ગૌડ, ક્રાંતિ (જ. 11 ઑગસ્ટ, 2003 ગુવારા, મધ્યપ્રદેશ) : ભારતની એક ઉભરતી આંતરરાષ્ટ્રીય ઝડપી બૉલર મહિલા ક્રિકેટર, જે મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના ઘુવારા ગામની છે. ખૂબ જ મુશ્કેલ કૌટુંબિક પૃષ્ઠભૂમિમાંથી આવતી, જ્યાં તેના પિતા પોલીસ કૉન્સ્ટેબલ હતા, તેણીએ ટેનિસ બૉલ ક્રિકેટ રમવાનું શરૂ કરી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી અને ગ્રામીણ વાતાવરણમાં છોકરાઓ સાથે રમીને પોતાની બૉલિંગ કુશળતાને નિખારી હતી. નાણાકીય પડકારો છતાં તેના પરિવારે તેણીને ટેકો આપ્યો હતો.

તેણીનો સીઝન બૉલ ક્રિકેટમાં પ્રવેશ દંતકથા સમાન છે, મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાના બુંદેલખંડ ક્ષેત્રના એક નાના શહેર ઘુવારામાં, એક ટીમની મહિલા લેધર-બૉલ ક્રિકેટમેચમાં એક ખેલાડીની કમી પડી, તેઓએ એક છોકરીને લાકડી લઈને મેદાનમાં ફરતી જોઈ અને તેને પૂછ્યું કે શું તે રમવા માંગે છે? આમ, ક્રાંતિ કે જે ત્યાં મેદાન પર હાજર હતી તેને કામચલાઉ રીતે ટીમમાં સામેલ કરવામાં આવી અને પોતાની રમત અને ચપળતા દ્વારા તેણી કોચની નજરમાં આવી ગઈ.

છતરપુરમાં સ્થાનિક કોચ રાજીવ બિલથરેએ તેણીની પ્રતિભાને ઓળખી અને નિખારી. તેણીએ MP જુનિયર અને અંડર-23 ટીમો દ્વારા રાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો. અને તેણીની સખત મહેનત દ્વારા, 2025માં ભારતીય વરિષ્ઠ મહિલા ટીમમાં સ્થાન મેળવ્યું. મે 2025માં શ્રીલંકા સામે તેણીએ ODI માં પ્રવેશ કર્યો. જુલાઈ 2025માં, તેણીએ ઇંગ્લૅન્ડ સામે વન ડે મૅચમાં 6 વિકેટ લઈને ઇતિહાસ રચ્યો, જે મહિલા વન ડે મૅચમાં ભારતીય ઝડપી બૉલર દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શનમાંનું એક હતું. તેણી યુપી વૉરિયર્સ માટે WPLમાં પણ રમી છે. ગૌડ 2025માં મહિલા ક્રિકેટ વર્લ્ડકપ જીતનાર ભારતીય ટીમની સદસ્ય હતી. ભારતીય ક્રિકેટ ટીમની પાકિસ્તાન સામેની કોઈ પણ સ્તરની મૅચ એક અલગ પ્રકારનું મહત્ત્વ ધરાવે છે અને 22 વર્ષીય ક્રાંતિ ગૌડે પાકિસ્તાન સામેની ODI વર્લ્ડ કપ મૅચમાં શાનદાર બૉલિંગ કરી, 10 ઓવરમાં 3 વિકેટ લીધી અને પ્લેયર ઑફ ધ મૅચ બની અને રમતપ્રેમીઓના માનસ પર છવાઈ ગઈ. તેણીની સફળતાની કહાની ગ્રામીણ પ્રતિભા માટે એક ઉત્તમ ઉદાહરણ છે.

ત્રિલોક સંઘાણી