કાનજીસ્વામી (જ. વિ. સં. 1946, ઉમરાળા, જિ. ભાવનગર; અ. 28 નવેમ્બર, 1980) : સોનગઢના સંત. તેમની માતાનું નામ ઊજમબાઈ અને પિતાનું નામ મોતીચંદભાઈ હતું. સ્થાનકવાસી જૈન સંપ્રદાયના દશાશ્રીમાળી વણિક કુળમાં જન્મ થયો હતો. બાળક કહાનમાં બાળપણથી જ ધાર્મિક સંસ્કાર અને સહજ વૈરાગ્યભાવ હતો. નાની ઉંમરમાં જ માતાપિતાનો સ્વર્ગવાસ થયો. એટલે કહાને સાધારણ શિક્ષણ મેળવીને તેઓ પોતાના મોટા ભાઈ સાથે આજીવિકાર્થે પાલેજની દુકાનમાં જોડાયા. આમ છતાં તેમનું વૈરાગી મન વેપારધંધામાં ઉદાસીન રહેતું હતું.
ઉપાશ્રયમાં સાધુ આવ્યાની જાણ થતાં તેઓ તેમની સેવામાં દોડી જતા અને મોટા ભાગનો સમય સાધુઓની વૈયાવૃત્ય અને ધર્મચર્ચામાં ગાળતા. તેમના સંબંધીઓ તો તેમને ‘ભગત’ના નામથી જ બોલાવતા.
એક દિવસે તેમણે પોતાના મોટા ભાઈને સાફ શબ્દોમાં કહી દીધું કે, ‘મારે વિવાહ-લગ્ન કરીને સંસારમાં રહેવું નથી, પરંતુ દીક્ષા ગ્રહણ કરવી છે.’ ભાઈએ ખૂબ સમજાવ્યા છતાં તેમનો દીક્ષા લેવાનો ભાવ બદલાયો નહીં. તેઓ ગુરુની શોધમાં કાઠિયાવાડ, ગુજરાત અને મારવાડનાં અનેક ગામોમાં ફર્યા. છેવટે તેમણે વિ. સં. 1970ના માગશર સુદિ નોમ ને રવિવારના દિવસે પોતાના વતન ઉમરાળામાં જ બોટાદ સંપ્રદાયના શ્રી હીરાચંદજી મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરી.
દીક્ષા લીધા પછી કાનજીસ્વામીએ શ્વેતાંબર સ્થાનકવાસી શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો. તેમનાં જ્ઞાન અને સંયમથી આખા સૌરાષ્ટ્રમાં તેમની કીર્તિ ફેલાઈ. તેમની વિદ્વત્તા અને પ્રવચનોથી ઘણા લોકો આકર્ષાયા.
વિ. સં. 1978માં કાનજીસ્વામીના જીવનમાં એક મહાન પરિવર્તનકારી ઘટના બની. આચાર્ય કુન્દકુન્દ વિરચિત ‘શ્રી સમયસાર’ ગ્રંથના અભ્યાસ–અધ્યયનથી તેમના આનંદની કોઈ અવધિ ન રહી. ‘સમયસાર’ ગ્રંથનો એમના જીવનમાં અતિશય પ્રભાવ પડ્યો. ત્યાર બાદ ઈ. સ. 1982માં શ્રીમાન ટોડરમલજી વિરચિત ‘મોક્ષમાર્ગ પ્રકાશક’ ગ્રંથના પ્રભાવથી જીવનને નવી દિશા ને નવું જોમ મળ્યાં.
વિ. સં. 1991 સુધી કાનજીસ્વામીએ સ્થાનકવાસી સંપ્રદાયમાં સાધુવેશમાં રહીને અનેક ગામોમાં પાદવિહાર કરીને ધર્મનો પ્રચાર-પ્રસાર કર્યો. વિ. સં. 1991 ચૈત્ર સુદ 13 ને મંગળવારે ભગવાન મહાવીરના જન્મદિને, કાનજીસ્વામીએ સ્થાનકવાસી સંપ્રદાયના સાધુપદનો ત્યાગ કર્યો. આ પરિવર્તનથી સમાજમાં પ્રચંડ વિરોધ થયો, છતાં તેઓ ડગ્યા નહિ. તેમણે દિગંબર ધર્મ અંગીકાર કર્યો અને પોતાને દિગંબર આમ્નાયના શ્રાવક તરીકે ઘોષિત કર્યા. પરિવર્તન બાદ તેમણે પોતાનો મુખ્ય નિવાસ સૌરાષ્ટ્રના સોનગઢ ગામમાં રાખ્યો.
સમય પસાર થવાની સાથે તેમનાં પ્રવચનોમાં લોકો તેમની વિદ્વત્તાને કારણે આવવા લાગ્યા. તેમની વાણીમાં હંમેશાં અધ્યાત્મની વર્ષા વરસતી હોઈ અને તેમની પ્રવચનશૈલીથી આકર્ષાઈને વિવિધ સ્થાનોથી અનેક ભાઈબહેનો સોનગઢ આવવા લાગ્યાં. આને પરિણામે એક મોટો અનુયાયી વર્ગ તૈયાર થયો. તેમજ અનેક મુમુક્ષુ ભાઈ-બહેનોના સ્થાયી વસવાટથી સોનગઢ એક તીર્થધામ જેવું બની ગયું.
સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્તિકાય જેવાં પરમાગમો પરનાં પ્રવચનો તેમની આધ્યાત્મિક પ્રવચનશૈલીની પુખ્તતાથી સોનગઢ, રાજકોટ, મુંબઈ આદિ નગરોમાં થયાં. તેમનાં પ્રવચનો-વ્યાખ્યાનો એક આધ્યાત્મિક ક્રાંતિનાં મંડાણ જેવાં હતાં.
અનેક જિનમંદિરોનું નિર્માણ, સત્ સાહિત્યનું પ્રકાશન તથા પ્રચાર-પ્રસાર તેમજ નિશ્ચયનયને વરેલી પ્રવચનશૈલીથી કરેલાં પ્રવચનો આદિ અનેકવિધ સત્કાર્યો દ્વારા પૂજ્ય શ્રી કાનજીસ્વામીએ પોતાનું સમસ્ત જીવન જિનવાણીના આસેવન અને પ્રચાર-પ્રસારમાં વ્યતીત કર્યું. સમ્યકત્વ ઉત્પન્ન કરવાની રુચિ તેમણે મુમુક્ષોઓમાં જગાવવાનો અવિરત પ્રયત્ન કર્યો. છેવટે નાદુરસ્ત તબિયતના કારણે તેમણે મુંબઈની જશલોક હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું અને ત્યાં જ તેમનો સ્વર્ગવાસ થયો.
કનુભાઈ શાહ