કોવિંદ, રામનાથ (જ. 1 ઓક્ટોબર 1945, પરોંખ, ઉત્તર પ્રદેશ) : દેશના 14મા રાષ્ટ્રપતિ, બિહારના પૂર્વ ગવર્નર, રાજ્યસભાના પૂર્વ સાંસદ, અખિલ ભારતીય કોળી સમાજના પૂર્વ અધ્યક્ષ. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા. ખેડૂત પરિવારમાં જન્મ. પ્રાથમિક શાળા સુધીનો અભ્યાસ ગામમાં કર્યા બાદ દરરોજ આઠ કિલોમીટર ચાલીને તેઓ ઉચ્ચ અભ્યાસ માટે જતા હતા. કાનપુર યુનિવર્સિટીમાંથી બી.કોમ, એલએલબી થયેલા રામનાથ કોવિંદે 1971માં દિલ્હી આવીને વકીલાત શરૂ કરી હતી. 1977થી 1979 દરમિયાન તેઓ કેન્દ્ર સરકારના વકીલ રહ્યા હતા. એ જ સમયગાળામાં તેમણે તત્કાલિન વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈના અંગત કાયદા સહાયકની કામગીરી કરી હતી. 1978થી 1993 સુધી તેઓ દિલ્હી હાઈકોર્ટ ઉપરાંત સુપ્રીમ કોર્ટના વકીલ હતા. 1991માં તેઓ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયા હતા. 1998થી 2002ના સમયગાળામાં તેમને ભાજપના દલિત મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ બનાવાયા હતા. એ અરસામાં જ તેઓ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય પ્રમુખ પણ હતા. ત્યારબાદ તેમને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તાની જવાબદારી સોંપાઈ હતી.
1994થી 2006 સુધી તેઓ ઉત્તર પ્રદેશમાંથી રાજ્યસભાના સાંસદ બન્યા હતા. રાજકીય કારકિર્દી દરમિયાન શિક્ષણ સુધારણાના ક્ષેત્રે રામનાથ કોવિંદ સક્રિય રહ્યા હતા. 12 વર્ષના રાજ્યસભા સાંસદના કાર્યકાળમાં તેઓ ગ્રામ્ય સ્તરે શાળાઓ અને શિક્ષણની સ્થિતિ બહેતર બનાવવાના હેતુથી સર્જાયેલી સમિતિના સભ્ય હતા. એ ઉપરાંત તેમણે સાંસદ તરીકે અમેરિકા, બ્રિટન, સ્વિટ્ઝર્લેન્ડ, ફ્રાન્સ, સિંગાપોર, જર્મની જેવા દેશોમાં શૈક્ષણિક પ્રવાસો કર્યા હતા. લખનૌમાં આવેલી ડૉ. બી. આર. આંબેડકર યુનિવર્સિટીના મેનેજમેન્ટ બોર્ડમાં રહેવા ઉપરાંત તેઓ આઈઆઈએમ કોલકાતાના ગવર્નિંગ બોર્ડમાં પણ કાર્યરત હતા. 2003માં યુનાઈટેડ નેશન્સમાં પહોંચેલા ભારતીય પ્રતિનિધિમંડળના તેઓ સભ્ય હતા અને તેમણે યુએનમાં સંબોધન કર્યું હતું.
8મી ઓગસ્ટ, 2015માં બિહારના ગવર્નરપદે તેમની નિમણૂક થઈ હતી. 20, જૂન 2017 સુધી તેઓ બિહારના ગવર્નર રહ્યા હતા. એ વર્ષે થનારી રાષ્ટ્રપતિપદની ચૂંટણી માટે તેમને એનડીએના ઉમેદવાર બનાવાયા હતા. 20મી જુલાઈએ રામનાથ કોવિંદ દેશના 14મા રાષ્ટ્રપતિ બન્યા હતા. રાષ્ટ્રપતિ તરીકે તેમણે પાંચ વર્ષમાં 29 દેશોની સત્તાવાર મુલાકાત લીધી હતી. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સક્રિય સભ્ય તરીકે રાષ્ટ્રપતિ બનનારા તેઓ ભાજપના પ્રથમ નેતા છે. કોળી સમાજમાંથી આવીને રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચનારા તેઓ પહેલા નેતા છે. માડાગાસ્કર, ક્રોએશિયા, બોલિવિયા જેવા અસંખ્ય દેશોએ રામનાથ કોવિંદને સર્વોચ્ચ સન્માનો આપીને નવાજ્યા છે.
હર્ષ મેસવાણિયા