેજ દ ફ્રાન્સ)નું પદ સંભાળ્યું. 2013માં તેઓએ રાજીનામું આપ્યું. 2023માં તેઓ ગૂગલ AIમાં પ્રમુખ વૈજ્ઞાનિક તરીકે પસંદગી પામ્યા અને 2024માં તેઓ યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, સાન્તા બાર્બરામાં ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે જોડાયા.

મીશેલ ડેવોરે અનેક પુરસ્કારોથી સન્માનિત થયા છે. 1991માં તેમને ફ્રેન્ચ અકાદમી ઑવ્ સાયન્સ દ્વારા ‘ઍમ્પિયર ઇનામ’ અર્પણ કરવામાં આવ્યું. 1995માં તેમને રૉયલ નેધરલૅન્ડ્સ એકૅડેમી ઑવ્ આર્ટસ ઍન્ડ સાયન્સ દ્વારા ડેકાર્ટ-હાયજેન્સ ઇનામ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. તે ઉપરાંત તેમને 2014માં ફ્રિટ્ઝ લંડન મેમોરિયલ ઇનામ, મિશીયસ ક્વૉન્ટમ ઇનામ તથા 2024માં ભૌતિકશાસ્ત્રમાં કૉમ્સ્ટૉક ઇનામ પ્રાપ્ત થયાં છે.

પૂરવી ઝવેરી