કૌલા, પૃથ્વીનાથ

February, 2026

કૌલા, પૃથ્વીનાથ (જ. 13 માર્ચ 1924, શ્રીનગર; અ. 30 ઑગસ્ટ 2009, લખનઉ) : લેખક, ગ્રંથકાર, પ્રલેખક, શિક્ષણવિદ તેમજ ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનના એક વિશેષજ્ઞ.

મધ્યમવર્ગીય બ્રાહ્મણ કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતાશ્રીનું નામ પંડિત દામોદર કૌલા અને માતુશ્રીનું નામ પોશ કિયા કૌલા હતું. તેઓ શાળાકીય શિક્ષણથી જ હોશિયાર હતા. તેઓએ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચશિક્ષણ શ્રીનગરથી પ્રાપ્ત કર્યું હતું. કૌલાએ શ્રીનગરની એસ. પી. કૉલેજમાં પ્રવેશ મેળવીને વર્ષ 1941-42માં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. શાળાકીય અભ્યાસ દરમિયાન તેઓ કૉલેજ લાઇબ્રેરી સમિતિના સભ્ય હતા. એમના પિતાશ્રીની ઇચ્છા હતી કે તેઓ શિક્ષક બને, પરંતુ તેમણે ડી.એ.વી. કૉલેજમાં ગ્રંથપાલ તરીકે નોકરી સ્વીકારી 1944–47 સુધી કાર્ય કર્યું. તેમણે ગ્રંથાલયમાં મુક્ત પ્રવેશ (Open Access) પદ્ધતિ દાખલ કરી અને લાંબા સમય સુધી ગ્રંથાલય ખુલ્લું રખાવ્યું. આ સમયે તેઓ પાસે ગ્રંથાલયની વ્યાવસાયિક ઉપાધિ (ડિગ્રી) ન હોવાથી તેમને ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાનની ઉપાધિ મેળવી લેવા જણાવ્યું. કૌલાએ પ્રો. રંગનાથનના હાથ નીચે મદ્રાસ યુનિવર્સિટીમાં ગ્રંથાલયનો ડિપ્લોમા લેવાનો નિર્ણય કર્યો. આ એમની કારકિર્દીનો નવો વળાંક હતો.

1945માં મદ્રાસ યુનિવર્સિટીમાં ગ્રંથાલયના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો. એ સમયે એમને જણાવવામાં આવ્યું કે પ્રો. રંગનાથન મદ્રાસ છોડીને સર્વપલ્લી રાધાકૃષ્ણનના નિમંત્રણથી બનારસ યુનિવર્સિટીમાં દાખલ થયા છે. ત્યારે કૌલા અનેક મુશ્કેલીઓ વચ્ચે મદ્રાસ યુનિવર્સિટી છોડીને બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં લાઇબ્રેરી સાયન્સના ડિપ્લોમા અભ્યાસક્રમમાં જોડાયા અને 1945-46માં દ્વિતીય વર્ગમાં ડિપ્લોમા મેળવ્યો. 1949માં દિલ્હી યુનિવર્સિટીમાંથી ગુરુ રંગનાથનની નિશ્રામાં માસ્ટર ઑવ્ લાઇબ્રેરી સાયન્સની ડિગ્રી પ્રથમ ક્રમે પ્રાપ્ત કરી. ત્યારબાદ અનેક સંસ્થાઓમાં ગ્રંથપાલ તરીકેની ફરજો બજાવીને પ્રો. રંગનાથનની નજીકમાં રહી શકાય તે માટે ટૅકનિકલ આસિસ્ટન્ટ તરીકે દિલ્હી યુનિવર્સિટીમાં જોડાયા. ત્યારબાદ છેવટે બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ગ્રંથપાલ અને ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ તરીકેનું નિમંત્રણ મળતાં ત્યાં જોડાયા. એમણે આ સમય દરમિયાન બાકી રહેલાં પાંચ લાખ પુસ્તકોના સૂચીકરણનું કાર્ય સંપન્ન કર્યું તેમજ નવી સેવાઓ દાખલ કરી અને ગ્રંથાલયપદ્ધતિમાં ઘણા સુધારા કર્યા.

યુ.એસ.એ.ના હવાના પ્રાદેશિક કેન્દ્રમાં વર્ષ 1967માં યુનેસ્કો તજજ્ઞ તરીકે ગયા. અને ગ્રંથપાલ – સલાહકાર તેમજ ડાયરેક્ટર અને પ્રોફેસર તરીકે હવાના યુનિવર્સિટીમાં કાર્ય કર્યું. તેઓએ આ પદ પર 1971 સુધી કાર્ય કર્યું. તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં વર્ષ 1971માં પૂર્ણ સમયના પ્રોફેસર અને ગ્રંથાલય વિજ્ઞાન વિભાગના અધ્યક્ષ તરીકે પાછા ફર્યા. આ પદ પર તેઓ 1983માં નિવૃત્ત થયા ત્યાં સુધી કાર્યરત રહ્યા. 1984માં લખનઉ યુનિવર્સિટીમાં મુલાકાતી અધ્યાપક તરીકે જોડાયા.

લૅટિન અમેરિકાના દેશોના યુનેસ્કો રિજિઓનલ સેન્ટરમાં યુનેસ્કો વિશેષજ્ઞ અને પરામર્શદાતા તરીકે કામ કર્યું. પ્રોફેસર કૌલા અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે; જેવી કે, ઇન્ટરનેશનલ ફેડરેશન ફોર ઇન્ફર્મેશન ઍન્ડ ડૉક્યુમેન્ટેશન, ઇન્ટરનેશનલ ફેડરેશન ઑફ લાઇબ્રેરી ઍસોસિયેશન અને ઇન્સ્ટિટ્યૂશન્સ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ઝ ઑર્ગેનાઇઝેશન, યુનેસ્કો તથા વર્લ્ડ કાઉન્સિલ ઑફ પ્રૉફેશનલ એજ્યુકેશન ઇત્યાદિ. 1979માં વૉશિંગ્ટન ડી.સી.માં પુસ્તકાલય તેમજ સૂચના વિજ્ઞાન વિષય પર આયોજિત વ્હાઇટ હાઉસ સંમેલનમાં એક આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકના રૂપે નિમંત્રિત કરવામાં આવ્યા હતા. નૅશનલ બુક ટ્રસ્ટ ઑફ ઇન્ડિયાના ટ્રસ્ટી પણ હતા.

કૌલા ફક્ત એક વક્તા જ નહિ, પણ વિશાળ ફલક પરના લેખક પણ હતા. તેમણે 500 લેખો, 400 ગ્રંથસમીક્ષા અને લગભગ 6,000 જેટલી સમાચાર નોંધો વિવિધ જર્નલોમાં લખ્યાં હતાં. આ ઉપરાંત એમણે 70 જેટલાં પુસ્તકોનું લેખનકાર્ય કર્યું છે. એથીયે વિશેષ પ્રો. કૌલા એક પ્રતિષ્ઠિત સંપાદક પણ ખરા. કેટલાંક જર્નલ્સ અને મૅગેઝિનોનું સંપાદન કર્યું છે; જેવાં કે, ‘Abgila’ (1949–53), ‘શારદા’ (1953–55), ‘લાઇબ્રેરી હેરાલ્ડ’ (1958–61), ‘હેરાલ્ડ ઑફ લાઇબ્રેરી સાયન્સ’ (ત્રૈ.) (1962થી), ‘ગ્રંથાલય વિજ્ઞાન’ (હિન્દી અર્ધવાર્ષિક), ‘રંગનાથન રિસર્ચ બુલેટિન’ (ત્રૈ.) ઇત્યાદિ.

તેઓએ યુ.કે., યુ.એસ.એ., યુ.એસ.એસ.આર., બ્રાઝિલ, પેરુ, આર્જેન્ટિના, જર્મની, સિંગાપોર, ક્યુબા, નેધરલૅન્ડ, સ્પેન, થાઇલૅન્ડ, હંગેરી, બેલ્જિયમ, ઇજિપ્ત, ફ્રાન્સ વગેરે દેશોની મુલાકાત લીધી છે તેમજ ઘણી આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સમાં હાજરી આપી ભાગ લીધો હતો.

પુસ્તકાલય વિજ્ઞાન ક્ષેત્રમાં એમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ ઘણા પુરસ્કારો પ્રાપ્ત થયા છે. તેમજ અનેક સન્માનથી વિભૂષિત થયા છે. પ્રો. કૌલા ભારતમાં ચાર દાયકા સુધી ગ્રંથાલય વિજ્ઞાન ક્ષેત્રે એક પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે આ ક્ષેત્રના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓના પ્રશંસક તરીકે સન્માનભર્યું જીવન વિતાવ્યું હતું. તેઓને 2004માં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કનુભાઈ શાહ