દીક્ષિત, હૃદયનારાયણ (જ. 25 ડિસેમ્બર 1946, લોવા, ઉન્નાવ, ઉત્તરપ્રદેશ) : શિક્ષણ અને સાહિત્ય માટે વર્ષ 2025માં ‘પદ્મશ્રી’ પારિતોષિક-વિજેતા, પ્રસિદ્ધ વિચારક, ફિલસૂફ, રાજનીતિજ્ઞ અને સામાજિક કાર્યકર્તા. ઉત્તરપ્રદેશની વિધાનસભાના પૂર્વઅધ્યક્ષ. હાલ ઉન્નાવ જિલ્લાની ભગવંતનગર વિધાનસભા બેઠકના ધારાસભ્ય.
પિતા અંબિકા પ્રસાદ દીક્ષિત. હિંદુ બ્રાહ્મણ પરિવારમાં જન્મ. માતા ગૃહિણી. પ્રાથમિક શિક્ષણથી ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ ઉન્નાવમાં મેળવ્યું. કાનપુર યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં અનુસ્નાતકની ડિગ્રી મેળવી. રાજકીય જીવનની શરૂઆત 1964થી થઈ અને તેઓ સૌપ્રથમ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયા. પછી જનસંઘના જિલ્લામંત્રી બન્યા. 1972માં જિલ્લા પરિષદના સભ્ય બન્યા. કટોકટીમાં 19 મહિના જેલમાં પસાર કર્યા. ઉન્નાવમાં પોલીસ અને વહીવટી અત્યાચાર, સ્થાનિક-પ્રદેશ સ્તરની સમસ્યાઓને લઈને આંદોલન કર્યું, પદયાત્રાઓ કરી અને અભિયાનો ચલાવ્યાં. ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના સંસ્થાપક સભ્યોમાંથી એક રહ્યા. ભાજપની સ્થાપના સાથે ઉન્નાવ જિલ્લાના અધ્યક્ષ બન્યા. પછી ઉત્તરપ્રદેશના ઉપાધ્યક્ષ અને રાષ્ટ્રીય કારોબારી સમિતિના સભ્ય રહ્યા.
1985માં પહેલી વાર અપક્ષ ઉમેદવાર તરીકે ઉત્તરપ્રદેશ વિધાનસભામાં ધારાસભ્ય બન્યા. ત્યાર બાદ 1989માં જનતા દળની ટિકિટ પરથી ધારાસભ્ય તરીકે આ જ બેઠક પરથી ચૂંટાયા. 1993માં જનતા દળ છોડીને સમાજવાદી પક્ષમાં સામેલ થયા અને તેની ટિકિટ પર ત્રીજી વાર ધારાસભ્ય બન્યા. 1995માં સમાજવાદી પક્ષ અને બહુજન સમાજ પક્ષ(બીએસપી)ની ગઠબંધન સરકારમાં તેઓ સંસદીય કાર્યો અને પંચાયતીરાજ વિભાગના મંત્રી બન્યા. 21મી સદીની શરૂઆતમાં તેમણે સમાજવાદી પક્ષ પણ છોડી દીધો અને ભાજપમાં પુનરાગમન કર્યું. વર્ષ 2010થી 2016 સુધી ઉત્તરપ્રદેશ વિધાનપરિષદમાં ભાજપના સભ્ય અને પક્ષના નેતા બન્યા. વર્ષ 2017માં ભાજપની ટિકિટ પરથી ભગવંતનગર બેઠક પરથી ચૂંટણી લડીને વિજય મેળવ્યો અને ચોથી વાર ધારાસભ્ય બન્યા. વર્ષ 2017થી 2022 સુધી ઉત્તરપ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ રહ્યા. માર્ચ, 2022માં સક્રિય રાજકારણમાંથી સંન્યાસ લીધો.
ભારતીય જ્ઞાન પરંપરાઓમાં તેમની રચનાઓ મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે, જે તેમની ઊંડી બૌદ્ધિક સમજણ તથા સામાજિક અને રાજકીય પરિવર્તન માટેની પ્રતિબદ્ધતાનો પરિચય આપે છે. અત્યાર સુધી 31 પુસ્તકોનું લેખન કર્યું. તેમાં તેમની ‘રચનાવલી’, ‘શ્રીરામ આસ્થા ઔર ઇતિહાસ’, ‘ઋગ્વેદ કા પરિચય,’ ‘અથર્વવેદ કા મધુ,’ ‘જ્ઞાન કા જ્ઞાન,’ ‘નાચતા અધ્યાત્મ,’ ‘મધુઅભિલાષા,’ ‘હમ ભારત કે લોગ,’ ‘હમ ભારતવાસી,’ ‘હિંદ સ્વરાજ કા પુનર્પાઠ,’ ‘ઋગ્વેદ ઔર ડૉ. રામવિલાસ શર્મા,’ ‘મધુવિદ્યા,’ ‘મધુરસા,’ ‘સાંસ્કૃતિક રાષ્ટ્રદર્શન,’ ‘ભારતીય સંસ્કૃતિ કી ભૂમિકા,’ ‘ભગવદ્ગીતા,’ ‘સાંસ્કૃતિક અનુભૂતિ રાજનીતિક પ્રતીતિ,’ ‘ભારતીય સમાજ રાજનૈતિક સંક્રમણ,’ ‘જમ્બૂદ્વીપે ભરતખંડ,’ ‘સંવિધાન કે સામંત,’ ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય – દર્શન, અર્થનેક્તિ, રાજનીતિ,’ ‘તત્ત્વદર્શી પંડિત દીનદયાળ ઉપાધ્યાય,’ ‘ભારત કે વૈભવ કા દીનદયાળ માર્ગ,’ ‘અંબેડકર કા મતલબ,’ ‘રાષ્ટ્ર સર્વોપરી,’ ‘ભારત કી રાજનીતિ કા ચારિત્રિક સંકટ,’ ‘રાષ્ટ્રીય સ્વાહા,’ ‘ભારતીય અનુભૂતિ કા વિવેકાનંદ,’ ‘હિંદુત્વ કા મધુ,’ સામેલ છે. વિવિધ અખબારો અને સામયિકોમાં 6,000થી વધારે લેખ પ્રકાશિત થયા. શૈક્ષણિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રમાં મોટું પ્રદાન કર્યું. વર્ષ 1978થી 2004 સુધી ‘કાલ ચિંતન’ સામયિકના સંસ્થાપક-સંપાદક રહ્યા. રાષ્ટ્રધર્મ, પાંચજન્ય અને રાષ્ટ્રવાદી વિચારસરણી ધરાવતાં વિવિધ સામયિકોમાં લેખન કર્યું. તેમનું વિસ્તૃત કાર્ય ભારતીય ફિલસૂફી, રાજનીતિ, સંસ્કૃતિ અને ઇતિહાસ સાથે ઊંડા જોડાણને દર્શાવે છે.
પત્રકારત્વ અને સાહિત્યમાં પ્રદાન કરવા માટે તેમને ગણેશ શંકર વિદ્યાર્થી પુરસ્કાર (મધ્યપ્રદેશ સરકાર), ડૉ. હેડગેવાર પ્રજ્ઞા સમ્માન (કુમારસભા પુસ્તકાલય, કૉલકાતા), રાષ્ટ્રીય સાહિત્ય સર્જક સમ્માન (મધ્ય ભારતીય હિંદી સાહિત્ય સભા, મધ્યપ્રદેશ), દીનદયાળ ઉપાધ્યાય સમ્માન (છોટી ખાટૂ પુસ્તકાલય, રાજસ્થાન), અટલ બિહારી વાજપેયી સાહિત્ય સમ્માન (હિંદી સંસ્થાન, ઉત્તરપ્રદેશ) સહિત સાત સમ્માન મળ્યાં છે. તેઓ ઉન્નાવમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય કન્યા ઇન્ટર કૉલેજ મવઈના સંસ્થાપક-સંચાલક અને ભારતીય ઍંગ્લો સંસ્કૃત ઇન્ટર કૉલેજ, પુરવાના સંચાલક છે.
પત્નીનું નામ માધુરી દીક્ષિત. બાળકોમાં ત્રણ પુત્રો અને બે પુત્રીઓ.
કેયૂર કોટક