ઉષ્ણબાષ્પ ખનિજપ્રક્રિયા (pneumatolysis) : મૅગ્મા(ભૂરસ)ના ઘનીભવન દરમિયાન તૈયાર થતા જતા અગ્નિકૃત ખડકોમાંના કે સહસંકલિત પ્રાદેશિક ખડકોમાંના અમુક પરિવર્તનશીલ ખનિજ ઘટકો ઉપર થતી મૅગ્માજન્ય વિવિધ ઉષ્ણ વાયુઓ અને બાષ્પની પ્રક્રિયાના ફેરફારોની ઘટના. આ ઘટનાને કારણે પરિણમતી પરિવર્તન-પેદાશોને ઉષ્ણબાષ્પીય ખનિજો કહે છે. જ્વાળામુખીમાંથી નીકળતા વાયુઓની સપાટી પર થતી અસરો, ઊંડાણમાં રહેલ અંતર્ભેદકોની આજુબાજુ પ્રવાહીની થતી સંસર્ગવિકૃતિજન્ય અસરો, આગ્નેય સ્વભેદન પૈકીની પેગ્મેટાઇટજન્ય અને ઉષ્ણજળજન્ય વચ્ચેની કક્ષાની અસરો તથા ઉષ્ણબાષ્પીય ખનિજો કે તત્વો ધરાવતા કોઈ પણ પ્રકારના નિક્ષેપની ઉત્પત્તિ સમજાવવા માટે આ શબ્દપ્રયોગ થાય છે. અગત્યની ઉષ્ણબાષ્પીય પ્રક્રિયાઓ નીચે મુજબ છે :
(i) ટૂર્મેલિનીકરણ (tourmalinisation) : પૂર્વે અસ્તિત્વ ધરાવતાં ખનિજો ઉપર જ્યારે બોરોન સમૃદ્ધ બાષ્પશીલ વાયુઓ પ્રક્રિયા કરે ત્યારે વિવિધ પ્રકારનાં ટૂર્મેલિન, પરિવર્તન-પેદાશો તરીકે તૈયાર થાય છે. ટૂર્મેલિન-સંરચનામાં ધનાયનોની વિવિધતાને કારણે પ્રકારભેદે અલગ અલગ જાતનું ટૂર્મેલિનીકરણ શક્ય બને છે. આથી ગ્રૅનાઇટ કે ગ્રૅનાઇટવત્ ખડકો તેમજ પ્રાદેશિક ખડકો પણ આ ક્રિયાથી અલિપ્ત રહી શકતા નથી. ફેલ્સ્પાર આમ ટૂર્મેલિનમાં રૂપાંતરિત થાય છે.
(ii) ગ્રાઇઝેનીકરણ (greisenisation) : ગ્રૅનાઇટ કે ગ્રૅનાઇટ જેવા ખડકો ઉપર ફ્લોરિનસમૃદ્ધ ઉષ્ણબાષ્પની પ્રક્રિયાને પરિણામે ગ્રાઇઝેન-અબરખસમૃદ્ધ ખડક બને છે. ક્યારેક તે ટોપાઝ અને/અથવા ટૂર્મેલિન પણ ધરાવે છે. આ પ્રક્રિયામાં તૈયાર થતું અબરખ મોટેભાગે પીતરંગી ફ્લોરિનસમૃદ્ધ ગિલ્બર્ટાઇટ અથવા વિરલ પ્રાપ્ત લિથિયમસમૃદ્ધ ઝિનવાલ્ડાઇટ ખનિજ પ્રકારનું હોય છે.
(iii) કેઓલીનીકરણ (kaolinisation) : ગ્રૅનાઇટ કે ગ્રૅનાઇટસમ ખડકોમાં રહેલા ફેલ્સ્પાર ઘટકો ઉપર ઉષ્ણજળબાષ્પની પ્રક્રિયા થતાં નીચે દર્શાવ્યા પ્રમાણે કેઓલીન તૈયાર થાય છે :
ઉપરની ત્રણે પ્રક્રિયાઓ ફેલ્સ્પારને ભોગે થાય છે.
(iv) અયસ્ક ખનિજીકરણ (ore mineralisation) : કલાઈ અને વુલફ્રેમ ઊંચા તાપમાને ફ્લોરિન બાષ્પ સાથે પ્રક્રિયા કરી ફ્લોરાઇડમાં રૂપાંતરિત થાય છે. તાપમાન ઘટતાં તેની જલબાષ્પ સાથે પ્રક્રિયા થતાં તેમના ઑક્સાઇડ બને છે.
આમ, ફ્લોરાઇડ સ્વરૂપે તે સ્થાનાન્તર પામી જલબાષ્પ જોડે પ્રક્રિયા કરી SnO2 અને WO3 જેવાં ઑક્સાઇડ આપે છે. WO3 આ રીતે Fe અને Mn સાથે વળતી પ્રક્રિયા કરી વુલ્ફ્રેમાઇટ (Fe×Mn)WO4 અથવા કૅલ્શિયમ જોડે પ્રક્રિયા કરી શીલાઇટ (CaWO4) આપે છે.
સામાન્યપણે ઉષ્ણજળજન્ય હોવાના મનાતા સંજોગોમાં પણ ઉપરનાં ઘણાંખરાં ખનિજો જોવા મળે છે; જેમ કે પેગ્મેટાઇટ, ખનિજશિરાઓ વગેરે. ઉષ્ણજળજન્ય પ્રક્રિયા કે ઉષ્ણબાષ્પજન્ય પ્રક્રિયા કોઈ પણ ક્રમમાં એક પછી બીજી કે સાથોસાથ પણ થતી હોવાના પુરાવા મળી રહે છે.
ગિરીશભાઈ પંડ્યા