ઉષ્ણતાવિદ્યુત (pyroelectricity) : સ્ફટિકમાં તાપમાનના ફેરફારને કારણે, તેના જુદા જુદા ભાગ ઉપર વિરુદ્ધ પ્રકારના વિદ્યુતભાર ઉત્પન્ન થવાથી ઉદભવતી વિદ્યુત. આ ઘટના સૌપ્રથમ 1824માં ક્વાર્ટ્ઝના સ્ફટિકમાં જોવા મળી. તે ઓછામાં ઓછી એકધ્રુવીય સમમિતિ અક્ષ ધરાવતા અવાહક સ્ફટિકીકૃત (crystallised) પદાર્થો વડે રજૂ થતી હોય છે. [ધ્રુવીયનો અર્થ સમમિતિ કેન્દ્ર (centre of symmetry). વિહીન એટલે કે સામસામેના છેડા પર સ્ફટિકના અલગ અલગ ફલક (faces) આવેલાં હોય]. એકસરખી સંજ્ઞાવાળા વિદ્યુતભાર ઉત્પન્ન થતા હોય છે. વિરુદ્ધ પ્રકારના તાપમાનના ફેરફારો તે જ બિંદુ આગળ વિરુદ્ધ પ્રકારના વિદ્યુતભાર ઉત્પન્ન કરે છે, એટલે કે જો ગરમ કરવાની પ્રક્રિયામાં સ્ફટિકના કોઈ એક ફલક ઉપર ધન વિદ્યુતભાર ઉત્પન્ન થતો હોય તો ઠંડા પડતી વખતે ત્યાં આગળ ઋણ વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે. સ્ફટિકને અચળ તાપમાને રાખવામાં આવે તો વિદ્યુતભાર ધીમેધીમે વિખેરાઈ (dissipation) જાય છે.
જર્મન ભૌતિકશાસ્ત્રી ઑગસ્ટ કુંડે આપેલી રીત પ્રમાણે ઉષ્ણતાવિદ્યુત અને તેને સંબંધિત દાબવિદ્યુત(piezoelectricity)નો અભ્યાસ થયેલો છે. ખૂબ બારીક ભૂકારૂપ સલ્ફર અને રેડલેડ(સિંદુર)ના મિશ્રણને કાપડના પડદામાં થઈને વિદ્યુતભારિત સ્ફટિક પર ફૂંકવામાં આવે છે. પડદામાંથી પસાર થતા ઘર્ષણને લઈને ગંધકના રજકણ ઋણ વિદ્યુતભારિત બની, સ્ફટિકના ધન વિદ્યુતભાર તરફ આકર્ષાય છે, જ્યારે સિંદુર પરનો ધન વિદ્યુતભાર સ્ફટિકના ઋણ વિદ્યુતભાર તરફ જાય છે.
ઉષ્માવિદ્યુત (pyroelectric) થરમૉમિટર વડે વિદ્યુતભારના અલગીકરણને કારણે ઉદભવતી પ્રેરિત (induced) વોલ્ટતા માપીને તાપમાનનો ફેરફાર નક્કી કરી શકાય છે.
ગિરીશભાઈ પંડ્યા