કામથ, માધવ વિઠ્ઠલ (જ. 7 સપ્ટેમ્બર 1921, ઉડુપી; અ. 9 ઑક્ટોબર 2014, કર્ણાટક) : જાણીતા પત્રકાર.

એમનું પ્રારંભિક શિક્ષણ મણિપાલમાં થયું હતું. ત્યારબાદ આગળના અભ્યાસ માટે તેઓ મૅંગ્લોર ગયા ત્યાંથી તેમણે સ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. પત્રકારત્વનું કાર્ય કરતાં પહેલાં એમણે કેમિસ્ટ તરીકે કાર્ય કર્યું હતું. એમણે ‘ફ્રી પ્રેસ જર્નલ’થી પોતાની પત્રકાર તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. 1953માં બૉમ્બે યુનિયન ઑફ જર્નાલિસ્ટના અધ્યક્ષ તરીકે પસંદગી પામ્યા હતા.

શ્રી કામથ ફૉરેન કોરસપોન્ડન્સ ઍસોસિયેશન, વૉશિંગ્ટન ડી.સી.ના સ્થાપક સભ્ય તથા ડૉ. ટી. એમ. એ. પાઈ ફાઉન્ડેશન, ઇંદિરા ગાંધી રાષ્ટ્રીય કલા કેન્દ્રના ટ્રસ્ટી તેમજ પ્રસાર ભારતી વિજ્ઞાન પ્રસારના અધ્યક્ષ અને મણિપાલ અકાદમી ઑફ હાયર એજ્યુકેશન (MAHE)ની કાર્યકારી સમિતિના સભ્ય હતા.

તેમને કેટલાક પુરસ્કારો પ્રાપ્ત થયા છે – જેવા કે પત્રકારિતા માટે ‘કર્ણાટક રાજ્ય પ્રશસ્તિ’, ધી કર્ણાટક મીડિયા અકાદમી  પુરસ્કાર, તિલક – મોહરે પત્રકારિતા પુરસ્કાર, વિદ્યાવિરાજ પુરસ્કાર તથા ઉડુપી અષ્ટ મઠાધિપતિ દ્વારા પ્રદાન સમાજભૂષણની પદવી વગેરે.

મીડિયા કૅરિયરની સાથે તેમણે દલ્હી, વૉશિંગ્ટન, પૅરિસ, જીનિવા, ન્યૂયૉર્ક તથા અન્ય શહેરોમાં પણ કામ કર્યું છે. તેઓ મૃત્યુપર્યંત મણિપાલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કૉમ્યુનિકેશનના માનદ અધ્યક્ષ તથા નિદેશક રહ્યા હતા.

ભારત સરકારે વર્ષ 2004માં ‘પદ્મભૂષણ’ પદવીથી વિભૂષિત કર્યા હતા. એઓશ્રીએ ઇતિહાસ, રાજનીતિ, પત્રકારિતા અને જીવનચરિત્રો જેવા વિષયો પર 40થી વધુ પુસ્તકો લખ્યાં છે. એમાં ‘ગાંધી – એ સ્પિરિચ્યુઅલ જર્ની’ અને ‘નરેન્દ્ર મોદી – ધી આર્કિટૅક્ટ ઑફ એ મૉડર્ન સ્ટેટ’ – પુસ્તકોએ વધુ ધ્યાન ખેંચ્યું છે. તેઓએ પ્રસિદ્ધ વ્યક્તિઓનાં જીવનચરિત્રો લખ્યાં છે. તેમના પુસ્તક ‘ધી ફિલૉસૉફી ઑફ ડેથ ઍન્ડ ડાઇંગ’ના ગુજરાતી, મરાઠી અને તમિળ ભાષામાં અનુવાદ થયા છે. 1981માં નિવૃત્તિ લીધા બાદ મુંબઈમાં રહીને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પ્રકાશનોમાં કૉલમ લખતા રહ્યા. 93 વર્ષની ઉંમરે તેઓ અવસાન પામ્યા.

કનુભાઈ શાહ