એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ (SI – Systeme Internationale d’ Unites) : તોલમાપ માટેની વિશ્વમાન્ય પદ્ધતિ. તોલમાપ માટે કાળક્રમે વિકાસ પામેલ પદ્ધતિ (ફૂટ, પાઉન્ડ વગેરેને આવરી લેતી) લાંબા સમયથી વપરાશમાં હતી. 1790માં ફ્રાંસમાં મૅટ્રિક પદ્ધતિ અસ્તિત્વમાં આવી અને તોલમાપ માટેની એક સુયોજિત તાર્કિક પદ્ધતિનો જન્મ થયો. મૅટ્રિક પદ્ધતિમાં નિયમિત સુધારાવધારા થતા આવ્યા છે. 1875માં અસ્તિત્વમાં આવેલ જનરલ કૉન્ફરન્સ ઑન વેઇટ્સ ઍન્ડ મેઝર્સ આ માટે દર છ વર્ષે મળે છે. 1960માં મૅટ્રિક પદ્ધતિના જન્મસ્થાન પૅરિસમાં ભરાયેલ સંમેલને યોજેલ પદ્ધતિના ફ્રેંચ નામ ઉપરથી આ પદ્ધતિના એકમો SI (બધી જ ભાષાઓમાં સામાન્ય) સંજ્ઞા વડે ઓળખાય છે. 1962માં ઇન્ટરનેશનલ ઓર્ગેનિઝેશન ફૉર સ્ટાન્ડર્ડાઇઝેશન અને ઇન્ટરનેશનલ ઇલેક્ટ્રૉકેમિકલ કમિશને (IEC) SI પદ્ધતિ સ્વીકારતાં, એકમોની વ્યવસ્થિત ફેરબદલીનો તખ્તો ગોઠવાયો અને આ પદ્ધતિ વધુ ને વધુ પ્રમાણમાં વપરાશમાં આવી રહી છે. (વધુ વિગતો માટે જુઓ એકમો અને એકમ-પ્રણાલીઓ).
સુ. ર. ઓઝા