ભટ્ટ, કાંતિ (જ. 15 જુલાઈ, 1931, સાયરા, ભાવનગર; અ. 4 ઑગસ્ટ, 2019, મુંબઈ) : ગુજરાતી ભાષાના સુપ્રસિદ્ધ નિર્ભીક પત્રકાર, સંપાદક અને કટારલેખક તથા 75થી વધારે નિબંધ-પુસ્તકોના લેખક.
ઉછેર મૂળ વતન ઝાંઝમેરમાં થયો. પિતા હરગોવિંદ ભટ્ટ, માતા પ્રેમકુંવર બા. દંપતીને પાંચ પુત્રો અને ત્રણ પુત્રીઓ. તેમાં સૌથી મોટા કાંતિ ભટ્ટ. પિતા ગ્રામપંચાયતમાં શિક્ષક અને મહિને 35 રૂપિયા પગાર. માતા ગૃહિણી.
મહુવામાં પ્રાથમિક અભ્યાસ કરતા કાંતિ ભટ્ટને બાળપણથી જ પુસ્તકો અને શબ્દો પ્રત્યે પ્રેમ. એટલે ફક્ત નવ વર્ષની વયે 1939-40માં મહુવાના અખાડાના મૅગેઝિનના તંત્રી બન્યા તેમજ સ્થાનિક પુસ્તકાલયમાં ગ્રંથપાલની ભૂમિકા પણ અદા કરી. અભ્યાસ આગળ વધ્યો અને 1952માં એમ. એસ. યુનિવર્સિટી, વડોદરામાંથી બી.કૉમ. થયા. 1955માં કાકા સાથે મલેશિયાના પિનાંગ ખાતે વ્યવસાય શરૂ કર્યો હતો; પરંતુ એક જ દાયકામાં વ્યવસાય છોડીને ભારત પરત ફર્યા અને ‘કલમકૂચ’ શરૂ કરી, જે તેમના મૃત્યુ સુધી જળવાઈ રહી.
ભારત પરત ફરીને કાંતિ ભટ્ટ મુંબઈમાં જન્મભૂમિ ગ્રૂપના વાણિજ્યિક અખબાર ‘વ્યાપાર’માં જોડાયા હતા. ઔપચારિક રીતે પત્રકારત્વની કારકિર્દી આ તેમની શરૂઆત. 1967માં ‘પ્રબુદ્ધ જીવન’ નામના સામયિકમાં પ્રથમ લેખ ‘આબોહવામાં પરિવર્તન’ વિશે લખ્યો. આબોહવામાં પરિવર્તન શબ્દ જે સમયે પ્રચલિત પણ થયો નહોતો એ ગાળામાં કાંતિ ભટ્ટે પોતાના પ્રથમ લેખમાં જ હાલની પેઢી જે પર્યાવરણલક્ષી માઠાં પરિણામો ભોગવી રહી છે એ વિશે ચેતવણી આપી હતી. ત્યાર બાદ તેમના મૃત્યુના એક દિવસ અગાઉ 3 ઑગસ્ટ, 2019 સુધી એક પણ દિવસ ચૂક્યા વિના એક યા બીજાં ગુજરાતી અખબારોમાં કાંતિ ભટ્ટની કૉલમનું પ્રકાશન ચાલુ રહ્યું હતું. આ રીતે તેમણે સતત 52 વર્ષમાં 16,000થી વધારે લેખો લખ્યા, જે હાલ અમદાવાદની ભવન્સ કૉલેજમાં કાંતિ ભટ્ટ મેમોરિયલમાં સચવાયેલા છે. હાલ કાંતિ ભટ્ટની કલમમાંથી ઉતરેલાં શબ્દોનું ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે અને ટૂંક સમયમાં ભવન્સની વેબસાઇટ પર કાંતિ ભટ્ટના અક્ષરદેહ સ્વરૂપે વાંચવા મળશે.
1978માં હિમ્મત ભાયાણા સાથે મળીને કાંતિ ભટ્ટે ‘અભિષેક’ નામનું મૅગેઝિન શરૂ કર્યું. આ મૅગેઝિનમાં તેમનાં આસિસ્ટન્ટ તરીકે શીલા ભટ્ટ જોડાયાં. ત્યાર બાદ તેમનો પરિચય પ્રેમમાં પરિવર્તિત થયો અને બંનેએ 1979માં લગ્ન કર્યાં. પરંતુ બંનેની વય વચ્ચે 28 વર્ષ એટલે કે તેમની ઉંમર વચ્ચે લગભગ એક પેઢી જેટલું અંતર હતું. આ કારણસર જે રીતે દિલીપકુમારના પોતાનાથી અડધી ઉંમરની અભિનેત્રી સાયરાબાનુના નિકાહ ચર્ચાસ્પદ થયેલા એ જ રીતે ગુજરાતી સમાજમાં કાંતિ ભટ્ટ અને શીલા ભટ્ટનાં લગ્ન પણ ચર્ચાસ્પદ થયાં હતાં. ત્યાર બાદ આ પત્રકાર દંપતી અતિ પ્રસિદ્ધ ગુજરાતી સામયિક ‘ચિત્રલેખા’માં જોડાયાં અને ગુજરાતી પત્રકારત્વની દુનિયામાં તેઓ ‘સ્ટાર’ બની ગયાં. 1986માં કાંતિ ભટ્ટ અને શીલા ભટ્ટે ચિત્રલેખા સામયિક છોડીને પોતાનું સામયિક ‘અભિયાન’ શરૂ કર્યું. શીલા ભટ્ટના શબ્દોમાં કહીએ તો “આ સામયિકનો આત્મા કાંતિ ભટ્ટ હતા અને આ રિપોર્ટર માટે અને રિપોર્ટર દ્વારા ચાલતું એકમાત્ર રિપોર્ટિંગ કેન્દ્રિત ગુજરાતી સામયિક હતું.” અનેક ગુજરાતી વાંચકો આજે પણ કાંતિ ભટ્ટ-શીલા ભટ્ટના ‘અભિયાન’માં પ્રકાશિત થતી સામગ્રીને યાદ કરે છે. તેમણે 1990ના દાયકાની શરૂઆતમાં ‘અભિયાન’ સામયિક ગુજરાતના પ્રસિદ્ધ પત્રકાર ભૂપત વડોદરિયા દ્વારા સ્થાપિત ‘સમભાવ’ ગ્રૂપને સુપરત કરી દીધું.
‘હિંદુસ્તાન જેવો દેશ નહીં અને પત્રકારત્વ જેવો વ્યવસાય નહીં’ એવું માનતા કાંતિ ભટ્ટે બહુ પત્રકારો માટે અતિ ઉપયોગી વાત કરી છે : “પત્રકાર માટે ઇન્ટરનેટ સર્વસ્વ નથી. ચારે બાજુથી માહિતી એકઠી કરવાની હોય ત્યારે લોકો સાથે વાત કરવી જરૂરી છે.” પત્રકારો માટે કાંતિ ભટ્ટના ઉપયોગી સૂચનોઃ
- દરરોજ ઓછામાં ઓછી બે નવી વ્યક્તિઓને મળવું.
- કશું ને કશું દરરોજ લખવું.
- પુષ્કળ વાંચન કરવું. દરરોજ વાંચનની ટેવ વિકસાવવી.
કાંતિ ભટ્ટે 1994માં ‘ગુજરાત સમાચાર’ અખબારમાં ‘આસપાસ’ નામની કૉલમ શરૂ કરી હતી, જે 2004માં બંધ થઈને ગુજરાતમાં શરૂ થયેલા ગુજરાતી અખબાર ‘દિવ્ય ભાસ્કર’માં ચાલુ થઈ હતી. આ ઉપરાંત ‘બિઝનેસ ગઠરિયા’ નામની કૉલમ પણ ગુજરાતીઓમાં લોકપ્રિય હતી. વળી અભિયાનના પ્રથમ પાને ‘ચેતનાની ક્ષણે’ નામની તેમની કૉલમમાંથી આ જ નામે પુસ્તક પ્રકટ થયું હતું. આ રીતે તેમની વિવિધ કૉલમમાંથી જ ગુજરાતી વાંચકોને આશરે 75 પુસ્તકોની ભેટ મળી છે, જેમાં તમને આજે પણ ગુજરાતી સમાજનું 1960 પછીનું સંપૂર્ણ ચિત્ર મળી આવે છે. ઉપરાંત દેશવિદેશની મહત્ત્વપૂર્ણ ઘટનાઓની જાણકારી પણ વાંચકોને મળે છે. વિવિધ મહાનુભાવોનાં જીવનની ઝરમર પણ જાણવા મળે છે.
આ કૉલમ 2019માં તેમના અવસાન સુધી ચાલુ રહી હતી. નિર્ભીક, સ્પષ્ટ અને વાંચનપ્રેમી પત્રકાર અને કૉલમનિસ્ટ કાંતિભટ્ટે પોતાની કલમયાત્રામાં 16,000થી વધારે લેખો લખ્યા હતા. આ લેખોમાં રાજકારણ, અપરાધની દુનિયા, ઉદ્યોગપતિઓની જીવનસફર, ઉદ્યોગજગત, બિઝનેસથી લઈને આયુર્વેદ, મેડિસિન, નેચરોપથી વગેરે તમામ વિષયો સામેલ હતા. યુવાવસ્થાથી જ બીમાર હોવાથી કાંતિ ભટ્ટે શરીરશાસ્ત્રની સારી એવી જાણકારી મેળવી હતી. તેમની પાસેથી શરીરનું કયું અંગ શું કામ કરે છે એની જાણકારી વૈજ્ઞાનિક કરતાં પણ સરળતાપૂર્વક મળી જતી હતી. જીવનમાં એકમાત્ર શોખ હતો – પુસ્તકોનું વાંચન. જ્યાં જુએ ત્યાંથી પુસ્તકો ખરીદે. તેમના અંગત પુસ્તકાલયમાં દુનિયાભરમાંથી ખરીદેલાં આશરે 2,000 પુસ્તકો હતાં. આ પુસ્તકો હાલ અમદાવાદમાં કાંતિ ભટ્ટ મેમોરિયલમાં ખસેડવામાં આવ્યાં છે.
કાંતિ ભટ્ટ આજીવન કોલાઇટિસથી પીડિત રહ્યા હતા. કોલાઇટિસ એટલે મોટાં આંતરડાના પડદામાં સોજો આવી જવો. આ કારણસર કાંતિ ભટ્ટની પાચનક્રિયા આજીવન નબળી રહી હતી. હકીકતમાં આની પાછળ એક ઘટના જવાબદાર હતી. તેમની બહેન વસંતને મહુવા નજીક ભાદરણ ગામના એક સધ્ધર ખેડૂત સાથે પરણાવી હતી. કાંતિ ભટ્ટને લાગ્યું કે બાપાએ બહેનને પૈસા ખાતર અમીર માણસને પધરાવી દીધી. તેમને ગુસ્સો આવ્યો અને લગ્નના દિવસે બે કિલો મેસૂબ ખાઈ ગયા હતા. એટલે સ્વાભાવિક રીતે તેમને હૉસ્પિટલ લઈ જવા પડ્યા અને તેમને ડૉક્ટરે કોલાઇટિસ બિમારી આજીવન રહેશે એવું જણાવી દીધું.
તેમને 2006માં ‘વજુ કોટક સુવર્ણ ચંદ્રક’ એનાયત થયો હતો. હાલ અમદાવાદમાં ભવન્સ કૉલેજમાં કાંતિ ભટ્ટ મેમોરિયલ ઍન્ડ રીડિંગ રૂમ ચાલે છે. આ કાંતિ ભટ્ટનું જીવનકવન છે એમ કહીએ તોપણ ચાલે. અહીં તમને કાંતિ ભટ્ટે ઉપયોગ કરેલાં ફોન, વીસીઆર, કૅમેરા, એટેચી, મોટી ટોપી, ટ્રાન્ઝિસ્ટર, ચશ્માં વગેરે અનેક ચીજવસ્તુઓ જોવા મળે છે. વળી તેમના અંગત પુસ્તકાલયોનાં 2000થી વધારે પુસ્તકો, તેમણે લખેલા 16,000થી વધારે લેખોની વર્ષ મુજબ ફાઇલ પણ અભ્યાસુને ત્યાં દોરી જાય છે.
કેયૂર કોટક