સિરોહી, રાજપાલ સિંહ

September, 2025

સિરોહી, રાજપાલ સિંહ (જ. 7 એપ્રિલ 1943) : આંતરરાષ્ટ્રીય ઑપ્ટિકલ સાયન્ટિસ્ટ તથા ટૅકનૉલૉજિસ્ટ. તેઓ આઈ.આઈ.ટી. દિલ્હીના નિર્દેશક હતા.

તેમણે 1964માં આગરા વિશ્વવિદ્યાલયમાંથી ભૌતિકશાસ્ત્રમાં સ્નાતકોત્તર તથા ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન, દિલ્હીમાંથી ઍપ્લાઇડ ઑપ્ટિક્સમાં પોસ્ટ-એમ.એસસી. તેમજ ભૌતિકશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન, મદ્રાસ(ચેન્નાઈ)ના મિકૅનિકલ એન્જિનિયરિંગ વિભાગમાં 1971-1979 સુધી આસિસ્ટંટ પ્રોફેસર તથા 1979થી ભૌતિકશાસ્ત્ર વિભાગમાં પ્રોફેસર તરીકે રહ્યા. તેઓ ઇન્ડિયન નૅશનલ અકાદમી ઑવ્ એન્જિનિયરિંગ, ઑપ્ટિકલ સોસાયટી ઑવ્ અમેરિકા, ઑપ્ટિકલ સોસાયટી ઑવ્ ઇન્ડિયા, ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ઑપ્ટિકલ એન્જિનિયરિંગ (એસ.પી.આઈ.ઈ.) તથા ભારતીય રાષ્ટ્રીય વિજ્ઞાન અકાદમી જેવી ઘણી પ્રતિષ્ઠિત અકાદમીઓ અને સંસ્થાઓના ફેલો રહ્યા છે.

રાજપાલ સિંહ સિરોહી

તેઓ નેતાજી સુભાષ પ્રૌદ્યોગિકી સંસ્થાન, દિલ્હીના બોર્ડ ઑવ્ ગવર્નર્સના ચૅરમૅન, રાષ્ટ્રીય વિજ્ઞાન અકાદમી સંગ્રહાલયના કાર્યકારી પરિષદના ચૅરમૅન તથા ઘણી રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓ/સરકારી સંગઠનોના બોર્ડ તથા સમિતિઓના સદસ્ય છે. તેમની પ્રકાશિત કૃતિઓમાં સામેલ છે – રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પત્રિકાઓમાં 229 લેખ, સંમેલન કાર્યવાહીઓના 58 લેખ તથા 13 લિખિત/સહલિખિત/સંપાદિત પુસ્તકો જેમાંથી પાંચ એસ.પી.આઈ.ઈ. માટે સીમાચિહન છે. તેમણે ઈલિપ્સોમેટ્રી, હોલોગ્રાફી, કોહેરન્ટ ઑપ્ટિક્સ તથા ઑપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં ઉલ્લેખનીય અનુસંધાન કાર્ય કર્યું છે. તેમણે સરકારી એજન્સીઓ અને ઉદ્યોગો દ્વારા સમર્થિત 24 પરિયોજનાઓ પર કાર્ય કર્યું તથા ઘણાં ઉપકરણોનો વિકાસ કર્યો જેમાંથી બે બજારમાં ઉપલબ્ધ છે.

તેમને હમ્બોલ્ટ રિસર્ચ ઍવૉર્ડ (1995), ગૅલિલિયો ગૅલીલી ઍવૉર્ડ (1995), અમિતા ડે સ્મારક પુરસ્કાર, આલ્બર્ટ આઇન્સ્ટાઇન રજતપદક, યુનેસ્કો (2000), અભિયાંત્રિકી અને પ્રૌદ્યોગિકી માટે પંડિત જવાહરલાલ નહેરુ પુરસ્કાર 2000, એન.આર.ડી.સી. પુરસ્કાર તથા હરિઓમ્ આશ્રમ ટ્રસ્ટ ઍવૉર્ડ, યુ.જી.સી.નો ‘સર સી. વી. રમન ઍવૉર્ડ : ફિઝિકલ સાયન્સીસ’ (2002) પદ્મશ્રી (2004) સહિત ઘણા રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પુરસ્કાર અને સન્માન પ્રાપ્ત કર્યાં છે.

પૂરવી ઝવેરી