હિન્ટન, જેફ્રી (Hinton, Geoffrey) (જ. 6 ડિસેમ્બર 1947, વિમ્બલડન, લંડન, યુનાઇટેડ કિંગ્ડમ) : કૃત્રિમ ચેતાતંતુની જાળ અથવા માળખા દ્વારા યંત્રશિક્ષણ (મશીન લર્નિંગ) શક્ય બન્યું, આ પાયાની શોધ અને આવિષ્કાર માટે 2024નો ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. આ પુરસ્કાર જ્હૉન હૉપફિલ્ડ સાથે સંયુક્ત રીતે પ્રાપ્ત થયો હતો.
જેફ્રી હિન્ટન બ્રિટિશ–કૅનેડિયન કમ્પ્યૂટર વિજ્ઞાની તથા જ્ઞાનાત્મક વિજ્ઞાની અને જ્ઞાનાત્મક (cognitive) માનસશાસ્ત્રી છે, જેમણે કૃત્રિમ ચેતાતંતુના માળખા અથવા જાળ (artificial neural networks) પર મહત્ત્વનાં સંશોધનો કર્યાં છે. તેઓ કૃત્રિમ બુદ્ધિ(Artificial Intelligence – AI)ના પિતામહ તરીકે જાણીતા છે.
હિન્ટન જેફ્રીએ યુનિવર્સિટી ઑવ્ કેમ્બ્રિજમાં વિજ્ઞાન અને પ્રાયોગિક માનસશાસ્ત્રના અભ્યાસ બાદ 1970માં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. તે પછી યુનિવર્સિટી ઑવ્ એડિનબરામાંથી 1978માં ‘કૃત્રિમ બુદ્ધિ’ વિષયમાં પીએચ.ડી.ની પદવી મેળવી અને યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા, સૅન ડિયેગોમાં પોસ્ટ-ડૉક્ટરલ ફેલો તરીકે જોડાયા. હાલમાં તેઓ યુનિવર્સિટી ઑવ્ ટોરેન્ટોના કમ્પ્યૂટર સાયન્સ વિભાગમાં માનદ પ્રાધ્યાપક (emeritus) તરીકે કાર્યરત છે.
ડીપ લર્નિંગ ક્ષેત્રમાં તેમનું અતિ મહત્ત્વનું પ્રદાન છે. ડીપ લર્નિંગ એ મશીન લર્નિંગ(યંત્રવિજ્ઞાન)નો જ એક ભાગ છે. 2013થી 2023 દરમિયાન તેઓ ગૂગલમાં કાર્યરત હતા ત્યારે તેમણે ‘કૃત્રિમ બુદ્ધિ તકનીકી’ની સાથે સંકળાયેલાં સંભવિત જોખમો વિશે ચિંતા વ્યક્ત કરેલી. નોબેલ પુરસ્કાર મેળવ્યા બાદ તરત જ તેમણે ‘કૃત્રિમ બુદ્ધિ સલામતી’(AI Safety)માં સંશોધનોની તાત્કાલિક જરૂરિયાતની હિમાયત કરી.
1998 જેફ્રી હિન્ટન ફેલો ઑવ્ રૉયલ સોસાયટી – FRS તરીકે ચૂંટાયા. યુનિવર્સિટી ઑવ્ એડિનબરાએ તેમને ડૉક્ટરેટની માનદ પદવીથી પુરસ્કૃત કર્યા. 2011માં તેમને હર્ઝબર્ગનો ‘કૅનેડા ગોલ્ડ મેડલ ફોર સાયન્સ ઍન્ડ એન્જિનિયરિંગ’ પ્રાપ્ત થયો. 2016માં IEEE/RSE વોલ્ફસન જેમ્સ ક્લાર્ક મૅક્સવેલ પુરસ્કાર પ્રાપ્ત થયો. તે ઉપરાંત અનેક બીજા પુરસ્કારોથી તેમનું સન્માન થયું છે.
પૂરવી ઝવેરી