પૅરામેટ્રિક સ્થાપત્ય : મકાનનાં આકાર, માપ, માળખાકીય બંધારણ તથા અન્ય જરૂરી ગણિતીય પરિમાણો કમ્પ્યુટરનાં એલ્ગોરિધમ્સ દ્વારા નક્કી થાય તે પૅરામેટ્રિક સ્થાપત્ય. સૈદ્ધાંતિક રીતે આની શરૂઆત તો વર્ષ ૧૯૬૦ના દાયકાથી થઈ હતી પણ તેનું પ્રચલન વર્ષ ૧૯૯૦ પછી વધ્યું. સાંપ્રત સમયમાં જ્યારે ત્રિપરિમાણીય પ્રિન્ટિંગની વાત થાય છે ત્યારે પૅરામેટ્રિક સ્થાપત્યની સંભાવના અને મહત્ત્વ વધી જાય છે. એમ કહેવાય છે કે પેટ્રિક શુમાચેર દ્વારા આ સ્થાપત્ય શૈલીને પૅરામેટ્રિક નામ અપાયું હતું.

બીઆહ મુખ્યાલય
પૅરામેટ્રિક એ એક એલ્ગોરિધમ આધારિત રચના હોય છે જેમાં સ્વાભાવિક રીતે વળાંક, પ્રવાહીતતા, લવચીકતા અને આકસ્મિકતા સમાઈ શકે. પૅરામેટ્રિક સ્થાપત્યમાં કોઈ પણ પ્રકારની જટિલતા સહજ બની રહે છે, માત્ર તે માટેનું પ્રોગ્રામિંગ વ્યવસ્થિત હોવું જોઈએ. આ સ્થાપત્ય શૈલીમાં અગણિત સંભાવનાઓ મળી રહે છે. તેની રચનાનું નિર્ધારણ પણ ઝડપી થઈ શકે છે અને જો તેમાં ફેરફાર જરૂરી હોય તો તે પણ સહેલાઈથી શક્ય બને છે. આ સમગ્ર રચના માહિતી અર્થાત્ ડેટા આધારિત હોય છે. અહીં જે પ્રકારે અને જે પ્રકારનો ડેટા મૂકવામાં આવે તે પ્રકારની ડિઝાઇન પ્રાપ્ત થાય. અહીં ઇચ્છિત પરિણામ લાવવું સહેલું છે. પૅરામેટ્રિક સ્થાપત્ય સાથે જોડાયેલી ચોક્કસ પ્રકારની સંભાવનાને કારણે અહીં સ્થાપત્યના સૌંદર્યની વ્યાખ્યા જ બદલાઈ જતી હોય છે. એમ પણ માનવામાં આવે છે કે અહીં ક્યારેક ઉપયોગિતાની સામે દેખાવનું મહત્ત્વ વધી જાય છે. તેની સામે આ પ્રકારની રચના સાથે વધુ પડતી અપેક્ષાઓ જોડાયેલી હોવાથી તેની રચના તેમજ જાળવણીનો ખર્ચ વધુ આવવાની સંભાવના હોય છે. અહીં સૉફ્ટવેરની કુશળતા જરૂરી છે અને તે માટે કદાચ કિમતી કમ્પ્યૂટરની આવશ્યકતા રહે. આ પ્રકારનું બાંધકામું સરખામણીમાં મુશ્કેલ હોય છે, તેની માટે કુશળ કારીગરો મુશ્કેલીથી મળે છે. આ સ્થાપત્ય શૈલી ટૅકનૉલૉજી આધારિત હોવાથી, જો તે સ્તરે કોઈ શરતચૂક કે મર્યાદા હોય તો સમગ્ર રચના નિષ્ફળ જવાની પણ સંભાવના રહે.

મેટ્રોપોલ પેરાસોલ
આ રચના સૉફ્ટવેર નક્કી કરે છે. અહીંયા માનવીય સંવેદનાઓ થોડી બાજુમાં રહી જાય છે. તે બધાં સાથે પરંપરાગત તેમ જ ઐતિહાસિક સ્થાપત્ય સાથેનો તેનો સમન્વય લગભગ નહિવત હોય છે.

મ્યુઝિઓ સૌમાયા
પૅરામેટ્રિક સ્થાપત્યની બે શાખા ગણાય છે : એકમાં નિર્ધારિત માહિતીની પુરવણી કરવામાં આવે છે અને ઇચ્છિત ઉકેલ યાંત્રિક ઉપકરણમાંથી ઊભરે છે. આ પ્રોપેગેશન – પ્રસાર આધારિત રીતમાં એલ્ગોરિધમ મકાનનું માળખું તથા આકાર નક્કી કરે. અન્ય કંસ્ટ્રેઈન – અંકુશિત પ્રકારમાં ઇચ્છિત આકાર પણ યાંત્રિક ઉપકરણને જણાવવામાં આવે, જેનાથી મૂળભૂત માળખાકીય રચના નિર્ધારિત થાય. પ્રસાર શૈલીમાં પરિણામ શું આવશે, કેવો આકાર ઊભરશે તે નક્કી નથી હોતું. જ્યારે અંકુશિત શૈલીમાં સ્થપતિ પોતાની સંવેદનશીલતા તથા સર્જનાત્મકતાને આધારે એ નક્કી કરી શકે કે માળખાગત રચનાનો આકાર કેવો રહેશે. પહેલી શૈલીમાં હેતુ-સ્પષ્ટતા જરૂરી છે જ્યારે બીજી શૈલીમાં આકાર માટેનું સ્પષ્ટ સૂચન જરૂરી બને. સાંપ્રત સમયે એમ જણાય છે કે પૅરામેટ્રિક સ્થાપત્યનું ભવિષ્ય ટૅકનૉલૉજી, પર્યાવરણ, એઆઈ અને સ્માર્ટ જીવનશૈલી સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલું છે.

વોલ્ટ ડિઝની કોન્સર્ટ હોલ
પૅરામેટ્રિક સ્થાપત્યનાં ઉલ્લેખનીય ઉદાહરણમાં અમેરિકાના વોલ્ટ ડિઝની કૉન્સર્ટ હૉલ તેમજ ઓક્યુલસ, યુએઈના બીઆહ મુખ્યાલય, મેક્સિકોના મ્યુઝિઓ સૌમાયા, સ્પેનના મેટ્રોપોલ પેરાસોલ, અઝરબૈજાનના હૈદર અલીયેવ સેન્ટર તથા ચીનના બેઝિંગ નૅશનલ સ્ટેડિયમનો સમાવેશ કરાતો હોય છે.

હૈદર એલીયેવ સેન્ટર
હેમંત વાળા
