પેસ, લિએન્ડર

September, 2025

પેસ, લિએન્ડર (જ. 17 જૂન 1973, કૉલકાતા, પશ્ચિમ બંગાળ) : ભારતીય ભૂતપૂર્વ વ્યાવસાયિક ટેનિસ ખેલાડી.

સર્વકાલીન મહાન ડબલ્સ ટેનિસ ખેલાડીઓમાંના એક અને ડેવિસ કપમાં સૌથી વધુ ડબલ્સ જીતનો રેકૉર્ડ ધરાવનાર. તેમના પિતા વેસ પેસ, ગોઆન કૅથલિક વંશના ફિલ્ડ હૉકી ખેલાડી હતા. માતા જેનિફર પેસ બાસ્કેટબૉલ ખેલાડી હતાં. પરિવાર ખ્રિસ્તી ધર્મ પાળે છે. લિએન્ડર પેસે લા માર્ટિનિયર કૉલકાતા, મદ્રાસ ક્રિશ્ચિયન કૉલેજ હાયર સેકન્ડરી સ્કૂલ અને સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. તેમના પિતા વેસ 1972 મ્યુનિક ઑલિમ્પિક્સમાં કાંસ્ય પદક વિજેતા ભારતીય ફિલ્ડ હૉકી ટીમમાં મિડફિલ્ડ સ્કવોડ સભ્ય હતા, જોકે તેઓ કોઈ પણ મૅચમાં મેદાનમાં ઊતર્યા ન હતા આથી તેમણે વ્યક્તિગત રીતે મેડલ મેળવ્યો ન હતો. તેમની માતાએ 1980ની એશિયન બાસ્કેટબૉલ ચૅમ્પિયનશિપમાં ભારતીય બાસ્કેટબૉલ ટીમનું નેતૃત્વ કર્યું હતું.

લિએન્ડર પેસ

1985માં પેસે ચેન્નાઈમાં બ્રિટાનિયા અમૃતરાજ ટેનિસ એકૅડેમીમાં પ્રવેશ મેળવ્યો. ત્યાં તેમને ડેવ ઓ’મીરા દ્વારા કોચિંગ આપવામાં આવ્યું. પેસે 1990માં વિમ્બલ્ડન જુનિયર ટાઇટલ જીતીને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી અને 17 વર્ષની ઉંમરે જુનિયર વર્લ્ડ રેન્કિંગમાં નંબર – 1 પર પહોંચી ગયા. તેઓ 1991માં વ્યાવસાયિક બન્યા. 1992માં તેઓ રમેશ કૃષ્ણન સાથે 1992 બાર્સેલોના ઑલિમ્પિકમાં ડબલ્સ ઇવેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા હતા. 1996ના એટલાન્ટા ઑલિમ્પિક્સમાં તેમણે ફર્નાન્ડો મેલિજેનીને હરાવીને કાંસ્ય પદક જીત્યો, જે 1952ના હેલસિંકી ઑલિમ્પિક્સમાં કે. ડી. મધવે કાંસ્ય પદક જીત્યા પછી વ્યક્તિગત પદક જીતનાર પ્રથમ ભારતીય ખેલાડી હતા. પેસે આ મૅચને તેમના શ્રેષ્ઠ પ્રદર્શનમાંના એક તરીકે ગણાવી, કારણ કે તેમના કાંડામાં ગંભીર ઈજા થઈ હતી. સિડની ઑલિમ્પિક્સમાં પેસને ઉદઘાટન સમારોહમાં ભારતીય ધ્વજ વહન કરવાનું સન્માન મળ્યું હતું.

2003 પછી પેસે ડબલ્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું. તેમણે 2003માં માર્ટિના નવરાતિલોવા સાથે ઑસ્ટ્રેલિયન અને વિમ્બલ્ડન મિશ્ર ડબલ્સ ઇવેન્ટ્સ જીતી. પેસે ડબલ્સમાં ભારતના મહેશ ભૂપતિ સાથે જોડી બનાવી હતી. 2006માં દોહા એશિયન ગેઇમ્સમાં ભારતીય ટેનિસ ટીમનું નેતૃત્વ કર્યું અને પુરુષોના ડબલ્સ (ભૂપતિ સાથે) અને મિશ્ર ડબલ્સ (સાનિયા મિર્ઝા) સાથે બે ગોલ્ડ જીત્યા. પેસે 2005 અને 2007 વચ્ચે વિશ્વના ટોચના 20માં પોતાનું ડબલ્સ રેન્કિંગ જાળવી રાખ્યું. 2009માં તેમણે લુકાસ ફલોહી સાથે ફ્રેન્ચ ઓપન અને યુએસ. ઓપન પુરુષ ડબલ્સ ટાઇટલ જીત્યા. 2010માં ઑસ્ટ્રેલિયન ઓપન મિક્સ્ડ ડબલ્સ ટાઇટલ જીત્યું. 2012માં પેસે રાડેક સ્ટેપેનેક સાથે જોડી બનાવી ઑસ્ટ્રેલિયન ઓપન પુરુષ ડબલ્સ ટાઇટલ જીત્યું અને પુરુષ ડબલ્સમાં પોતાનું કારકિર્દીનું ગ્રાન્ડ સ્લૅમ પૂર્ણ કર્યું. 2013માં પેસ/સ્ટેપેનેકે યુ.એસ. ઓપન જીત્યું. તે ગ્રાન્ડ સ્લૅમ ટાઇટલ જીતનાર સૌથી મોટી ઉંમરના અને 40 વર્ષથી વધુ ઉંમરના ખેલાડી બન્યા. 2015 ઑસ્ટ્રેલિયન ઓપનમાં પેસે, માર્ટિના હિંગિસ સાથે મળીને પોતાનો સાતમો ગ્રાન્ડ સ્લૅમ મિક્સ્ડ ડબલ્સનો તાજ જીત્યો. વિમ્બલ્ડન 2015માં પેસે ફરીથી હિંગિસ સાથે જોડી બનાવી મિક્સ્ડ ડબલ્સ ચૅમ્પિયનશિપ જીતી. 2015માં ફરીથી આ જોડી યુ.એસ. ઓપન મિક્સ્ડ ડબલ્સ જીતી. 2016માં લિએન્ડર પેસે હિંગિસ સાથે ફ્રેન્ચ ઓપન જીતીને ખેલાડીઓની શ્રેષ્ઠ લીગમાં જોડાયા.

ડેવિસ કપમાં પણ પેસનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું છે. તે ડેવિસ કપમાં સૌથી વધુ ડબલ્સ જીતનો (45 જીત) વિક્રમ ધરાવે છે. તેમણે 1992થી 2016 સુધી સતત ઑલિમ્પિકમાં ભાગ લીધો હતો. તેઓ સાત ઑલિમ્પિક રમતોમાં ભાગ લેનારા એકમાત્ર ટેનિસ ખેલાડી છે. તેઓ સુવર્ણ અને ત્રણ કાંસ્ય પદક સાથે એશિયન ગેઇમ્સના ઇતિહાસમાં સૌથી વધુ સુશોભિત પુરુષ ટેનિસ ખેલાડી પણ છે. પેસે આઠ મૅન્સ ડબલ્સ અને દસ મિક્સ્ડ ડબલ્સ ગ્રાન્ડ સ્લૅમ ટાઇટલ જીત્યાં છે. પેસે 2020માં વ્યાવસાયિક ટેનિસમાંથી નિવૃત્તિ લીધી. 20 જુલાઈ, 2024ના રોજ તેમને આઇલૅન્ડના ન્યૂપૉર્ટમાં ઇન્ટરનેશનલ ટેનિસ હૉલ ઑવ્ ફ્રેમમાં સામેલ કરવામાં આવ્યા છે.

ટેનિસમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ પેસને 1990માં અર્જુન પુરસ્કાર, 1996-97માં ભારતના સર્વોચ્ચ રમતગમત સન્માન મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર, 2001માં પદ્મશ્રી પુરસ્કાર અને જાન્યુઆરી, 2014માં પદ્મભૂષણ પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.

2010માં તેઓ ગીત સેઠી અને પ્રકાશ પદુકોણ દ્વારા સહસ્થાપિત ફાઉન્ડેશન ગોલ્ડ ક્વેસ્ટના બોર્ડ ઑવ્ ડિરેક્ટર્સમાં જોડાયા. લિએન્ડર પેસે ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

અમલા પરીખ