ચૌધરી, બિભા (જ. 3 જુલાઈ 1913, કૉલકાતા, પશ્ચિમ બંગાળ; અ. 2 જૂન 1991, કૉલકાતા, પશ્ચિમ બંગાળ) : ભારતનાં પ્રથમ મહિલા ભૌતિકશાસ્ત્રી.
તેમનો જન્મ એક જમીનદાર કુટુંબમાં થયો હતો. પિતા ડૉક્ટર હતા. માતા અને પિતા બ્રહ્મોસમાજી હતાં અને બ્રહ્મોસમાજમાં સ્ત્રીઓના શિક્ષણને ઉત્તેજન અપાતું હોવાથી બિભા ચૌધરી ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરી શક્યાં. શાળાકીય શિક્ષણ મેળવ્યા બાદ તેઓએ કૉલકાતાની રાજાબઝાર સાયન્સ કૉલેજમાં ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1936માં તેમણે જ્યારે ભૌતિકશાસ્ત્રમાં અનુસ્નાતક(M.Sc.)ની પદવી મેળવી ત્યારે વર્ગમાં તેઓ એકમાત્ર સ્ત્રી હતાં.

બિભા ચૌધરી
1939થી 1942 દરમિયાન તેમણે કૉલકાતાના બોઝ ઇન્સ્ટિટ્યૂટમાં દેબેન્દ્ર મોહન બોઝ સાથે સંશોધનકાર્ય કર્યું અને ફોટોગ્રાફિક પ્લેટ્સના ઉપયોગ વડે મેસૉનની પ્રાયોગિક શોધમાં મહત્ત્વનું પ્રદાન કર્યું. મેસૉન ઉપપરમાણ્વિક કણ (subatomic particle) છે. તેમની શોધનાં પરિણામો ‘Nature’ જેવા અત્યંત પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક સામયિકમાં પ્રકાશિત થયાં હતાં.
ત્યારબાદ તેઓ પીએચ.ડી.ના અભ્યાસ માટે 1945-49 દરમિયાન યુનિવર્સિટી ઑવ્ માન્ચેસ્ટરમાં જોડાયાં અને પૅટ્રિક બ્લૅકેટ સાથે ‘કૉસ્મિક કિરણો ઍર શાવર્સ’ પર સંશોધનો હાથ ધરી પીએચ.ડી.ની પદવી પાપ્ત કરી. પૅટ્રિક બ્લૅકેટને પછીથી નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. એમ કહેવાય છે કે પૅટ્રિક બ્લૅકેટના પુરસ્કારિત સંશોધનોમાં બિભા ચૌધરીનું પણ મોટું પ્રદાન હતું છતાં તેઓ નોબેલ પુરસ્કારથી વંચિત રહ્યાં.
ઇંગ્લૅન્ડથી પાછાં ફર્યાં બાદ બિભા ચૌધરી 1949માં મુંબઈના ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફન્ડામેન્ટલ રિસર્ચમાં જોડાયાં (TIFR), જે ડૉ. હોમી ભાભા દ્વારા સ્થાપવામાં આવ્યું હતું અને ડૉ. ભાભા તેના નિર્દેશક હતા. TIFRમાં જોડાનાર તેઓ પ્રથમ મહિલાવૈજ્ઞાનિક હતાં. TIFRમાં બિભા ચૌધરીએ આઠ વર્ષ કામ કર્યું. 1953માં તેઓ પૅરિસ ગયાં અને સેન્ટર નૅશનલ દ લા રિસર્ચ સાયન્ટિફિકમાં K–મેસૉન પર સંશોધનો કર્યાં જે ‘નુવો સિમેન્ટો’ નામે પ્રતિષ્ઠિત સામયિકમાં 1957માં પ્રકાશિત થયાં. 1954માં તેમણે મુલાકાતી સંશોધક તરીકે યુનિવર્સિટી ઑવ્ મિશિગનમાં કામ કર્યું અને પાછા ફર્યા બાદ અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી(PRL)માં જોડાયાં. PRLના કોલર ગોલ્ડ ફિલ્ડ પ્રયોગો સંબંધિત સંશોધનો હાથ ધર્યાં. તે પછી તેઓ કૉલકાતા ગયાં અને સાહા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ન્યુક્લિયર ફિઝિક્સમાં જોડાયાં. અહીં જીવનના અંતકાળ સુધી સંશોધનકાર્ય અને તેનું પ્રકાશન ચાલુ રાખ્યું.
બિભા ચૌધરી ભોતિકશાસ્ત્ર ફ્રેન્ચ ભાષામાં શીખવતાં. તેઓ ઉચ્ચ શક્તિ કણ ભૌતિકશાસ્ત્ર(High Energy Physics)ના ક્ષેત્રમાં પ્રથમ ભારતીય મહિલાવૈજ્ઞાનિક હતાં. તેમનું સંશોધનકાર્ય નોંધપાત્ર હોવા છતાં તે માટે યોગ્ય શ્રેય ન મળ્યું અને અવગણના થઈ કારણ કે તેઓ મહિલા હતાં. કાર્યકાળ દરમિયાન તેમને લિંગભેદ(gender discrimination)નો ઘણો સામનો કરવો પડ્યો. એ સમયના વૈજ્ઞાનિકો બિભા ચૌધરીથી અજાણ હતા અને ઘણાં વર્ષો અજાણ રહ્યા. તેઓ મહદંશે ભુલાઈ ગયેલાં હતાં. 2018માં તેમના જીવન પર એક પુસ્તક પ્રકાશિત થયું – ‘અ જુવેલ અનઅર્થેડ : બિભા ચૌધરી – ધ સ્ટોરી ઑવ્ એન ઇન્ડિયન વુમન સાયન્ટિસ્ટ’.
2019માં ભૌતિકશાસ્ત્રમાં તેમના પ્રદાનની કદર થઈ. ઇન્ટરનેશનલ ઍસ્ટ્રૉનૉમિકલ યુનિયન (IAU) દ્વારા – HD 86081 – જે એક તારો છે, તેનું નામકરણ ‘બિભા’ તેમના નામ પરથી થયું. આમ મૃત્યુનાં ઘણાં વર્ષો પશ્ચાત્ બિભા ચૌધરીના પ્રદાનની ગણના થઈ.
પૂરવી ઝવેરી
