રામસુબ્બૈયર, લક્ષ્મીપતિ (જ. 17 જૂન 1935) : પત્રકારત્વ, શિક્ષણ અને સામાજિકક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન કરનાર. 2025ના પદ્મશ્રી પુરસ્કારથી પુરસ્કૃત શૈક્ષણિક ટ્રસ્ટ ‘સુબ્બાલક્ષ્મી લક્ષ્મીપતિ’ ફાઉન્ડેશનના અધ્યક્ષ.

લક્ષ્મીપતિ રામસુબ્બૈયર
તેમણે તિરુવનંતપુરમની ત્રાવણકોર યુનિવર્સિટીમાંથી રસાયણવિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેમણે કાર્ડિફ યુનિવર્સિટીમાંથી ન્યૂઝ પેપર મૅનેજમેન્ટનો અભ્યાસ કરી ડિગ્રી મેળવી. તેમણે 1956માં તમિળ સમાચારપત્ર ‘દિનમલાર’(Dinamalar)માં જાહેરાત વિભાગમાં વહીવટકર્તા તરીકે કારકિર્દી શરૂ કરી હતી અને આજે તેઓ સહ-મૅનેજિંગ સંપાદકના પદ પર છે.
તેમણે આ સમાચારપત્રના કાર્યકાળ દરમિયાન પત્રકારત્વનાં ઉચ્ચ ધોરણો સ્થાપ્યાં. સમય અને સંજોગોને ધ્યાનમાં રાખીને ‘દિનમલાર’ સમાચારપત્રમાં અદ્યતન ટૅકનૉલૉજીના ઉપયોગથી ક્રાંતિ લાવ્યા. ડૉ. રામસુબ્બૈયર પ્રકાશક, માર્કેટર, પત્રકાર, શિક્ષણવિદ અને વિવિધ સંસ્થાઓમાં સરકારી સાલહકાર તરીકે કાર્યરત છે. તેમણે પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા(PTI)ના અધ્યક્ષ રૂપે 1998–99, 2006–07, 2012–13ના ગાળા દરમિયાન સેવાઓ આપી છે. તેઓ ઇન્ડિયન ન્યૂઝ પેપર સોસાયટીના પ્રમુખ (1992–93) અને ઉપપ્રમુખ (2001–03) રહ્યા હતા. સમાચારપત્રમાં મોટી સફળતા હાંસલ કર્યા બાદ ડૉ. રામસુબ્બૈયરે સમાજ માટે ગુણવત્તાયુક્ત શિક્ષણ સુલભ બનાવવાના પ્રયાસો શરૂ કર્યા. તેમણે ‘સુબ્બાલક્ષ્મી લક્ષ્મીપતિ’ ફાઉન્ડેશનની સ્થાપના કરી. આ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓને રોજગારક્ષમ વ્યાવસાયિક શિક્ષણ આપવાનું કાર્ય દેશના વિવિધ વિસ્તારોમાં જુદી જુદી શાળાઓની સ્થાપના દ્વારા શરૂ કર્યું. ઉત્કૃષ્ટ જીવન માટે શિક્ષણના ઉદ્દેશ સાથે તેમણે સી.બી.એસ.સી. શાળા, કળા અને વિજ્ઞાન કૉલેજ, એન્જિનિયરિંગ કૉલેજ, સમુદ્રી શિક્ષણ સંસ્થા, બિઝનેસ મૅનેજમેન્ટ કૉલેજ વગેરે શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપી. છેલ્લાં 30થી વધુ વર્ષોથી કાર્યરત આ સંસ્થાઓએ ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓ આપ્યા છે; જેઓ આજે વૈજ્ઞાનિક, ઇજનેર, ડૉક્ટર અને અન્ય ક્ષેત્રોમાં સફળ સેવાઓ આપી રહ્યા છે. આ સંસ્થાઓ કોઈ પણ જાતની ફી લીધા વિના ગુણવત્તાપૂર્ણ શિક્ષણ પ્રદાન કરી રહી છે. ડૉ. રામસુબ્બૈયરને વિવિધ યુનિવર્સિટીઓએ સન્માનિત કર્યા છે. તેઓ 1989થી 91 દરમિયાન મદુરાઈ કામરાજ યુનિવર્સિટીના સેનેટ સભ્ય તથા 2003–06, 2018–21, 2021–24 દરમિયાન મદુરાઈ યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય રહ્યા છે. તેમણે મદુરાઈ કૉલેજના સેક્રેટરી, તમિળનાડુ પ્રાઇવેટ મૅનેજમેન્ટ કૉલેજના અધ્યક્ષ, રાષ્ટ્રીય એકતા પરિષદના પ્રમુખ રૂપે પણ ભૂમિકા ભજવી છે. શિક્ષણ અને પત્રકારત્વના તેમના વિશિષ્ટ યોગદાન માટે તેમને 2003માં અલગપ્પા યુનિવર્સિટી તરફથી સન્માનવામાં આવ્યા હતા. 2009માં ‘ડૉક્ટર ઑફ લિટરેચર’ની માનદ ઉપાધિ ભારતીય યુનિવર્સિટી દ્વારા મળી છે.
પદ્મશ્રી રામસુબ્બૈયર આજે 89મા વર્ષે પણ ઉમંગ અને ઉત્સાહથી પ્રવૃત્ત છે. તેઓએ 1956માં શરૂ કરેલા ‘દિનમાલર’ અખબારમાં અધ્યક્ષ તરીકે કાર્યરત છે. યુવા શિક્ષકોના માર્ગદર્શક રૂપે પણ ઉમદા કાર્ય કરી રહ્યા છે.
હિના શુક્લ