તુમકૂર સીતારામય્યા પ્રહલાદ (જ. 21 મે 1940, ભારત) : નૅશનલ ઍરોસ્પેસ લૅબોરેટરીઝ (એન.એ.એલ.) બૅંગાલુરુના ખ્યાતિપ્રાપ્ત વૈજ્ઞાનિક. તેઓ ઍરોસ્પેસ એન્જિનિયરિંગ, ઉડ્ડયન તેમજ વાયુયાન કાર્યક્રમોમાં વિશેષજ્ઞતા તથા યોગદાન માટે જાણીતા છે.

સીતારામય્યા પ્રહલાદ તુમકૂર
તેઓએ 1961માં મૈસૂર વિશ્વવિદ્યાલયમાંથી મિકૅનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી અને ભારતીય વિજ્ઞાન સંસ્થાન (આઈ.આઈ.એસસી., બૅંગાલુરુમાંથી ઍરોનૉટિકલ એન્જિનિયરિંગમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેમણે સાત વર્ષ સુધી આઈ.આઈ.એસસી.માં સિનિયર રિસર્ચ ફેલો, તકનીકી સહાયક તથા પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું તથા વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (વી.એસ.સી.આઈ.ઇસરો), ત્રિવેન્દ્રમમાં 17 વર્ષ સુધી ઍરોડાયનેમિક વિભાગના પ્રમુખ અને ફ્લાઇટ ડાયનેમિક્સ ગ્રૂપના ગ્રૂપ ડાયરેક્ટર સહિત ઘણાં મહત્ત્વપૂર્ણ પદો પર રહ્યા. તેમણે મે, 1996માં એન.એ.એલ.માં પાંચમા નિર્દેશક બનતાં પહેલાં ઍરોનૉટિકલ ડેવલપમેન્ટ એજન્સી (એ.ડી.એ.), બૅંગાલુરુમાં નવ વર્ષ સુધી તકનીકી વિકાસના પરિયોજના નિર્દેશક તરીકે હલકાં લડાકુ વિમાન (એલ.સી.એ.) કાર્યક્રમમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. તેમણે વિદેશમાં પણ કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય (યુ.કે.)માં પોસ્ટ ડૉક્ટરલ રિસર્ચ આસિસ્ટન્ટ, ફૅડરલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી, લુસાન, સ્વિટ્ઝર્લૅન્ડમાં વિઝિટિંગ પ્રોફેસર અને નૉર્વેજિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી, ટ્રોન્ધીમમાં સિનિયર વિઝિટર સાયન્ટિસ્ટ તરીકે કાર્ય કર્યું. તેમણે વિભિન્ન કાર્યોના સંબંધમાં વિદેશમાં અનેક ઍરોસ્પેસ સંસ્થાનોની મુલાકાત પણ લીધી.
ચાર દસકાથી વધુ સમયની પોતાની કારકિર્દી દરમિયાન તેમણે રાષ્ટ્રીય ઍરોસ્પેસ કાર્યક્રમો, ઍરોસ્પેસ વિજ્ઞાન તથા એન્જિનિયરિંગના ક્ષેત્રમાં ઉલ્લેખનીય યોગદાન કર્યું છે. એમાં સામેલ છે – વી.એસ.એસ.સી.માં SLV–3, PSLV તથા GSLVની ડિઝાઇન તૈયાર કરવી, એ.ડી.એ.માં એલ.સી.એ.ની ડિઝાઇન તથા વિકાસનાં વિભિન્ન પાસાંઓ, એન.એ.એલ.માં હંસા ટ્રેનરના બધા સંઘટકોનું પ્રમાણ તથા ગુણવત્તા અને એન.એ.એલ.માં પણ 14 સીટોવાળાં હલકાં પરિવહન ઍરક્રાફ્ટ- (એસ.એ.આર.એસ.)ની ડિઝાઇન તૈયાર કરવી. તેમણે વિન્ડ ટનલની ડિઝાઇન તૈયાર કરવામાં તથા તેનું પરીક્ષણ કરવામાં, કમ્પ્યૂટેશનલ ફ્લુઇડ ડાયનેમિક્સ, ઍરોથર્મોડાયનેમિક્સ ઍરક્રાફ્ટ સિસ્ટમ એન્જિનિયરિંગ વગેરે જેવી ઘણી ઍરોસ્પેસ પ્રૌદ્યોગિકીઓના વિકાસમાં અગ્રણી ભૂમિકા નિભાવી છે
ડૉ. પ્રહલાદે રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પત્રિકાઓ તથા સંમેલનોની કાર્યવાહીઓમાં 50થી વધુ લેખ પ્રકાશિત કર્યા છે. તેઓ ઍરોનૉટિકલ સોસાયટી ઑવ્ ઇન્ડિયા તથા ઇન્ડિયન નૅશનલ એકૅડેમી ઑવ્ એન્જિનિયરિંગના ફેલો છે. 2004માં પદ્મશ્રીથી સન્માનિત થયા છે.
પૂરવી ઝવેરી