ઉહુરુ (Uhuru) : નાના કદનો ખગોલીય ઉપગ્રહ (SAS-I). (ઉહુરુનો અર્થ સ્વાહિલી ભાષામાં ‘સ્વતંત્રતા’ થાય છે.) 1970માં કેન્યાના સમુદ્રકિનારેથી ઇટાલિયન સાન માર્કો પ્લૅટફૉર્મ પરથી ઉહુરુને અવકાશમાં છોડવામાં આવ્યો હતો. અવકાશમાંના ઍક્સ-કિરણોના સ્રોતોને શોધવા, સમય સાથે તેમનામાં થતાં પરિવર્તનો નોંધવા તથા આ સ્રોતોમાંથી આવતાં વિકિરણોનું 1 KeVથી 20 KeV ઊર્જાના (l = 6.0 Åથી 12 Å) વિસ્તારમાં વિતરણ નક્કી કરવા તથા તેને લગતાં ખગોલીય સંશોધન કરવા માટે આ સૌપ્રથમ ઉપગ્રહ હતો.
I કેશ – તારામંડળ (coma), II કન્યા (virgo), III 3c – 273 કેમ્બ્રિજ રેડિયોસ્રોતના ત્રીજા કેટલૉગનો 273મા ક્રમાંકનો સ્રોત, IV વૃશ્ચિક (scorpius) X-1, V નરાશ્વ (centaurus) X-3, VI કર્ક (crab), VII & VIII નાનું (SMC) અને મોટું (LMC) મૅગેલન તારાવિશ્વ, IX હંસ (cyggus) X-1, X મેસિયર તારાપત્રકનો 31મો પિંડ (દેવયાની તારાવિશ્વમાં), XI યયાતિ (perseus), XII હંસ X-3, XIII હંસ – A, XIV શૌરિ (Her) X-1
આ ઉપગ્રહમાં સપ્રમાણી આયનીકરણ-કાઉન્ટરોના બે સમૂહો મૂકવામાં આવ્યા હતા; તેમનો આકાશ-ગંગાઓમાંના તારાઓના સંકુલમાંથી આવતાં વિકિરણોનું ગુચ્છ માપવા માટે અને દ્વિસંખ્ય (binary) જોડકારૂપ ઍક્સ-કિરણી તારાઓને શોધવા માટે ઉપયોગ થયો હતો. ઉપગ્રહની ચાર પૅનલોમાં ગોઠવેલા સૌરકોષો ઉપકરણોને તેમજ દૂરમાપન (telemetry) તથા નિયંત્રણ માટે જરૂરી વિદ્યુત-ઊર્જા પૂરી પાડતા હતા. પ્રથમ બે વર્ષનાં અવલોકનોના આધારે ઍક્સ-કિરણોના જ્ઞાત સ્રોતોની સંખ્યા 35 હતી, તે વધીને 200 કરતાં વધુ માલૂમ પડી. આ સંકુલોમાં રહેલા કેટલાક દ્વિસંખ્ય જોડકારૂપ તારાઓ ઍક્સ-કિરણો સ્પંદો(pulse)માં ઉત્સર્જન કરતા હોઈ તેમને પલ્સાર કહે છે. આ ઉપગ્રહ 4 વર્ષ સુધી ક્રિયાશીલ રહ્યો હતો. 1972માં ગામા-કિરણોની શોધ માટે SAS-II ઉપગ્રહ ઉહુરુ સાથે જોડાયો.
સમગ્ર વર્ણપટનાં ઍક્સ-કિરણો, ગામા-કિરણો તથા પારજાંબલી કિરણો પૃથ્વીના વાતાવરણના ઉપલા વિસ્તારના આયનમંડળમાં શોષાઈ જતાં હોઈ (પારજાંબલી 25 કિમી. સુધીમાં સંપૂર્ણપણે શોષાઈ જાય છે.) વિકિરણોના સર્વેક્ષણ માટેના ઉપગ્રહો 400 કિમી.થી વધારે ઊંચાઈએ ભ્રમણકક્ષામાં તરતા મુકાય છે.
કાંતિલાલ મોતીલાલ કોટડિયા