ઉટકિઆવિક (બેરોનગર)

January, 2025

ઉટકિઆવિક (બેરોનગર) : યુ.એસ.ના અલાસ્કા રાજ્યના નોર્થ સ્લોપના વહીવટી વિભાગમાં આવેલું સૌથી મોટું શહેર જે બેરોનગર તરીકે ઓળખાય છે.

ભૌગોલિક સ્થાન : તે 71  17´ ઉ. અ. અન 156  47´ પ. રે. પર આવેલું છે. તેનો કુલ વિસ્તાર 55.63 ચો.કિમી. છે. જેમાં 48.61 ચો.કિમી. ભૂમિ અને 7.01 ચો.કિમી. જળવિસ્તાર છે. સમુદ્રસપાટીથી ફક્ત 3 મીટર જેટલી ઊંચાઈ ધરાવે છે. આ શહેર ઉત્તર ધ્રુવથી દક્ષિણે ફક્ત 2,100 કિમી. દૂર આવેલું છે. આ સમગ્ર વિસ્તાર ટુન્ડ્ર તરીકે ઓળખાય છે. આર્કટિક વૃત્તથી ઉત્તરે આવેલું આ શહેર જે વિશ્વમાં સુદૂર ઉત્તરે આવેલું શહેર છે. ઉટકિઆવિક (Utkiagvik) જેનો અર્થ ‘બરફાચ્છાદિત ઘુવડ’ (Snowy Owl) થાય છે અથવા ‘બરફાચ્છાદિત ઘુવડનો શિકાર કરવાનું સ્થળ’ (the place where Snowy Owls are hunted) થાય છે.

આબોહવા : આબોહવાનિષ્ણાત કૉપેનના જણાવ્યા મુજબ અહીંની આબોહવા ઠંડી અને સૂકી છે. શિયાળાની ઋતુમાં અહીં સતત ઠંડા પવનો ફૂંકાતા જ રહે છે. ઉનાળાની ઋતુ ઠંડી તેમ છતાં કંઈક હૂંફાળી રહે છે. ઉટકિઆવિક–બેરોનું તાપમાન તેના ભૂપૃષ્ઠને કારણે સુદૂર ઉત્તરે પ્રમાણમાં હૂંફાળું રહે છે. તેની ત્રણે બાજુ આર્કટિક સમુદ્ર આવેલો છે. જ્યારે દક્ષિણે આશરે 300 કિમી.નો ટુન્ડ્રનો વિસ્તાર પ્રમાણમાં સમતળ છે. ઠંડા પવનોને કારણે તાપમાન નીચું જતાં વાતાવરણ અતિશય ઠંડું થઈ જાય છે. સ્નો/બરફ પડવાને કારણે વિસ્તાર હિમાચ્છાદિત બને છે. ઑક્ટોબરથી મે માસ દરમિયાન તાપમાન 0  સે. રહે છે, જ્યારે ડિસેમ્બરથી માર્ચ માસ સુધી તાપમાન –18  સે. જેટલું નીચું અનુભવાય છે. અહીં લગભગ 136 દિવસ સુધી તાપમાન 0  સે. જેટલું રહે છે. જ્યારે 92 દિવસ તાપમાન –18  સે. જેટલું રહે છે. હિમવર્ષા તો ગમે તે માસમાં થાય છે. ઑક્ટોબર માસના પહેલા અઠવાડિયામાં હિમવર્ષાનો પ્રારંભ થાય છે. જે આશરે 26 સેમી. જેટલો પડે છે. જૂન માસથી ઑક્ટોબર માસ સુધી આછો સૂર્યપ્રકાશ ફક્ત 6 કલાક સુધી જ મળી રહે છે. લગભગ દરેક માસમાં પવન તો ફૂંકાતા જ રહે છે, પરંતુ તેના વેગમાં તફાવત રહે છે. પવનની સરેરાશ ગતિ પ્રતિકલાકે 19 કિમી.ની રહે છે. પરંતુ ઑક્ટોબરથી ડિસેમ્બર માસ દરમિયાન પવનની ગતિ પ્રતિકલાકે 40થી 60 કિમી. રહે છે. અહીં મહત્તમ પવનની ગતિ પ્રતિકલાકે 64થી 97 કિમી.ની નોંધાયેલી છે. સામાન્યતઃ આર્કટિક વિસ્તારમાં જે વૈશ્વિક તાપમાનમાં વધારો થાય છે તેના કરતાં 2010ના વર્ષમાં ત્રણ ગણો નોંધાયો છે. પરિણામે 1976થી તેની અસર વહેલના અને કેરિબુના શિકાર પર જોવા મળી છે.

અર્થતંત્ર : આ વિસ્તારમાં ખનીજતેલ અને કુદરતી વાયુનો ભંડાર સંગ્રહાયેલો છે. આ સંપત્તિ મેળવવા માટે શ્રમજીવીઓ, ટૅકનિશિયનો, ભૂસ્તરશાસ્ત્રીઓની સહાય લેવી પડે છે. રોજગારી મેળવવા અનેક લોકોએ અહીં સ્થળાંતર કર્યું છે. યુ.એસ.નાં બીજાં રાજ્યોના તેમજ યુરોપના લોકો ‘મધ્યરાત્રિના સૂર્ય’ (Midnight Sun) નિહાળવા અહીં આવે છે તેથી પ્રવાસીઓનું પ્રમાણ ઉનાળામાં અધિક હોય છે. કુદરતી સૌંદર્યને કાગળ ઉપર કંડારવા માટે અનેક આર્ટિસ્ટો, ફોટોગ્રાફરો તેમજ સંધિપ્રકાશ(aurora) નિહાળવા ભૂગોળ અને પર્યાવરણવિદો પણ આવતા હોય છે. આથી અહીં પ્રવાસન-ઉદ્યોગ પણ ખીલ્યો છે. અહીં પરિવહન અને ખાદ્યસામગ્રી બહારથી મંગાવવી પડતી હોવાથી ખૂબ મોંઘી પડે છે. આથી અહીંયાં સ્થાનિક નાગરિકોએ ત્યાંની જ માંસાહારી વાનગીઓ બનાવવાનો વ્યવસાય શરૂ કર્યો છે. આ વિસ્તારમાં નદીઓ અને તળાવોનું પ્રમાણ અધિક હોવાથી વહેલ, સીલ, ધ્રુવીય રીંછ, વૉલરસ, જળકૂકડી, કેરિબુ અને મત્સ્યનો શિકાર કરવાની પ્રવૃત્તિમાં સ્થાનિક લોકો અને પ્રવાસીઓ રસ લેતા હોય છે. અહીંના સ્થાનિક લોકોએ ખાદ્યસામગ્રી, રૂવાંવાળાં (ફરનાં) વસ્ત્રો, હાડકાં અને શિંગડાંમાંથી બનેલી કલાકૃતિઓના સ્ટોલ પણ ઊભા કર્યા છે.

પરિવહન : આ શહેર સુધી પહોંચવા માટે ફેરબેન્ક અને એન્કોરેજથી અલાસ્કન ઍરલાઇનની સેવા ઉપલબ્ધ છે. શહેરમાં સ્થાનિક બસો, ટૅક્સી, રેડિયોટૅક્સી વગેરે મળી રહે છે. અહીં કાયમ બરફ છવાયેલો રહેતો હોવાથી રસ્તા કાચા હોય છે. આ શહેરના કિનારે પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી વિવિધ નાની યાંત્રિક બોટ પણ હોય છે. ઉંમરલાયક નાગરિકો અને શારીરિક ક્ષતિ ધરાવતા લોકો માટે પણ વિશિષ્ટ સેવા આપવામાં આવે છે. પ્રવાસીઓ માટે પરંપરાગત ‘સ્લેજ’ ગાડી પણ ઉપલબ્ધ હોય છે.

વસ્તી : આર્કટિક વિસ્તારમાં વર્ષોથી વસેલા સ્નાનિક લોકો ઇનયૂટ (Inuit) તરીકે ઓળખાય છે. યુ.એસ.માં આ શહેરની સૌપ્રથમ વસ્તીની નોંધ ઈ. સ. 1888માં થઈ. તે સમયે ઇનયૂટની સંખ્યા 225 હતી. જેમાં પૉઇન્ટ બેરોની વસ્તીનો સમાવેશ કરાયો ન હતો. આ શહેરને 2016માં ઉટકિઆવિક નામ અપાયું, પરંતુ સત્તાવાર રીતે તેની નોંધ 2020ની વસ્તીગણતરી સમયે કરવામાં આવી. 1888થી 1959 સુધીના ગાળામાં ભૂસ્તરશાસ્ત્રીઓએ સંશોધનો કર્યાં, પરિણામે અહીં ખનિજતેલ અને કુદરતી વાયુના ભંડાર મળ્યા. આથી ક્રમશઃ વસ્તી વધવા લાગી. 2010માં યુ.એસ.ની વસ્તીગણતરી મુજબ 4,212 વસ્તીની નોંધ થઈ. જેમાં 60.5% અલાસ્કન નાગરિકો, 16.2% યુરોપિયનો, 8.9% એશિયન, 3% લૅટિન, 2.3% પૅસિફિક ટાપુના અને 0.9% આફ્રિકન હોવાની નોંધ લેવાઈ હતી. 2022માં થયેલી વસ્તીગણતરી મુજબ અહીંની વસ્તી 4,429 હતી.

આ શહેરમાં ઇપાલુક પ્રાથમિક શાળા, હોપસોન માધ્યમિક શાળા, બેરો હાઈસ્કૂલ અને આ સિવાય શૈક્ષણિક કેન્દ્રો આવેલાં છે જે ‘કીટા લર્નિંગ કૉમ્યુનિટી’ તરીકે ઓળખાય છે. અલાસ્કામાં ઇટકિઆવિક શહેરમાં આદિવાસી ઇસાગ્વીક કૉલેજ આવેલી છે; જેમાં આરોગ્ય, વાણિજ્ય, સંચાલન, બાંધકામ, તકનીકી, દંતચિકિત્સા જેવા વિષયો શિખવાડવામાં આવે છે. અહીં સેમ્યુલ સીમોન્ડસ મેમોરિયલ હૉસ્પિટલ આવેલી છે, જ્યાં ફક્ત પ્રાથમિક ચિકિત્સાની સગવડ છે. મોટી હૉસ્પિટલો પૉઇન્ટ હોપ, પ્રુધો બે અને વેનરાઇટ ખાતે આવેલી છે. ત્યાં જવા હેલિકૉપ્ટર, ઍર એમ્બુલન્સ વિમાનની સગવડ છે. અહીં દર અઠવાડિયે ‘The Arctic Sounder’ વર્તમાનપત્ર પ્રગટ થાય છે. KBRW (AM) અને KBRW (FM) રેડિયોસ્ટેશન પણ આવેલાં છે. અહીં ક્રિસ્ટમસ, કિવગીક (Kivgia), પુરાગીઆક્ટા (piuraagiaqta), નાલુકાટક (Nalukataq) જેવા તહેવારો ઊજવાય છે. શાળા અને કૉલેજ કક્ષાએ ફૂટબૉલ, બાસ્કેટબૉલ, આઇસહૉકી જેવી રમતો જાણીતી છે.

ઇતિહાસ : ઇનપિયાટ એ પ્રાચીન વસ્તીજૂથ છે. ઇનપિયાટ શબ્દ ‘ઉટકીક’ (Utqiq) પરથી ઊતરી આવ્યો છે. ઈ. સ. 1853માં યુરોપિયન સંશોધક કમાન્ડર રૉકફોર્ટ માગુરીએ (Rochfort Maguire) આ જાતિની નોંધ કરી હતી.

નીતિન કોઠારી