થોપ્પીલ વર્ગીસ એન્ટોની (Thoppil Varghese Antony) (જ. 5 ઑક્ટોબર 1933; અ. 2020) : સુપ્રસિદ્ધ પદ્મભૂષણ પદવીથી સન્માનિત લોકસેવક.
ચેન્નાઈની લોયોલા કૉલેજમાંથી બી.એસસી. કેમિસ્ટ્રીના વિષય સાથે સ્નાતક થયા હતા. તેમજ બેચરલ ઑફ લૉઝની પદવી મદ્રાસ લૉ કૉલેજમાંથી પ્રાપ્ત કરી હતી. 1956માં ભારતીય પ્રશાસનિક સેવા (IAS)માં જોડાયા. તેમણે અનેક પદો પર રહીને સેવાઓ આપી. તેમાં મદુરાઈ, તિરુનલવડી, તાંજોરના કલેક્ટર અને કૃષિ નિદેશકપદનો સમાવેશ થાય છે. દિલ્હીમાં સ્વાસ્થ્ય એવમ્ પરિવાર કલ્યાણ મંત્રાલયમાં સંયુક્ત સચિવપદે સેવાઓ આપી હતી. તમિળનાડુ પાછા ફર્યા બાદ વિદ્યુત બોર્ડના અધ્યક્ષપદ, મુખ્ય સચિવ અને બે વાર મુખ્ય સચિવ પદો પર કાર્ય કર્યું.
તેઓએ મુખ્યત્વે કૃષિક્ષેત્રે અને જનસંખ્યા નિયંત્રણક્ષેત્રે ઉલ્લેખનીય કાર્ય કર્યું. પરિવાર નિયોજન ક્ષેત્રમાં તેમનું કાર્ય મહત્ત્વનું ગણાયું. 1984–94ના દશકામાં તમિળનાડુમાં શિશુ જન્મદર 28/1000થી 19/1000 કરવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. વર્ષ 1991માં સેવાનિવૃત્ત થયા બાદ હંમેશ પરિવાર નિયોજન પ્રશાસન, રાષ્ટ્રીય રાજ્ય અને જિલ્લા સ્તરનાં સ્વયંસેવી સંગઠનો સાથે ઘનિષ્ઠ રૂપથી જોડાયેલા રહ્યા. તેમજ જનસંખ્યા સંબંધી સેંકડો બેઠકોમાં ભાગ લેતા રહીને માર્ગદર્શન આપવાનું ચાલુ રાખ્યું. જનસંખ્યા સંબંધિત રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરની સમિતિઓમાં ભાગ લેવાનું પણ ચાલુ રાખ્યું છે.
ચેન્નાઈમાં પ્રશાસક (1974–76) હતા ત્યારે મદ્રાસ રોટરી તરફથી ‘ફોર ધી સેક ઑફ ઑનર’નો રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
કનુભાઈ શાહ
