આઇસીસી પુરુષ ટી-20 વિશ્વકપ 2026

February, 2026

આઇસીસી પુરુષ ટી-20 વિશ્વકપ 2026 : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા દર બે વર્ષે યોજાતા આઇસીસી પુરુષ ટી-20 વિશ્વકપનું દસમું સંસ્કરણ અને આધુનિક સમયની અત્યંત લોકપ્રિય આંતરરાષ્ટ્રીય ક્રિકેટસ્પર્ધા. આઇસીસી પુરુષ ટી-20 વિશ્વકપ-2026ના યજમાનદેશો ભારત અને શ્રીલંકા સંયુક્તપણે છે. 7 ફેબ્રુઆરી, 2026થી 8 માર્ચ, 2026 સુધી આ સ્પર્ધાની મૅચોનું આયોજન થયું છે, જેમાં યજમાનદેશ ભારત અને શ્રીલંકા સહિત 20 દેશોની ટીમો સહભાગી બની છે. સ્પર્ધામાં 55 મૅચો રમવાનું આયોજન થયું છે. ક્રિકેટક્ષેત્રે સામાન્ય ગણાય તેવી ઇટાલીની ટીમે પણ આ સ્પર્ધામાં ક્વૉલિફાય કર્યું છે. આ ઇટાલીનો પ્રથમ ક્રિકેટ વિશ્વકપ છે.

2026ના ટી-20 વિશ્વકપની ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ છે.

યજમાનદેશોની પસંદગી : નવેમ્બર 2021માં આઇસીસી દ્વારા 2024થી 2031 સુધીની તેની અલગ અલગ આંતરરાષ્ટ્રીય ક્રિકેટસ્પર્ધાઓનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું. જે મુજબ 2026માં યોજાનારા પુરુષ ટી-20 વિશ્વકપની યજમાની માટે શ્રીલંકા ક્રિકેટ બોર્ડે પ્રસ્તાવ મૂક્યો. જોકે સ્પર્ધામાં ભાગ લેનારી ટીમો અને ક્રિકેટમૅચોની સંખ્યા સામે શ્રીલંકામાં ક્રિકેટમેદાનો (ગ્રાઉન્ડ) ઓછાં હોવાના કારણે શ્રીલંકાની સાથે ભારતને પણ આ સ્પર્ધા માટેની યજમાની સોંપવામાં આવી. શ્રીલંકા અગાઉ 2012નો ટી-20 વિશ્વકપની યજમાની સફળતાપૂર્વક કરી ચૂક્યું હતું, પરંતુ એ સમયે સ્પર્ધામાં ભાગ લેનાર ટીમોની સંખ્યા અને ક્રિકેટમૅચોની સંખ્યા ઓછી હતી.

ભારતે 2016માં ટી-20 વિશ્વકપની યજમાની કરી હતી.

સ્પર્ધાનું સ્વરૂપ : ક્વૉલિફાય થયેલી 20 ટીમોને પાંચ પાંચના ચાર ગ્રૂપ(સમૂહ)માં વિભાજિત કરવામાં આવી છે. કુલ ત્રણ ચરણમાં સ્પર્ધાની મૅચો રમાશે. જેમાં પહેલા તબક્કામાં દરેક ગ્રુપની તમામ ટીમો એકબીજા સામે રમશે અને દરેક ગ્રૂપમાંથી વધુ પૉઇન્ટ જીતનારી બે બે ટીમો (કુલ 8 ટીમો) ‘સુપર – 8’ના ચરણમાં પ્રવેશશે. ‘સુપર – 8’ના ચરણમાં પણ દરેક ગ્રૂપમાં તમામ ટીમો એકબીજા સામે રમશે અને ‘સુપર – 8’માં વિજયી બનનારી કુલ ચાર ટીમો સેમિફાઇનલમાં પ્રવેશશે. બે સેમિફાઇનલ મૅચોમાં વિજેતા બનનારી ટીમો વચ્ચે ફાઇનલ મેચ યોજાશે.

ગ્રૂપ સ્ટેજ,  સુપર 8, સેમિફાઇનલ,  ફાઇનલ

7 ફેબ્રુઆરી, 2026થી વિશ્વકપની પ્રથમ મૅચ ‘ગ્રૂપ-એ’માં સમાવિષ્ટ નેધરલૅન્ડ અને પાકિસ્તાનની ટીમો વચ્ચે યોજાઈ છે.  જ્યારે આજ દિવસે સંયુક્ત રાજ્ય(યુ.એસ.) સામે ભારત વચ્ચે સ્પર્ધાની તેની પ્રથમ મૅચ રમાઈ. ગ્રૂપ-ચરણમાં વિજેતા બનનારી આઠ ટીમો વચ્ચે 21 ફેબ્રુઆરીથી સુપર-8ની મૅચોનું ચરણ શરૂ થાય છે. 4 માર્ચ તથા 5 માર્ચના દિવસે સેમિફાઇનલ અને 8 માર્ચે ફાઇનલ મૅચોનું આયોજન કરવામાં આવ્યું છે.

 આઇસીસીના ટી-20 રૅન્કિંગ મુજબ ગ્રૂપ પ્રમાણે વિભાજિત ટીમો :

ગ્રૂપ-એઃ ભારત, પાકિસ્તાન, સંયુક્ત રાજ્ય(યુ.એસ.), નેધરલૅન્ડ અને નામિબિયા

ગ્રૂપ-બીઃ ઑસ્ટ્રેલિયા, શ્રીલંકા, આયર્લેન્ડ, ઝિમ્બાબ્વે અને ઓમાન

ગ્રૂપ-સીઃ ઇંગ્લૅન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, સ્કોટલૅન્ડ, ઇટાલી અને નેપાળ

ગ્રૂપ-ડીઃ દક્ષિણ આફ્રિકા, ન્યૂઝીલૅન્ડ, અફઘાનિસ્તાન, કૅનેડા અને સંયુક્ત અરબ અમીરાત(યુ.એ.ઈ.)

વિશ્વકપમાં સહભાગી થનારી ટીમો વચ્ચે 2થી 6 ફેબ્રુઆરી દરમિયાન ‘વૉર્મ અપ’ મૅચો રમાઈ.

વિશ્વકપ રમનારી 20 ટીમોમાં અગાઉ બાંગ્લાદેશ પણ ક્વૉલિફાય થયું હતું અને તે મુજબ વિશ્વકપની મૅચોનું ટાઇમટેબલ પણ નક્કી થઈ ગયું હતું. પરંતુ 3 જાન્યુઆરી, 2026ના દિવસે બાંગ્લાદેશે રાજકીય કારણોસર ભારતમાં રમાનારી તેની મૅચો શ્રીલંકામાં ફેરવવા માટે આઇસીસીને વિનંતી કરી. જેના પગલે વિવાદ સર્જાતાં આખરે 24 જાન્યુઆરી, 2026ના દિવસે આઇસીસીએ આ સ્પર્ધામાં બાંગ્લાદેશને સ્થાને સ્કોટલૅન્ડની વિશ્વકપ માટે પસંદગી કરી.

સ્થળ : ભારતમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદ, અરુણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી, ઇડન ગાર્ડન્સ, કોલકતા, એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમ, ચેન્નાઈ તથા વાનખડે સ્ટેડિયમ, મુંબઈ એમ કુલ પાંચ સ્થળોએ અને શ્રીલંકામાં આર. પ્રેમદાસ સ્ટેડિયમ તથા સિંહાલી સ્પૉર્ટ ક્લબ ક્રિકેટ ગ્રાઉન્ડ, કોલંબો અને પાલ્લેકેલે ક્રિકેટ સ્ટેડિયમ, કેન્ડીમાં સ્પર્ધાની મૅચોનું આયોજન થયું છે.

ટી-20 ક્રિકેટ વિશ્વકપનો ઇતિહાસ : 2005 સુધી ક્રિકેટની રમતમાં પચાસ ઓવરની વન-ડે મૅચ અને ટેસ્ટમૅચની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાના આયોજનો થતાં રહેતાં. ક્રિકેટની રમતને વધુ આકર્ષક, વધુ લોકપ્રિય અને ઝડપી બનાવવાના હેતુથી 2003માં ઇંગ્લૅન્ડમાં ઇંગ્લૅન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા 20-20 ઓવરની મૅચ રમવાનો પ્રયોગ કરવામાં આવ્યો. જે ખૂબ સફળ રહ્યો. જેના પગલે 17 જુલાઈ, 2005માં ન્યૂઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ આંતરરાષ્ટ્રીય ટી-20ની મૅચ રમાઈ. થોડા જ સમયમાં ક્રિકેટનું વીસ ઓવરનું આ સ્વરૂપ અત્યંત લોકપ્રિય બન્યું અને 2007થી ક્રિકેટ રમતા દેશો વચ્ચે ટી-20 વિશ્વકપનું દર બે વર્ષે આયોજન થવા લાગ્યું. 2007માં ટી-20ના પ્રથમ વિશ્વકપની ફાઇનલ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. જેમાં ભારત વિશ્વવિજેતા બન્યું હતું. મહેન્દ્રસિંગ ધોની આ ટીમના કૅપ્ટન હતા. દક્ષિણ આફ્રિકા તેનો યજમાનદેશ હતો.

2009માં ટી-20નો બીજો વિશ્વકપ યોજાયો હતો. જેમાં ઇંગ્લૅન્ડ યજમાનદેશ હતો અને પાકિસ્તાન વિશ્વવિજેતા બન્યું હતું. જ્યારે તે પછીના જ વર્ષે ટી-20નો વેસ્ટ ઇન્ડીઝના યજમાનપદે ત્રીજો વિશ્વકપ યોજાયો હતો. જેમાં  ઇંગ્લૅન્ડ વિશ્વવિજેતા બન્યું હતું. 2012માં ટી-20 વિશ્વકપની યજમાની શ્રીલંકાએ કરી હતી અને વેસ્ટ ઇન્ડીઝ વિશ્વવિજેતા બન્યું હતું. 2014માં બાંગ્લાદેશ દ્વારા ટી-20 વિશ્વકપની યજમાની સ્વીકારવામાં આવી હતી અને શ્રીલંકા વિજેતા બન્યું હતું. 2016માં રમાયેલાં ટી-20 વિશ્વકપનું યજમાન ભારત બન્યું હતું અને વેસ્ટ ઇન્ડીઝ વિશ્વવિજેતા બન્યું હતું. 2018માં આ વિશ્વકપનું આયોજન થયું નહોતું. એ પછી કોરોના મહામારીના કારણે સળંગ ત્રણ વર્ષ સુધી ટી-20 વિશ્વકપનું આયોજન થયું નહોતું. 2021માં સંયુક્ત અરબ અમીરાત(યુ.એ.ઈ.) અને ઓમનમાં આ સ્પર્ધાનું આયોજન થયું અને તેમાં ઑસ્ટ્રેલિયા વિશ્વવિજેતા બન્યું હતું. 2022માં ઑસ્ટ્રેલિયાના યજમાનપદે આ સ્પર્ધાનું આયોજન થયું હતું અને તેમાં ઇંગ્લૅન્ડ વિજેતા બન્યું હતું.

2024માં આ સ્પર્ધાના યજમાનપદની જવાબદારી યુ.એ.ઈ. અને વેસ્ટ ઇન્ડીઝે સ્વીકારી હતી. ભારત તેમાં વિશ્વવિજેતા બન્યું હતું.

વર્ષ 2009થી આઇસીસી મહિલા ટી-20 વિશ્વકપનું પણ દર બે વર્ષ આયોજન થતું રહે છે.

હેમલ જાદવ