બુટા સિંઘ (. 21 માર્ચ, 1934, મુસ્તફાપુર, જલંધર, પંજાબ; અ. 2 જાન્યુઆરી, 2021, નવી દિલ્હી) :  ‘દલિતોના મસીહા’ તરીકે પ્રસિદ્ધ. બુટા સિંઘે પાંચ દાયકાથી વધારે લાંબી રાજકીય કારકિર્દીમાં ભારત સરકારમાં કેન્દ્રીય ગૃહમંત્રી, કૃષિમંત્રી, રેલવેમંત્રી અને રમતગમતમંત્રી તરીકે કામગીરી કરી હતી. આઠ વાર સાંસદ બન્યાં પછી 2006માં સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થયા પછી બિહારના રાજ્યપાલ તરીકે ભૂમિકા અદા કરી હતી અને છેલ્લે યુપીએ-2 સરકારના કાર્યકાળમાં રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ પંચના અધ્યક્ષ તરીકે ભૂમિકા અદા કરી હતી. ગાંધી પરિવાર અને ખાસ કરીને ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ સ્વ. ઇન્દિરા ગાંધી અને સ્વ. રાજીવ ગાંધી તેમજ સોનિયા ગાંધીની અતિ નિકટ ગણાતા હતા.

બુટા સિંઘ

જન્મ મઝહબી શીખ પરિવારમાં થયો હતો. જલંધરમાં લાયલ્લપુર ખાલસા કૉલેજમાંથી કળા શાખામાંથી સ્નાતક અને ત્યાર બાદ બૉમ્બેમાં ગુરુ નાનક ખાલસા કૉલેજમાંથી અનુસ્નાતકની ઉપાધિ મેળવી હતી. રાજકારણમાં પ્રવેશ કર્યો તે અગાઉ તેમણે પત્રકાર તરીકે થોડો સમય કામ કર્યું હતું. દેશને આઝાદી મળ્યા પછી 1960ના દાયકામાં સામ્યવાદી વિચારસરણી ધરાવતા નેતા તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત કરનાર બુટા સિંઘને સામ્યવાદી નેતાઓ સાથે ઝડપથી મતભેદો થયા હતા. આ કારણસર તેઓ 1960ના દાયકાના શરૂઆતનાં વર્ષોમાં અકાલી દળમાં સામેલ થયા હતા. અકાલી દળના ઉમેદવાર તરીકે જ તેઓ 1962માં લોકસભાની ત્રીજી ચૂંટણીમાં મોગા બેઠક પરથી પહેલી વાર ચૂંટણી લડીને પ્રથમ વખત સાંસદ બન્યા હતાં. જોકે અકાલી દળ સાથે પણ તેમનું જોડાણ લાંબો સમય ટક્યું નહોતું. એટલે 1960ની મધ્યમાં તેઓ લાલબહાદુર શાસ્ત્રીના નેતૃત્વમાં કૉંગ્રેસમાં સામેલ થઈ ગયા હતા. શાસ્ત્રીનાં અવસાન પછી તેઓ ઇન્દિરા ગાંધીની નજીક ગયા અને 1967માં લોકસભાની ચોથી ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવાર તરીકે રોપર બેઠક પરથી સાંસદ તરીકે બીજી વાર ચૂંટાયા હતા.

1969માં કૉંગ્રેસનાં જૂના નેતાઓ અને ઇન્દિરા ગાંધીના નેતૃત્વમાં નેતાઓ વચ્ચે મતભેદો થવાથી ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસ બે જૂથોમાં વહેંચાઈ ગઈ હતી. ઇન્દિરા ગાંધીએ સૌપ્રથમ કૉંગ્રેસ (આર) અને પછી કૉંગ્રેસ(આઈ)ની રચના કરી હતી. બુટા સિંઘે જૂના નેતાઓનો સાથ છોડીને ઇન્દિરા ગાંધી સાથે રહેવાનું પસંદ કર્યું હતું. પછી પાંચમી લોકસભામાં 1971માં સાંસદ તરીકે રોપર બેઠક પરથી તેમનો વિજય થયો હતો. 1973-74માં તેમને કૉંગ્રેસમાં અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિ (એઆઇસીસી)ની હરિજન સેલના સંયોજક બનાવવામાં આવ્યા હતા. સાથે સાથે તેમણે 1974થી 1976 સુધી કેન્દ્રમાં રેલવે મંત્રી અને 1976થી 1977 સુધી કેન્દ્રમાં નાયબ વાણિજ્યમંત્રીની જવાબદારી સંભાળી હતી.

બુટા સિંઘે કટોકટીમાં ઇન્દિરા ગાંધીને સાથ આપ્યો હતો અને પછી યોજાયેલી છઠ્ઠી લોકસભામાં તેમની હાર થઈ હતી. જોકે 1980માં ઇન્દિરા ગાંધીના જબરદસ્ત પુનરાગમનની સાથે લોકસભાની સાતમી ચૂંટણીમાં બુટા સિંઘ રોપર બેઠક પરથી જ ચોથી વાર સાંસદ બન્યા હતા. 1980થી 1982 સુધી કેન્દ્રમાં રાજ્ય કક્ષાના જહાજ અને પરિવહનમંત્રી બન્યા હતા. તેઓ રાજીવ ગાંધીની પણ નિકટ હતા. આ જ કારણસર તેમને 1981માં દિલ્હીમાં આયોજિત એશિયન રમતોત્સવની સંયોજક સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ‘ઑપરેશન બ્લૂ સ્ટાર’માં તેમણે ઇન્દિરા ગાંધીના વિશ્વસનીય સાથીદાર તરીકેની ભૂમિકા ભજવી હોવાનું પણ માનવામાં આવે છે.

1984માં ઇન્દિરા ગાંધીની હત્યા પછી તેઓ રાજીવ ગાંધીની સાથે ઊભા રહ્યા હતા. લોકસભાની આઠમી ચૂંટણીમાં રાજીવ ગાંધીની ઐતિહાસિક જીત હતી, પરંતુ પછી પંજાબમાં કૉંગ્રેસ સામે નારાજગી હોવાથી બુટા સિંઘને કૉંગ્રેસનો ગઢ ગણાતી રાજસ્થાનની જાલોર-સિરોહી બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. ત્યાં તેમનો વિજય થયો હતો. પછી તેમને રાજીવ ગાંધીના મંત્રીમંડળમાં ગૃહમંત્રીની મહત્ત્વપૂર્ણ ભૂમિકા મળી હતી. આ જ ભૂમિકામાં તેમણે સુવર્ણમંદિરનું નવનિર્માણ કરવામાં પણ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. સાથે સાથે તેમણે આઠમી લોકસભામાં કૃષિ અને ગ્રામીણ વિકાસમંત્રી, કૃષિમંત્રી અને ગૃહમંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી.

1989ની લોકસભાની નવમી ચૂંટણીમાં જાલોર બેઠક પર બુટા સિંઘનો ભાજપના વરિષ્ઠ નેતા કૈલાશ મેઘવાલ સામે પરાજય થયો. જોકે 1991માં તેઓ આ જ બેઠક પરથી લોકસભાની 10મી ચૂંટણીમાં ફરી ચૂંટાયા હતા. 1991માં પી વી નરસિંહમારાવ પ્રધાનમંત્રી બન્યા અને તેમના મંત્રીમંડળમાં બુટા સિંઘને કેન્દ્રીય પુરવઠા, ઉપભોક્તા અને જાહેર વિતરણમંત્રી તરીકેની જવાબદારી સુપરત કરવામાં આવી હતી.

ત્યાર બાદ 1998 અને 1999માં 12મી અને 13મી લોકસભામાં જાલોર બેઠક પરથી જ સાતમી અને આઠમી વાર સાંસદ બન્યા હતા, પરંતુ 1998માં ઝારખંડ મુક્તિ મોરચા કૌભાંડ કેસમાં તેમનું નામ બહાર આવવાની સાથે સંચારમંત્રી તરીકે તેમને રાજીનામું આપવાની ફરજ પડી હતી. ત્યાર બાદ વર્ષ 2004થી 2006 સુધી યુપીએ-1ના શાસનકાળમાં બિહારના રાજ્યપાલ બન્યા. વર્ષ 2007થી વર્ષ 2010 સુધી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિઓ માટે પંચના અધ્યક્ષ બન્યાં (કૅબિનેટ મંત્રીનો દરજ્જો). ત્યારબાદ જાહેર રાજકારણમાંથી નિવૃત્તિ લીધી.

જોકે વર્ષ 2014માં બુટા સિંઘ રાજકારણમાં ફરી સક્રિય થયા હતા અને સમાજવાદી પક્ષમાં સામેલ થઈને જાલોર બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. તેમાં તેમનો પરાજય થયો હતો.

તેઓ ઑક્ટોબર, 2020થી કોમામાં હતાં અને પછી તેમને બ્રેઇન હેમરેજ થઈ ગયું હતું. દિલ્હીમાં એઇમ્સ ખાતે 86 વર્ષની વયે અવસાન થયું હતું.

કેયૂર કોટક