દામોદરન, (ડૉ.) કે

July, 2025

દામોદરન, (ડૉ.) કે (. 3 સપ્ટેમ્બર 1954, ચેન્નાઈ) : પાક કળામાં વિશિષ્ટ પ્રદાન કરવા બદલ વર્ષ 2025માં ‘પદ્મશ્રી’ પારિતોષિક-વિજેતા. દેશવિદેશમાં ‘શેફ દામુ’ પ્રસિદ્ધ શેફ. ડૉ. કે દામોદરન હોટેલ મૅનેજમેન્ટ અને કેટરિંગ ટૅક્નૉલૉજીમાં ડૉક્ટરેટની ડિગ્રી – પીએચ.ડી. મેળવનાર પ્રથમ ભારતીય શેફ. તમિળ ભાષામાં અનેક કૂકિંગ શોના હોસ્ટ તથા સ્ટાર વિજય પર કૂકુ વિથ કોમાલી નામના તમિલ ટેલિવિઝન કાર્યક્રમના જજ તરીકે સૌથી વધુ પ્રસિદ્ધ.

ચેન્નાઈના તારામણીમાં સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ હોટેલ મૅનેજમેન્ટમાંથી હોટેલ મૅનેજમેન્ટ અને કેટરિંગ ટૅક્નૉલૉજીમાં ડિપ્લોમા પૂર્ણ કર્યા પછી દામુએ વર્ષ 1977માં તમિલનાડુ પર્યટન વિકાસ નિગમમાં મૅનેજમેન્ટ ટ્રેઇની તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી. આગળ જતાં મદુરાઈમાં કામરાજ યુનિવર્સિટીમાંથી વાણિજ્યિક શાખામાં સ્નાતકની ડિગ્રી, મદ્રાસ યુનિવર્સિટીમાંથી એમબીએની ડિગ્રી, અમેરિકન હોટેલ ઍન્ડ મોટેલ ઍસોસિયેશનના ઈએલમાંથી સીએચઈ અને સીએચએ, યુએસએની કાર્નેલ યુનિવર્સિટીમાંથી કૉન્ફરન્સ સેન્ટર મૅનેજમેન્ટની ડિગ્રી મેળવી.

વર્ષ 1986માં શિક્ષણના વ્યવસાયમાં પ્રવેશ કર્યો. ચેન્નાઈ સ્થિત આસન ઇન્સ્ટિટ્યૂટ ઑફ હોટેલ મૅનેજમેન્ટ, એમજીઆર ઇન્સ્ટિટ્યૂટ ઑફ હોટેલ મૅનેજમેન્ટ ઍન્ડ કેટરિંગ ટૅક્નૉલૉજી અને એમ્પી ઇન્સ્ટિટ્યૂટ ઑફ હોટેલ મૅનેજમેન્ટ ઍન્ડ કેટરિંગ ટૅક્નૉલૉજીની અધ્યક્ષતા કરી.

તેઓ તેમના પુસ્તક ‘દામૂઝ હોમ ફ્રી સ્ટાઇલ કૂક’ માટે પ્રસિદ્ધ છે. ‘સૌથી લાંબો સમય ચાલતા કૂકિંગ મૅરેથૉન – વ્યક્તિગત’ માટે ગિનિઝ વર્લ્ડ રેકૉર્ડ કર્યો. 22 ડિસેમ્બર, 2010ના રોજ 24 કલાક, 30 મિનિટ અને 12 સેકન્ડમાં 617 વાનગીઓ (190 કિલોગ્રામ ભોજન) બનાવીને રેકૉર્ડ કર્યો. તેમને અંગ્રેજી અને તમિળમાં પ્રમાણપત્ર મળ્યું. તેમના નામે ત્રણ ગિનિઝ રેકૉર્ડ છે – સૌથી લાંબી કૂકિંગ મૅરેથૉન (વ્યક્તિગત), 2010, ચેન્નાઈ, ભારત; દુનિયાનો સૌથી લાંબો ડોસા બનાવવાનો, 2012, મદુરાઈ, ભારત અને દુનિયાની સૌથી મોટી કરી, 2014, લિટલ ઇન્ડિયા, સિંગાપોર.

વર્ષ 2019માં તમિલનાડુમાં 13 દિવસમાં 12000 વાનગીઓનો સ્વાદ ચાખ્યો. છેલ્લાં 22 વર્ષમાં રાજ ટીવી, પોથિગઈ, જયા ટીવી અને વિજય ટીવી પર ભોજન બનાવવાના કાર્યક્રમોનું સંચાલન કર્યું.

દામુ તમિલનાડુની વાનગીઓના ચાહક છે. ચેટ્ટીનાડના ભોજન માટે તેમનું વિશેષ ઝનૂન છે. તેઓ પોતે મસાલા પીરસે છે અને પોતાના ચાહકોને પણ આ માટે પ્રોત્સાહિત કરે છે. વ્યંજનો એકત્ર કરવા પોતે લગભગ દરેક વીકેન્ડ (શનિવાર-રવિવાર)માં કરાઈકુડી વિસ્તારનો પ્રવાસ કરે છે. ગૃહિણીઓ માટે તેમણે 2,700 વ્યંજનો ધરાવતી 17 કૂકબુક અને કેટરિંગ વિદ્યાર્થીઓ માટે ચાર પુસ્તકોનું પ્રકાશન કર્યું છે.

વર્ષ 2008થી 2011 દરમિયાન મધ્યાહ્ન ભોજન યોજનાનો અમલ કરવા તમિલનાડુ સરકાર સાથે જોડાયાં, જેમાં ચોખાની 8 જાતો અને ઈંડાની 6 પ્રકારની વાનગીઓ સામેલ હતી. આ ભોજન 1 કરોડ 68 લાખ બાળકોને પ્રદાન કરવામાં આવ્યું હતું. શાળાનાં બાળકોને પૌષ્ટિકની સાથે સ્વાદિષ્ટ ભોજન ઉપલબ્ધ કરાવવા તેમણે રાજ્યના 32 જિલ્લાઓમાં બપોરે ભોજન બનાવતા 1,40,000 કર્મચારીઓને તાલીમ આપી છે. 6000થી વધારે કેટરિંગ વિદ્યાર્થીઓને પ્રસિદ્ધ હોટેલોમાં કેટરિંગની સારી નોકરી મેળવવામાં તેમણે મદદ કરી છે. તેમણે ધ ફૂડ ઑલિમ્પિયા માટે ભારતમાંથી 10 શેફને તાલીમ કરીને મોકલ્યા અને આ શેફ્સએ વર્ષ 2019માં 4 સુવર્ણચંદ્રક મેળવ્યા.

વર્ષ 2007 અને 2008માં દામુએ રોટરી ક્લબ, તામ્બરમના અધ્યક્ષના કાર્યકાળ દરમિયાન લગભગ એક લાખ બાળકોને પોલિયોની દવા ઉપલબ્ધ કરાવી, 260 વરિષ્ઠ નાગરિકોને મોતિયાનું ઑપરેશન કરાવ્યું અને દર રવિવારે જનતા માટે સામાન્ય ચિકિત્સા શિબિરનું આયોજન કર્યું. તાલીમ અને વિકાસ વિભાગ સાથે સમન્વય કરીને સ્વયં સહાયતા જૂથની 750 મહિલાસભ્યોને તાલીમ આપી અને તેમાંથી સભ્યોએ 150 કૅન્ટીન સ્થાપિત કરી છે. તમિલનાડુના સમાજ કલ્યાણ વિભાગે રસોઇયાઓ માટે તેમની ભોજન બનાવવાની વીડિયોગ્રાફી થઈ અને રાજ્યનાં તમામ ગામોમાં તેનું વિતરણ થયું. હાલ વર્તમાન સરકાર પાસે શાળાનાં બાળકો માટે અલગ અલગ 14 પ્રકારના નાસ્તા છે.

હાલ દામુ રાજ્યમાં રાષ્ટ્રીય યુવા સંઘના માનદ્ અધ્યક્ષ છે. ડૉ. દામોદરનને વર્ષ 2021માં વર્લ્ડ તમિલ ઑર્ગેનાઇઝેશન, લંડન, યુકેનો ‘કલિનરી લિજેન્ડ ઍવૉર્ડ’ મળ્યો. ભારતની એસઆરએમ યુનિવર્સિટી અને નેસ્લેએ વર્ષ 2021નો ‘લાઇફટાઇમ એચીવમેન્ટ ઍવૉર્ડ’ એનાયત કર્યો.

કેયૂર કોટક