અણુવ્રત આંદોલન : અણુબૉમ્બ ત્રાહિમામ પોકારતી દુનિયાને ઉગારવા માટેનો રસ્તો. આ આંદોલનની સાથે નવી નવી ધારાઓ જોડાયેલી છે તે પણ આશ્ચર્યની વાત છે. એમાં આચાર્યશ્રી મહાપ્રજ્ઞાજી દ્વારા જીવનવિજ્ઞાન અને પ્રેક્ષાધ્યાનનો પ્રયોગ જોડાયો, તો વળી આચાર્યશ્રી મહાશ્રમણજી દ્વારા મહાવીરને ભૂલીને મહાભારત જતા જગતને સંયમની વિચારધારા જોડાઈ. નશામુક્તિ અભિયાનથી આરંભીને સંયમની આધારભૂમિ પર પ્રમાણિકતાના મહિમાની સાથોસાથ આહાર, આરોગ્ય અને પ્રકૃતિની સમજ દ્વારા એક માનવનિર્માણનો આ મહાપ્રયાસ છે.
આચાર્ય તુલસીજીએ માત્ર એક નવું દર્શન આપ્યું છે. અણુબૉમ્બ એ માનવનો વિકાસ કરે છે, જ્યારે અણુવ્રત એ માનવનો વિકાસ કરે છે. અને એટલે જ એ માનવવિકાસની તાકાતનું નિર્માણ કરવા માટે અણુવ્રત છે. માનવીના ભીતરી ગૌરવની સ્થાપના માટેનો આ પ્રયાસ છે અને તેથી ઘણી વ્યક્તિઓ તેમની આસપાસ જુએ, કોઈક ઊંચે જુએ, કોઈક વાદળ જુએ, પણ અહીં સમગ્ર આકાશને જોવામાં આવ્યું છે.
ભારતને 1947માં અંગ્રેજી શાસનમાંથી મુક્તિ મળી, પરંતુ આ આઝાદી રાજકીય હતી, આધ્યાત્મિક આઝાદી બાકી હતી. ત્યારે 1949માં અણુવ્રત આંદોલનનો પ્રારંભ થયો. અણુવ્રત આંદોલને દેશ અને દુનિયાને આધ્યાત્મિક આઝાદીનો એક નવો માર્ગ બતાવ્યો. આજે અણુવ્રત આંદોલન ગૌરવશાળી અમૃતવર્ષમાં પ્રવેશ કરે છે.
માનવજાતિના ઉત્થાન માટે જગત બદલવાની વાત કરતાં પહેલાં માનવીને બદલવો પડે અને માનવીમાં માનવત્વ આણીને પરિવર્તન સાધવાનું કામ આપણા દેશમાં અણુવ્રત આંદોલને કર્યું છે. સમગ્ર માનવજાતિના કલ્યાણને માટે માનવસમુદાયની જાગૃતિનો સંદેશ એમાં છુપાયેલો છે. દેશના માનવીઓના ઉચ્ચ ચરિત્ર, સાચી શાંતિ અને સુખ માટેના એક મહાન સક્રિય આદર્શ સાથે અણુવ્રત આંદોલનનો આરંભ થયો.
માનવી અપાર પરિગ્રહના કારણે આનંદને ભૂલી ગયો છે. ભગવાન મહાવીરના અપરિગ્રહને માનવીએ જો અપનાવ્યો હોત તો સંસારમાં એનું જીવન સળગતી આગ જેવું બન્યું ન હોત ! અનુવ્રત કહે છે કે, ‘જો જીવનમાંથી આગ્રહ જાય, પરિગ્રહ જાય, સંગ્રહ જાય અને પૂર્વગ્રહ જાય તો ઈશ્વરનો અનુગ્રહ ઊતરતાં વાર લાગતી નથી’ પણ આવું જીવન સાંપડે કઈ રીતે ? જો જીવનમાં અણુવ્રતનું પાલન થયું હોય તો જ એ અનુગ્રહ સાંપડે.
કનુભાઈ શાહ