સોની, સુરેશ હરીલાલ (જ. 23 નવેમ્બર 1944, સિનોર, જિ. વડોદરા) : કુષ્ઠરોગીઓ અને બૌદ્ધિક રીતે અક્ષમ લોકોની સારવાર અને પુનર્વસન માટે કાર્યરત સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટના સ્થાપક ટ્રસ્ટી.
સુરેશ સોનીએ વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાંથી પ્રથમ વર્ગ સાથે એમ.એસસી. ગણિત વિષયમાં પદવી મેળવી. અભ્યાસ દરમિયાન તેઓ રિમાન્ડ હોમનાં બાળકોને મળવા અને વાર્તાઓ સંભળાવવા જતા. રસ્તા પર ભીખ માગતાં બાળકોને મદદ કરતા. તેઓ વડોદરા યુનિવર્સિટીમાં લૅક્ચરર બન્યા. એમણે વડોદરાથી 15 કિમી. દૂર આવેલા સિંઘરોટના શ્રમમંદિર ટ્રસ્ટના આશ્રમમાં સેવાકાર્ય શરૂ કર્યું. આશ્રમમાં 400 જેટલા દર્દીઓ હતા. તેમણે પ્રાધ્યાપકની નોકરી છોડી પૂર્ણ સમય માટે સેવાકાર્ય શરૂ કર્યું. દસ વર્ષ કાર્ય કર્યા પછી એમણે ‘શ્રમમંદિર’ છોડ્યું.
સુરેશ સોનીએ 14 સપ્ટેમ્બર, 1988, ગણેશચતુર્થીના દિવસે સહયોગ કુષ્ઠયજ્ઞ ટ્રસ્ટ નામની સંસ્થાની સ્થાપના કરી. સર્વોદય આશ્રમ, વિજાપુરના શ્રી રામુભાઈ પટેલ દ્વારા 31.75 એકર જમીન દાનમાં મળી. 20 રક્તપિત્તના દર્દીઓ અને 6 બાળકોથી આ સંસ્થા શરૂ થઈ. આજે લગભગ 1027 લોકો વસે છે. સુરેશભાઈ અને તેમનાં ધર્મપત્ની ઇન્દિરાબહેન કુષ્ઠ રોગીઓ, શારીરિક અને બૌદ્ધિક વિકલાંગ લોકો, એચઆઈવી પૉઝિટિવ અને અનાથ દર્દીઓ માટે આશ્રયદાતા બન્યાં છે અને ‘સહયોગ’ ગામ બન્યું છે, જે અનેક લોકો માટે નિવાસસ્થાન છે. ગામમાં 45 પથારીવાળી અદ્યતન હૉસ્પિટલ છે. એક ચૂંટણીમથક છે. પ્રાથમિક શાળા અને કરિયાણાની દુકાન પણ છે. અહીં પરિવાર અને સમાજે ત્યજેલા લોકોની સારસંભાળ રાખવામાં આવે છે. ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોમાંથી આવતા દર્દીઓની સારવાર કરવામાં આવે છે. માનસિક વિકલાંગ વ્યક્તિઓને સ્પીચ ટ્રેનિંગ, વર્તન સુધારણા તાલીમ, અંબર ચરખા પર કાંતણ, વૃક્ષારોપણ, ગૌસંભાળ, ઑફિસનું કામ, રસોઈ, ફિઝિયૉથૅરપી, રમતગમત વગેરે શીખવવામાં આવે છે. હૉસ્પિટલમાં આધુનિક સારવાર થાય છે. ઑપરેશન થિયેટર, ફિઝિયૉથૅરપી સેન્ટર અને ઍમ્બુલન્સ છે. ગામમાં એક મંદિર છે જેમાં વિશ્વનાં 11 ધર્મપ્રતીકો રાખવામાં આવ્યાં છે. સાથે સાથે સેવા કરનારી વ્યક્તિઓના ફોટોગ્રાફ્સ અને પ્રેરણાદાયી વાક્યોને સ્થાન આપવામાં આવ્યું છે.
તેમણે કુષ્ઠ રોગ, હેપેટાઇટિસ-બી કાર્યક્રમ, સર્જિકલ ઑપરેશન વગેરે માટે હજારો કાર્યશાળાઓ અને પરિસંવાદોનું આયોજન કર્યું છે. તેમણે આંખોના દર્દીઓ, એઇડ્સ, ટીબી, માનસિક અક્ષમ લોકો માટે, ગઝલલેખન માટે, ટ્રૅકિંગ, નેતૃત્વ અને પર્યાવરણ માટે અનેક શિબિરો કર્યા છે. તેમણે લેખો લખ્યા છે, વ્યાખ્યાનો આપ્યાં છે. તેમણે જિલ્લા અને રાજ્ય કક્ષાએ અનેક સમિતિઓના સભ્ય તરીકે કાર્ય કર્યું છે.
તેમને અને તેમના સહયોગ કુષ્ઠ રોગ ટ્રસ્ટને રાજ્ય અને કેન્દ્ર સરકારો અને બિનસરકારી સંગઠનો તરફથી અનેક સન્માનો મળ્યાં છે, જેમાં ગાંધીમિત્ર ઍવૉર્ડ (2015), સંસ્કાર ઍવૉર્ડ (1978), અશોક ગાંધિયન ઍવૉર્ડ (1991), સંસ્કાર પુરસ્કાર, સદવિચાર પરિવાર સમર્પણ ઍવૉર્ડ (1994), લોકસેવા ઍવૉર્ડ (2001), જાગૃતજન ઍવૉર્ડ (2012), સેવારત્ન ઍવૉર્ડ (2014) મુખ્ય છે. આ ઉપરાંત પૂર્વરાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામ દ્વારા વિકલાંગો માટે સર્વશ્રેષ્ઠ સંસ્થા માટે રાષ્ટ્રીય પુરસ્કાર, બાળકોના વિકાસ માટે રાષ્ટ્રીય પુરસ્કાર જેવા 100થી વધુ પુરસ્કાર અને સન્માનો તેમને પ્રાપ્ત થયાં છે. 2025માં ભારત સરકારના પદ્મશ્રી પુરસ્કારથી તેમને સન્માનિત કરવામાં આવ્યા છે.
અનિલ રાવલ