સિંહ, (જનરલ) વી. કે.
September, 2025
સિંહ, (જનરલ) વી. કે. (જ. 10 મે, 1951, પૂણે) : ભારતીય સેનાના પૂર્વ ફોર-સ્ટાર જનરલ અને ગાઝિયાબાદ લોકસભા બેઠકના પૂર્વ સાંસદ. સૈન્ય અધિકારીમાંથી રાજકારણના મેદાનમાં ઉતરેલા પૂર્વ ચીફ ઑફ આર્મી સ્ટાફ જનરલ વિજય કુમાર સિંહ હાલ મિઝોરમના રાજ્યપાલ છે. કેન્દ્રમાં મોદી સરકારના બીજા કાર્યકાળમાં રાજ્યકક્ષાના માર્ગપરિવહન અને રાજમાર્ગમંત્રી તથા રાજ્યકક્ષાના નાગરિક ઉડ્ડયન મંત્રી. મોદી સરકારના પ્રથમ કેન્દ્રીય મંત્રીમંડળમાં રાજ્યકક્ષાના વિદેશમંત્રી, પૂર્વોત્તર વિસ્તારના વિકાસ માટે રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર હવાલો). વર્ષ 2010થી વર્ષ 2012 સુધી દેશના ચીફ ઑફ આર્મી સ્ટાફ (COAS).

વી. કે. (જનરલ) સિંહ
પિતા ભારતીય સેનાની રાજપૂત રેજિમેન્ટની 14મી બટાલિયનમાં અધિકારી હતા અને માતા ક્રિષ્ના કુમારી ગૃહિણી. રાજપૂતોના તોમાર વંશ કે કુળ સાથે સંબંધ. કુળનાં મૂળિયાં હરિયાણાના ભિવાની જિલ્લામાં બાપોરા ગામમાં. 1952માં ટર્મિનલ કૅન્સર બીમારીથી માતાનું અવસાન થયું એટલે નાના-નાનીએ ઉછેર કર્યો અને પિતાએ પુનર્લગ્ન કર્યાં. આઠ વર્ષની વયે રાજસ્થાનમાં પિલાનીની બોર્ડિંગ સ્કૂલ બિરલા પબ્લિક સ્કૂલમાં પ્રવેશ કર્યો. શાળામાં શિક્ષણ દરમિયાન જ નૅશનલ કૅડેટ કોર્પ્સ (એનસીસી)માં સામેલ થયા અને ત્રણેય પાંખોમાં સેવા આપી.
વર્ષ 1966માં નૅશનલ ડિફેન્સ એકૅડેમી (એનડીએ)માં પ્રવેશ કર્યો. જૂન, 1969માં ઇન્ડિયન મિલિટરી એકૅડેમીમાં પ્રવેશ કર્યો અને 1970ની પરીક્ષા પાસ કરી. 42 વર્ષ એટલે કે 1970થી 2012 સુધી સેનામાં વિવિધ પદો પર ફરજ અદા કરી. જૂન, 1970માં રાજપૂત રેજિમેન્ટની બીજી બટાલિયનમાં પ્રવેશ કર્યો. 1971માં બાંગ્લાદેશના સ્વતંત્રતા સંગ્રામમાં અસમમાં જૂનિયર ઑફિસર તરીકે ફરજ અદા કરી. 1988ની મધ્યમમાં લેફ્ટનન્ટ કર્નલ તરીકે પ્રમોશન મળ્યું. 26 જાન્યુઆરી, 1990ના રોજ યુદ્ધ સેવા મેડલ મેળવ્યો.
1998માં બ્રિગેડિયર તરીકે અને 2001માં મેજર જનરલ તરીકે પ્રમોશન મળ્યું. વર્ષ 2003માં જનરલ ઑફિસર કમાન્ડિંગ તરીકે વિશિષ્ટ સેવા બદલ અતિ વિશિષ્ટ સેવા મેડલ એનાયત થયો. એપ્રિલ, 2006માં લેફ્ટનન્ટ જનરલ તરીકે પ્રમોશન મળ્યું. સેનામાં શિખરપદે 31 માર્ચ, 2010ના રોજ પહોંચ્યા અને 24મા ચીફ ઑફ આર્મી સ્ટાફ બન્યા. 31 મે, 2012ના રોજ આ પદ પરથી નિવૃત્ત થયાં.
સેનામાંથી નિવૃત્તિ પછી તરત જ રાજકીય મેદાનમાં પ્રવેશ કર્યો. તેમણે અણ્ણા હઝારેના નેતૃત્વમાં કથિત ભ્રષ્ટાચારવિરોધી આંદોલનને ટેકો આપ્યો. ઑગસ્ટ, 2012માં દિલ્હીમાં રામલીલા મેદાનમાં કાળાં નાણાં અને ભ્રષ્ટાચાર સામે યોગગુરુ બાબા રામદેવના નેતૃત્વમાં વિરોધપ્રદેશમાં સામેલ થયા. આંદોલન દરમિયાન ભાવાવેશમાં તેમણે અણ્ણા હઝારેની સરખામણી જયપ્રકાશ નારાયણ સાથે કરી, જે પાછળથી તદ્દન ખોટી પુરવાર થઈ અને સંપૂર્ણ આંદોલન યુપીએના બીજા કાર્યકાળમાં મનમોહન સિંઘની સરકારને પ્રજાની નજરમાંથી ઉતારી પાડીને વર્ષ 2014ની ચૂંટણી માટે ભાજપ અને ખાસ કરીને નરેન્દ્ર મોદીને સત્તામાં લાવવા મંચ તૈયાર કરવાની ભૂમિકાસમાન પુરવાર થયું.
આંદોલનમાં સાથ આપ્યો હોવાથી સ્વાભાવિક રીતે વી. કે. સિંહને વર્ષ 2014ની લોકસભાની ચૂંટણીમાં ગાઝિયાબાદ બેઠક પરથી ભાજપની ટિકિટ મળી. તે સમયે ઊભી થયેલી યુપીએ વિરોધી લહેરનો લાભ ભાજપની સાથે વી. કે. સિંહને મળ્યો અને તેમણે ગાઝિયાબાદ બેઠક પર સમાજવાદી પક્ષના ઉમેદવાર રાજ બબ્બર જેવા દિગ્ગજ નેતાને હરાવી દીધા. મોદીના પ્રથમ કાર્યકાળમાં વિવિધ મંત્રાલયોમાં મંત્રી તરીકે જવાબદારી અદા કરી.
વર્ષ 2019માં પણ ગાઝિયાબાદ બેઠક પરથી જ પુનઃસાંસદ તરીકે ચૂંટાયા. મોદીના બીજા શાસનકાળમાં પણ વિવિધ મંત્રાલયોમાં જવાબદારી સંભાળી. વર્ષ 2024માં લોકસભાની ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો. એટલે જાન્યુઆરી, 2025માં મિઝોરમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે.
સેના અને રાજકારણ ઉપરાંત સિંહને ઘોડેસવારી અને વાંચનનો શોખ છે. તેમણે પોતાની આત્માકથા ‘કરેજ એન્ડ કન્વિકેશન’ પણ લખી છે, જેમાં ભારતીય સેનામાં તેમની કારકિર્દી અને અનુભવને આલેખ્યાં છે.
સિંહે 1991માં હિંદી ફિલ્મ ‘પ્રહારઃ ધ ફાઇનલ ઍટેક’માં કેમિયો એટલે કે ટૂંકી ભૂમિકા ભજવી છે. આ ફિલ્મમાં મુખ્ય કલાકારો નાના પાટેકર, માધુરી દીક્ષિત અને ડિમ્પલ કાપડિયા છે. ફિલ્મની કથાવસ્તુ સૈન્ય અધિકારીના જીવન પર કેન્દ્રિત છે.
કેયૂર કોટક