દાબકે, અરુણ ત્રિમ્બક (ડૉ.)

September, 2025

દાબકે, અરુણ ત્રિમ્બક (ડૉ.) (જ. 24 ડિસેમ્બર 1942) : બાળ-ચિકિત્સાના ક્ષેત્રમાં જાણીતા. તેઓને છત્તીસગઢના ચિકિત્સકોમાં પિતાતુલ્ય માનવામાં આવે છે. તેમણે એમ.બી.બી.એસ.ની પદવી તથા બાળ-ચિકિત્સામાં અનુસ્નાતક(એમ.ડી.)ની પદવી એમ.જી.એમ. મેડિકલ કૉલેજ, ઇન્દોરથી પ્રાપ્ત કરી. તેઓએ 1972માં નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ન્યૂટ્રીશન, હૈદરાબાદથી ન્યૂટ્રિશનમાં સર્ટિફિકેટ કોર્સ પૂરો કર્યો. તેમને 1974માં જીવન વિજ્ઞાન આનુવંશિકીમાં સંશોધનકાર્ય માટે ઇન્દોર યુનિવર્સિટી દ્વારા પીએચ.ડી.ની પદવી પ્રદાન કરવામાં આવી. તેમણે રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ફોર સિક ચિલ્ડ્રન ઍન્ડ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ જિનેટિક્સ, યુનિવર્સિટી ઑવ્ ગ્લાસગો(યુ.કે.)થી નિયોનેટોલૉજી, સાઇટોજેનેટિક્સ તેમજ જિનેટિક્સ કાઉન્સેલિંગમાં વિશેષ પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું. તેઓએ 1984માં ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ન્યુરોલૉજી ઍન્ડ કૉલેજ ઑવ્ ફિઝિશિયન્સ ઍન્ડ સર્જન્સ, કોલમ્બિયા યુનિવર્સિટી, ન્યૂયૉર્કમાં પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું જ્યાં તેમને પીડિયાટ્રિક્સ ન્યૂરોલૉજીમાં ફેલોશિપ પ્રદાન કરવામાં આવી.

અરુણ ત્રિમ્બક દાબકે

ડૉ. દાબકે છેલ્લાં 35 વર્ષથી અન્ડર-ગ્રૅજ્યુએટ (એમ.બી.બી.એસ.) તેમજ પોસ્ટ-ગ્રૅજ્યુએટ(એમ.ડી.)ના શિક્ષક છે. તેમના ઉત્કૃષ્ટ શિક્ષણથી એમ.બી.બી.એસ.ના 3,500થી વધુ તથા એમ.ડી.ના 200થી વધુ છાત્ર લાભાન્વિત થયા છે. તેમણે એમ.ડી. (બાળ-ચિકિત્સા) માટે 49 સંશોધન ગ્રંથોનું માર્ગદર્શન કર્યું છે. હાલમાં તેઓ ઍન્ટીનેટલ ડાયગ્નોસિસ ઑવ્ હીમોગ્લોબિનપેથીઝની આઈ.સી.એમ.આર. મલ્ટિસેન્ટ્રિક પરિયોજના પર કાર્ય કરે છે. તેઓએ પોતાનાં સંશોધનપત્રો અનેક આંતરરાષ્ટ્રીય સંમેલનોમાં પ્રસ્તુત કર્યાં છે.

ડૉ. દાબકેને એક વિશિષ્ટ શિક્ષક હોવા માટે તથા તેમની ઉત્કૃષ્ટ શૈક્ષણિક કારકિર્દી માટે છત્તીસગઢ સરકાર દ્વારા ‘રાજીવ જીવન રેખા કોષ’ તથા ‘ડૉ. બી. સી. રૉય ઓરેશન પુરસ્કાર’(1999)થી સન્માનિત કરવામાં આવ્યા છે. 2004માં તેઓને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.

પૂરવી ઝવેરી