ભટ્ટાચાર્ય, તિમિર બરન

January, 2026

ભટ્ટાચાર્ય, તિમિર બરન (જ. 10 જુલાઈ, 1901, કૉલકાતા અ. 29 માર્ચ 1989, કૉલકાતા) : ભારતીય ઑરકેસ્ટ્રાનો પાયો નાંખનાર.

તિમિર બરન ભટ્ટાચાર્ય સંસ્કૃત ભાષાના પંડિત પરિવારનું સંતાન હતા. દાદા મિહિર ભટ્ટાચાર્ય અને પિતા જ્ઞાનેન્દ્રનાથ ભટ્ટાચાર્ય – બંને પ્રખર સંગીતજ્ઞ હતા. ઘરનું સંગીતમય વાતાવરણ તેમને સંગીતની દુનિયામાં ખેંચી લાવ્યું. ચૌદ વર્ષની ઉંમરે તિમિર બરન રાજેન્દ્રલાલ ચટ્ટોપાધ્યાય પાસે ક્લૅરિનેટ (વાંસળી જેવું લાકડાનું વાદ્ય) વગાડતાં શીખ્યા. શરૂઆતમાં રાધિકાપ્રસાદ ગોસ્વામી પાસે તેઓ સરોદવાદન શીખ્યા. પછીથી આમિરખાન અને મહિયર ઘરાનાનાં ઉસ્તાદ અલ્લાઉદ્દીન ખાનના શિષ્ય રહ્યા.

તિમિર બરન ભટ્ટાચાર્ય

1930માં તિમિર બરન ઉદયશંકરની નૃત્યમંડળીમાં સંગીતકાર તરીકે જોડાયા. આ મંડળી સાથે તેમણે અમેરિકા તથા યુરોપની સફર કરી હતી. આ સમયગાળામાં ઉદયશંકર અને તિમિર બરને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી. બંનેએ અલગ અલગ યુરોપીય દેશોમાં લગભગ દોઢ વર્ષ સુધી સંગીતના કાર્યક્રમો કર્યા. તિમિર બરને 1934માં ઉદયશંકરની મંડળી છોડી દીધી અને કૉલકાતા પાછા ફર્યા. 1935માં બિરેન્દ્રનાથ સરકારના ન્યૂ થિયેટર્સમાં સંગીતકાર તરીકે જોડાયા. પ્રથમેથ બરુઆની ફિલ્મ ‘દેવદાસ’ના સંગીતની જવાબદારી સ્વીકારી. પશ્ચિમી સંગીત સાથે ભારતીય વાદ્યોનો સમન્વય કરીને તિમિર બરને અવિસ્મરણીય સંગીત આપ્યું. ‘દેવદાસ’ ફિલ્મનું કેદાર શર્માલિખિત ગીત ‘બાલમ આન બસો મોરે મન મેં’, ‘દુખ કે દિન અબ બીતત નાહિ’ ખૂબ વખાણાયાં. 1936ની ફિલ્મ ‘પૂજારિન’માં ‘પીએ જા, ઔર પીએ જા’ ગીતમાં બરને રાગ ખમાજની બંદિશ સાથે પશ્ચિમી શૈલીની વોલ્ટેજ રિધમનો બખૂબી ઉપયોગ કર્યો. 1939માં નેતાજી સુભાષચંદ્ર બોઝના કહેવાથી રાગ દુર્ગામાં ‘વંદે માતરમ’ની તરજ બનાવી. 1941 સુધી કુમ કુમ (ધ ડાન્સર), ‘રાજનર્તકી’, ‘લક્ષ્મી’, ‘સુહાગ’ જેવી ફિલ્મોમાં સંગીત આપ્યું. 1942માં જ્યારે બરને વારાણસીમાં સરોદ પર પૂરિયાધનાશ્રી રાગ વગાડ્યો હતો ત્યારે રવીન્દ્રનાથ ટાગોર ખૂબ જ પ્રભાવિત થયા હતા. બરન આકાશવાણી (કલકત્તા) જોડે લાંબો સમય જોડાયેલા રહ્યા હતા અને તે દરમિયાન તેમણે ગુરુદેવ ટાગોરનાં અહિંસાવિષયક કાવ્યોનું સંગીત તૈયાર કરેલું. મધુ બોઝ અને ડાન્સર સાધના બોઝની થિયેટર કંપની ‘કલકત્તા આર્ટ પ્લેયર્સ’માં પણ તે જોડાયા અને સંગીતસર્જન કર્યું. ફિલ્મી દુનિયાનાં સંગીતકાર તરીકે તેઓ મુંબઈ અને પાકિસ્તાનમાં પણ રહ્યાં. મુંબઈમાં ‘બાગબાન’ (1954), પાકિસ્તાનમાં ‘અનોખી’ (1955), ‘ફનકાર’ (1956) વગેરે ફિલ્મોમાં તેમણે સંગીત આપ્યું. 1978 સુધી ફિલ્મજગત સાથે જોડાયેલા તિમિર બરને જીવનના અંતિમ દસકામાં ગુરુદેવ ટાગોરની સંસ્થા શાંતિનિકેતનમાં સંગીતશિક્ષક તરીકે સેવા આપી. 1971માં બાંગ્લાદેશનો જન્મ થતાં તિમિર બરને મુક્તિસંગ્રામ નામની સંગીતરચના આપેલી.

પં. બંગાળ સરકારે તિમિર બરનને અલ્લાઉદ્દીન ઍવૉર્ડ આપેલ. વિશ્વભારતી યુનિવર્સિટીએ તેમને ‘ધ દેસીકોટ્ટમ’નું બિરુદ આપેલ. 1950માં ભારત સરકાર તરફથી તેમને સંગીત નાટક અકાદમીનો ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.

બીજલ બુટાલા