ચાનુ, મીરાબાઈ (જ. 8 ઑગસ્ટ 1994, ઇમ્ફાલ, મણિપુર) : ભારતની પ્રસિદ્ધ વેઇટલિફ્ટર.
નોંગપોક કાકચીંગ, ઇમ્ફાલ, મણિપુરમાં જન્મેલી સાઇખોમ મીરાબાઈ ચાનુ ભારતની જાણીતી વેઇટલિફ્ટર છે. તે મૈતી જાતિમાંથી આવે છે. તે 12 વર્ષની હતી ત્યારથી જ કુટુંબે તેની ભાર ઊંચકવાની ક્ષમતા પારખી લીધી હતી. તેનો મોટો ભાઈ જે લાકડાનો મોટો ભારો ઊંચકી શકતો નહોતો તે ભારો તે ખૂબ સહેલાઈથી ઊંચકી શકતી. મણિપુર સ્પૉર્ટ્સ અકાદમીમાં મીરાબાઈએ વેઇટલિફ્ટિંગની તાલીમ લીધી. વિજય શર્મા અને એરોન હોર્શિગ તેના કોચ હતા. તેણે પ્રસિદ્ધ વેઇટલિફ્ટર કુંજુરાની દેવીના હાથ નીચે પણ તાલીમ મેળવી છે.

મીરાબાઈ ચાનુ
2014માં રાષ્ટ્રસમૂહ સ્પર્ધામાં ચાનુએ 48 કિ. શ્રેણીમાં રજતપદક તથા 2018માં ગોલ્ડકોસ્ટ એડિશન(edition)માં વિશ્વવિક્રમી સુવર્ણપદક જીત્યો હતો. 2017માં અમેરિકામાં યોજાયેલ વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક જીતી તેણે સૌથી મોટી સફળતા મેળવી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે રાષ્ટ્રસમૂહ રમતના ગ્લાસગો એડિશન(edition)માં રજતપદક જીતી તેણે નામના મેળવી. 2016માં રીયો ઑલિમ્પિક માટે તે ક્વૉલિફાય થઈ, પરંતુ ક્લીન અને જર્ક – એક પણ સ્પર્ધામાં તે વજન ઊંચકવામાં સફળ ન રહી. અમેરિકામાં યોજાયેલ વર્લ્ડ વેઇટલિફ્ટિંગ ચૅમ્પિયનશિપમાં તેણે વિક્રમી 194 કિગ્રા. (85 કિ. સ્નેચ અને 109 ક્લીન અને જર્ક) ઊંચકી સુવર્ણપદક મેળવ્યો.
2018માં રાષ્ટ્રસમૂહ રમતોમાં ચાનુએ 48 કિગ્રા. શ્રેણીમાં 196 કિ. વજન ઊંચકી (86 કિ. સ્નેચ અને 110 કિ. ક્લીન અને જર્ક) ભારતને સુવર્ણપદક અપાવ્યો હતો. તેના આ પ્રદર્શનને બિરદાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ટોકિયો ખાતે આયોજિત ઑલિમ્પિક્સ 2020માં મીરાબાઈનું પ્રદર્શન શાનદાર રહ્યું. 49 કિગ્રા. શ્રેણીમાં 210 કિ. વજન ઊંચકી તેણે ઇતિહાસ સર્જ્યો અને રજતચંદ્રક પ્રાપ્ત કર્યો. કરનામ મલ્લેશ્વરી પછી વેઇટલિફ્ટિંગમાં ઑલિમ્પિક રમતમાં પદક જીતનારી તે બીજી વેઇટલિફ્ટર બની અને ઑલિમ્પિક્સમાં રજતપદક જીતનારી પી. વી. સિંધુ પછીની બીજી ભારતીય મહિલાખેલાડી બની. તે પછી બર્મિંગહામ, ઇંગ્લૅન્ડ ખાતે યોજાયેલ 2022માં રાષ્ટ્રસમૂહ રમતોમાં તેણે 49 કિગ્રા. શ્રેણીમાં 201 કિગ્રા. વજન ઊંચકી(88 કિ. સ્નેચ અને 113 કિ. ક્લીન અને જર્ક)ને સુવર્ણચંદ્રક મેળવ્યો હતો.
2022માં એશિયન રમતોત્સવમાં 191 કિગ્રા. વજન ઊંચકી તે ચોથા સ્થાને રહી હતી. 2024માં પૅરિસ ઑલિમ્પિક્સમાં 199 કિગ્રા. વજન ઊંચકી(88 કિ. સ્નેચ અને 111 કિગ્રા. ક્લીન અને જર્ક)ને તેણે ચોથું સ્થાન મેળવ્યું હતું. તેમાં કાંસ્યપદક જીતનારી થાઇલૅન્ડની ખેલાડીથી તે ફક્ત 1 કિગ્રા. વજનથી પાછળ હતી.
આમ મીરાબાઈ ચાનુએ ઑલિમ્પિક્સમાં એક રજતપદક, વિશ્વ ચૅમ્પિયનશિપમાં એક સુવર્ણ અને એક રજત, રાષ્ટ્રસમૂહ રમતોમાં બે સુવર્ણપદક અને એક રજતપદક, રાષ્ટ્રસમૂહ ચૅમ્પિયનશિપમાં ત્રણ સુવર્ણચંદ્રક અને એક રજતપદક, એશિયન ચૅમ્પિયનશિપમાં એક કાંસ્ય તથા સાઉથ એશિયન રમતોમાં એક સુવર્ણચંદ્રક જીત્યા છે.
મીરાબાઈના યોગદાન બદલ 2018માં તેને ‘ધ્યાનચંદ ખેલરત્ન’ પુરસ્કાર તથા ‘પદ્મશ્રી’થી સન્માનિત કરવામાં આવી હતી.
અમલા પરીખ