જલોટા, અનુપ પુરુષોત્તમદાસ (જ. 29 જુલાઈ 1953, નૈનિતાલ) : ભક્તિગીતો અને ગઝલના પ્રસિદ્ધ ગાયક.

ભારતીય ગીત-સંગીતના પવિત્ર ચરણોમાં પોતાના જીવનનું સર્વસ્વ અર્પણ કરનાર અનુપ જલોટા એક સક્ષમ અભિનેતા પણ છે, જેમણે ભજન અને ગઝલ ગાયકીના ક્ષેત્રે અવ્વલ સ્થાન પ્રાપ્ત કર્યું છે. ‘ભજનસમ્રાટ’ના નામે લોકપ્રિય એવા અનુપનો જન્મ નૈતિતાલ ખાતે પંજાબી હિંદુ પરિવારમાં થયો. શિક્ષણની સામાન્ય તરાહની સાથે એમણે પંજાબના શામ ચૌરસિયા ઘરાનાના ગુરુઓ પાસેથી પણ સંગીતની તાલીમ પ્રાપ્ત કરી – જેને તેઓ આજ સુધી અનુસરી રહ્યા છે. લખનઉની ભાતખંડે શાસ્ત્રીય સંગીત સંસ્થામાંથી પણ તેઓએ કંઠ્ય સંગીતની તાલીમ મેળવી. તેમના પિતાશ્રી પુરુષોત્તમ જલોટા પણ ભજનિક હતા. એક ભક્તની જેમ ભક્તિભાવે તેઓ ભજનગાયનમાં તલ્લીન થઈ જતા. અનુપજીએ આરંભનાં વર્ષોમાં ગુજરાતના સૌરાષ્ટ્રના સાવરકુંડલામાં કેટલાંક વર્ષો વિતાવ્યાં. એમનાં બે ભાઈઓ – અનિલ અને અજય તથા બે નાની બહેનો – અંજલિ અને અનિતા છે. પરિવારના સાથ-સહકાર અને હૂંફને કારણે તેમની સંગીતમય કારકિર્દી સૂરમયી બની.

અનુપ પુરુષોત્તમદાસ જલોટા

અનુપજીએ આકાશવાણીમાં સમૂહગાન વિભાગમાં એક અદના ગાયક તરીકે પાપા પગલી માંડી. આરંભથી જ તેમને વાદ્ય સંગત માટે અખૂટ પ્રેમ. સંતૂર, ઢોલક, સરોદ, સારંગી, વાયોલિન, સિતાર, ગિટાર અને તબલાં તેમનાં પ્રિય વાદ્યો રહ્યાં છે અને તેથી જ એના વાદકોને સન્માન આપવાનો એમનો અભિગમ આજ સુધી બરકરાર રહ્યો છે – જે અનન્ય છે.

સંગીતક્ષેત્રે પચાસ વર્ષોની દીર્ઘ કારકિર્દીને અંતે તેઓએ રસિકોના હૃદયમાં નિશ્ચિત સ્થાન પ્રાપ્ત કર્યું. એમના મત મુજબ કોઈ પણ ક્ષેત્રમાં – ખાસ કરીને સંગીતવિશ્વમાં માત્ર લોકપ્રિય થઈ જવું જ જરૂરી નથી; પરંતુ વિનમ્ર રહીને સૌને માન આપીને અને વ્યાવસાયિક ક્ષેત્રે માનપૂર્વક રહીને કામ કરવું એમાં જ એ કલાકારની શોભા છે. તેઓ દૃઢપણે માને છે કે સફળતા માણવી જોઈએ… પણ તે પોતાની ઉપર હાવી થઈને આપણને અભિમાની કે તોછડા ન બનાવી દે તે જોવું જોઈએ. પ્રત્યેક કૃતિને દિલથી પેશ કરી ભાવકો સુધી પહોંચવાનો પ્રયત્ન એ જ કલાની ખરી સેવા.

પોતાના અંગત જીવનમાં સહનશીલતા કેળવી એમણે સંગીત ક્ષેત્રે ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બે વાર છૂટાછેડા અને ત્રીજાં પત્ની મેધાના અવસાનને કારણે તેમને ઘણી એકલતા લાગતી હતી પરંતુ મેધા થકી થયેલ પુત્ર આર્યમાન એમના જીવનમાં-રણમાં વીરડી સમાન પડખે ઊભા છે. આ સન્નિષ્ઠ કલાકારના શિષ્ય જસલીન મથારુ હાલ તેમના મિત્ર સ્વરૂપે અનુપજીને ટેકો કરી રહ્યા છે. અનુપે સમાજ સાથે નિસબત નિભાવીને કેટલાંક દાન-ધર્મ પણ કર્યાં છે.

2012માં પદ્મશ્રીનો ઍવૉર્ડ પ્રાપ્ત કરનાર અનુપ જલોટાએ અનેક આલ્બમ્સ અને સીડી બહાર પાડ્યાં છે – જે એમની કલા આરાધનાનો નિચોડ છે. એમની અતિ પ્રિય એવી અનેક પ્રસ્તુતિઓમાંનાં થોડાંક ઉદાહરણ જોઈએ તો… ‘ઐસી લાગી રે લગન…’, ‘મૈં નહિ માખન ખાયો’, ‘રંગ દે ચુનરિયા…’, ‘જગમેં સુંદર હૈ દો નામ’, ‘ચદરિયા ઝીની ઝીની રે…’, ‘ચાંદ અંગડાઈયાઁ લે રહા હૈ…’, ‘સૂરજકી ગરમી સે’ આદિએ એમને જશ અપાવ્યો. ટી.વી. પર ‘ધરમ ઔર હમ’, ‘નૂરાની ચહેરા’, ‘જય હો’ વગેરે શોમાં ભાગ લેનાર અનુપજીએ શ્લોકો, મંત્રો અને અનેક ધૂનોથી સંગીતવિશ્વને ગજવ્યું અને ‘ચાંદને કહું છું’ જેવી ગુજરાતી ગઝલો ગાઈ તેમણે ગુજરાતીપણાને ઊજવ્યું છે. ‘સોનલ ગરબો શિરે અંબેમા’ ગરબા દ્વારા માતાજીનાં ઓવારણાં પણ એમણે લીધાં છે. અનુપ જલોટાની સંગીતયાત્રા અવિરત…અણનમ ચાલતી રહે છે.

સુધા ભટ્ટ