હૉપફિલ્ડ, જ્હૉન જે. (Hopfield, John J.) (જ. 15 જુલાઈ 1933, શિકાગો, ઇલિનૉય, યુ.એસ.એ.) : કૃત્રિમ ચેતાતંતુની જાળ અથવા માળખા દ્વારા યંત્રશિક્ષણ (મશીન લર્નિંગ) શક્ય બન્યું, આ પાયાની શોધ અને આવિષ્કાર માટે 2024નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર જેફ્રી હિન્ટન સાથે સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો.
જ્હૉન હૉપફિલ્ડનાં માતા-પિતા બંને ભૌતિકશાસ્ત્રી હતાં. તેમણે 1954માં સ્નાતકની પદવી મેળવ્યા બાદ 1958માં કોર્નેલ યુનિવર્સિટીમાંથી સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. બેલ લૅબોરેટરીઝમાં બે વર્ષ સંશોધનો કર્યાં બાદ તેઓએ યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, બર્કલી, પ્રિન્સ્ટન યુનિવર્સિટી તથા કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાં પ્રાધ્યાપકનું સ્થાન મેળવ્યું. હાલમાં તેઓ પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં નિવૃત્ત પ્રાધ્યાપક (emeritus) તરીકે કાર્યરત છે.
હૉપફિલ્ડે સૌપ્રથમ 1982માં ચેતાવિજ્ઞાનમાં ચેતાતંતુની જાળ (neural network) અને તેની સામૂહિક ગણતરી માટેની ક્ષમતા પર સંશોધન-પત્ર પ્રકાશિત કર્યો, જેમાં તેમણે હૉપફિલ્ડ જાળ(network)ની વાત કરી, કે જે દ્વિઅંકી ચેતાતંતુઓની (binary neurons) બનેલી હોય તથા યાદશક્તિ ધરાવતી હોય. આ ચેતાતંતુ જાળની યાદશક્તિ મર્યાદિત હતી. 2016માં તેમણે વિશાળ સ્મૃતિ ધરાવતી ચેતાતંતુ જાળ – મૉડર્ન હૉપફિલ્ડ નેટવર્કની રચના કરી.
1962માં તેમણે સ્લોન રિસર્ચ ફેલોશિપ તથા 1968માં ગગનહાઈમ શિષ્યવૃત્તિ મેળવી. 1969માં તેઓ અમેરિકન ફિઝિકલ સોસાયટી(APS)ના સભ્ય તથા 2006માં તેના પ્રમુખ બન્યા. 1985માં તેમને ગોલ્ડન પ્લેટ પુરસ્કાર તથા 1988માં માઇકલસન–મોર્લી પુરસ્કાર પ્રાપ્ત થયા. 2005માં તેમનું આલ્બર્ટ આઇન્સ્ટાઇન વર્લ્ડ પુરસ્કાર દ્વારા સન્માન થયું. 2007માં ડ્યૂક યુનિવર્સિટીમાં તેમણે એક વ્યાખ્યાન આપ્યું — ‘આપણે આટલું ઝડપથી કેવી રીતે વિચારી શકીએ છીએ – ચેતાતંતુથી તે મગજમાં થતી ગણતરીઓ સુધી.’
2019માં તેમને ભૌતિકશાસ્ત્ર માટે બેન્જામિન ફ્રૅન્કલિન ચંદ્રક તથા 2022માં આંકડાશાસ્ત્રનો બોલ્ટ્ઝમૅન ચંદ્રક પ્રાપ્ત થયો.
પૂરવી ઝવેરી