વાસલ, સુરિન્દ્ર કુમાર (ડૉ.) (જ. 12 એપ્રિલ 1938, અમૃતસર) : સિદ્ધહસ્ત મકાઈ પ્રજનક, આનુવાંશિકીવિદ અને મિલેનિયમ વિશ્વ ખાદ્ય પુરસ્કાર વિજેતા.
ડૉ. વાસલે પોતાનું ઉચ્ચશિક્ષણ અને શૈક્ષણિક પદવીઓ ભારતની વિભિન્ન સંસ્થાઓમાંથી મેળવ્યું, જેમાં ભારતીય કૃષિ અનુસંધાન સંસ્થાન, નવી દિલ્હીથી પીએચ.ડી. સામેલ છે. એમની પ્રોફેશનલ કૅરિયર હિમાચલ કૃષિવિભાગથી શરૂ થઈ, જ્યાં એમણે સહાયક મકાઈ વનસ્પતિશાસ્ત્રી સહસહાયક પ્રોફેસરના રૂપમાં કામ કર્યું. વર્ષ 1967માં એમણે થાઇલૅન્ડમાં રૉકફેલર ફાઉન્ડેશન ઍગ્રિકલ્ચર પ્રોગ્રામની સાથે રિસર્ચ ઍશોસિયેટના રૂપમાં વિદેશમાં પોતાનું પ્રથમ અસાઇનમેન્ટ શરૂ કર્યું અને મકાઈ પર સંશોધન કર્યું. સુવાન–I જે આજે પણ દુનિયામાં સહુથી લોકપ્રિય જાત, તેને વિકસિત કરવામાં એમની અગ્રણી ભૂમિકા રહી અને કર્વુલરિયા લુનાટા પ્રત્યે પ્રતિરોધકતાની જાણકારી મેળવી.

સુરિન્દ્ર કુમાર વાસલ
વર્ષ 1970માં ડૉ. વાસલ ઇન્ટરનેશનલ સેન્ટર ફોર મેઝ ઍન્ડ વ્હીટ ઇમ્પ્રૂવમેન્ટ(સી.આઈ.એમ.એમ.વાય.ટી.)માં પોસ્ટ-ડૉક્ટરલ ફેલોના રૂપમાં મેક્સિકો ગયા, જ્યાં પછી તેમને વરિષ્ઠ મકાઈ વૈજ્ઞાનિકના પદ પર પદોન્નત કરવામાં આવ્યા. તેમણે વિભિન્ન મકાઈ ઉત્પાદન વાતાવરણો માટે કૃષિમાં સ્વીકાર્ય ગુણવત્તાવાળી પ્રોટીન મેઝ (ક્યૂ.પી.એમ.) જાતોના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું. વર્ષ 1984માં તેમને સી.આઈ.એમ.એમ.વાય.ટી.માં એક હાઇબ્રિડ (સંકર) મકાઈ વિકાસ કાર્યક્રમ શરૂ કરવાની જવાબદારી સોંપવામાં આવી અને એમણે મકાઈ કાર્યક્રમ જર્મપ્લાઝમ સમન્વયકના રૂપમાં પણ કામ કર્યું. વર્ષ 1991માં સી.આઈ.એમ.એમ.વાય.ટી.ના મેદાની ઉષ્ણ કટિબંધીય મકાઈ કાર્યક્રમના સમન્વયકના રૂપમાં, એમની ટીમે સી.એમ.એલ.ના રૂપમાં 58 ટ્રૉપિકલ અને 42 સબટ્રૉપિકલ લાઇનોનો પહેલો સેટ રજૂ કર્યો. વર્ષ 1994માં વધુ 62 ટ્રૉપિકલ શ્વેત અને પીળી લાઇનો અને 55 ક્યૂ.પી.એમ. લાઇનોને સી.એમ.એલ. ઘોષિત કરી. 1997માં વિશિષ્ટ વૈજ્ઞાનિકના પદ પર પદોન્નત થનાર તેઓ પ્રથમ વૈજ્ઞાનિક હતા અને તેમને થાઇલૅન્ડમાં સી.આઈ.એમ.એમ.વાય.ટી.ના એશિયન રિજિયૉનલ મેઝ પ્રોગ્રામના ટીમ લીડરના રૂપમાં નવી ભૂમિકા આપવામાં આવી. તેમણે ડાઉની ફૂગના પ્રતિરોધના સ્રોત વિકસિત કર્યા, હાઇબ્રિડ અનુસંધાન ગતિવિધિઓને મજબૂત કરી અને ટ્રૉપિકલ એશિયન મેઝ નેટવર્ક(ટૈમનેટ)નો સમન્વય કર્યો. તેઓએ ક્રૉપ સાયન્સ જર્નલમાં 12 હાઇબ્રિડ ઓરિએન્ટેડ સોર્સ પોપ્યુલેશન, 24 વ્હાઇટ લાઇન અને 21 પીળી લાઇન રજિસ્ટર કર્યાં છે. અને 14 પુસ્તક અધ્યાય અને 150 શોધપત્રો પ્રકાશિત કર્યાં છે. તેઓએ ઘણા પોસ્ટ-ડૉક્ટરલ ફેલો, વિઝિટિંગ વૈજ્ઞાનિકોને પ્રશિક્ષિત કર્યા છે અને હાઇબ્રિડ પર દેશમાં પ્રશિક્ષણ પાઠ્યક્રમ સંચાલિત કર્યા છે. ભારત અને વિદેશોમાં ઘણી વૈજ્ઞાનિક સમિતિઓના ફેલો છે.
ડૉ. વાસલને ઇન્ટરનેશલન સર્વિસ ઇન ક્રોપ સાયન્સ પુરસ્કાર, ઇન્ટરનેશનલ સર્વિસ ઇન ઍગ્રોનૉમી પુરસ્કાર, ક્રૉપ સાયન્સ સોસાયટી પ્રેસિડેન્શિયલ પુરસ્કાર, ચાઇનીઝ ફ્રૅન્ડશિપ ઍવૉર્ડ અને ટી.એ.એ.એ.એસ. દ્વારા કૃષિમાં નેતૃત્વ માટે એમ. એસ. સ્વામીનાથન પુરસ્કાર મળી ચૂક્યા છે. વર્લ્ડ ફૂડ પ્રાઇઝ ફાઇન્ડેશન દ્વારા એમને ડૉ. ઇવાંજેલિના વિલેગાસની સાથે વર્ષ 2000નો વિશ્વ ખાદ્ય પુરસ્કાર આપવામાં આવ્યો. એમને આઈ.એ.આર.આઈ., પી.એ.યૂ. અને જે.એન.કે.વી.વી. દ્વારા માનદ ડૉક્ટર ઑવ્ સાયન્સની પદવી મળી છે.
પૂરવી ઝવેરી