પરીખ, જયંતભાઈ જેઠાલાલ (જ. 2 એપ્રિલ 1940, બાંધણી, જિલ્લો ખેડા) : અતિઆધુનિક ચિત્રકળાના પ્રયોગશીલ અને લોકપ્રિય કળાકાર.

વડોદરાસ્થિત ભારતીય આધુનિક – અતિઆધુનિક સમકાલીન કલાકાર – પેઇન્ટર, પ્રિન્ટમેકર અને મ્યુરાલિસ્ટ એવા જયંત પરીખનું પ્રાથમિક શિક્ષણ વતન બાંધણી ગામે થયું હતું. દાદા અમૃતલાલ અને પિતા જેઠાલાલના સાહિત્યપ્રેમ તથા હસ્તકલાપ્રેમને કારણે ઘરમાં તેમને સાહિત્ય તથા કલાના સંસ્કાર પ્રાપ્ત થયા હતા. 1957માં તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફાઇન આર્ટ્સ વિભાગમાં પ્રવેશ લીધો. અભ્યાસ દરમિયાન ગુરુ શ્રી એન. એસ. બેન્દ્રે, શ્રી કે. જી. સુબ્રમણ્યમ્ અને શ્રી સાંખો ચૌધરી પાસેથી લલિતકળાની તાલીમ પામવાનો મોકો મળ્યો. ત્યાં તેમને વુડકટ ઇન ગ્રાફિક્સ, એચિંગ અને કલરોગ્રાફી જેવા પૂરક અભ્યાસક્રમનો પણ લાભ મળ્યો. કલાવિશ્વને નિહાળવાની તેમની દૃષ્ટિ જ નિરાળી હતી. કલા પ્રત્યેના પ્રેમ  અને સૂક્ષ્મ નિરીક્ષણની ટેવને કારણે તેમની કલાસૂઝ પાંગરી. સમયાંતરે જયંતભાઈએ અમૂર્ત (abstract) ચિત્રકળા હાથવગી કરી.

કોઈ સ્થાપિત શૈલીને અનુસરવાને બદલે તેમણે પોતાની આગવી શૈલી ‘રિધમ’નું સર્જન કર્યું. સદાય લય અને ગતિમાં રાચતા જયંતભાઈએ કુદરતની કમાલમાં પણ લય અને ગતિની અનુભૂતિ કરી, તેને ચિત્રોમાં સ્થાન આપ્યું. તેઓ સ્થળ ઉપર જ કાગળ, કૅન્વાસ, પેન્સિલ, રંગો, પીંછી આદિ સામગ્રીસહ પહોંચી જાય  અને પછી સ્ટુડિયોમાં એ સ્મૃતિચિત્રોને મઠારે છે. કલામાત્રમાં રસ ધરાવનાર શ્રી જયંતભાઈને સાહિત્ય, સંગીત, નૃત્ય-નાટ્ય અને ઉત્સવોમાં પણ રસ-રુચિ છે.

તેમનાં ચિત્રોમાં કુદરતી તત્ત્વો, સ્થાપત્યો, શિલ્પો, માનવપાત્રો, પશુ-પક્ષી ઉપરાંત અન્ય સજીવ-નિર્જીવ પાત્રોની – પદાર્થની ખાસ ઉપસ્થિતિ વિવિધ અંદાજમાં જોવા મળે. જીવનની ધબકતી ક્ષણોના નિરૂપણમાં પાત્રો ગતિશીલ અને લયબદ્ધ જણાય. પાતળાં, નાજુક પાત્રોનું મહત્ત્વ ત્યારે વધી જાય જ્યારે ચિત્રોમાં અવકાશ(સ્પેસ)નું આયોજન હોય. તેને લીધે જ ગતિ, સૌંદર્ય અને લયમાધુર્ય અનુભવાય. જયંતભાઈ ઝીણી રેખાઓના કસબી છે. રંગોની કોઈ મર્યાદા નહિ. નીતિ-નિયમ પણ નહિ. બહુરંગી લિબાસમાં કુદરત સહિત પ્રત્યેક પાત્ર ડોલનશૈલીમાં ઝૂમી ઊઠતું વાતાવરણ ગજવે. ‘મલ્ટિમીડિયા’ની મિજબાનીનો સંદેશો મળે.

દેશ-વિદેશની આર્ટ ગૅલરીમાં તેમના એકસોથી વધારે ગ્રૂપ શો અને સોલો શો થયા છે. તેમનાં કેટલાંક મૂલ્યવાન ચિત્રો દેશ-વિદેશનાં અનેક સંગ્રહાલયો અને ગૅલરીમાં કાયમી ધોરણે પ્રદર્શિત કરવામાં આવ્યાં છે. દિલ્હીની લલિતકલા અકાદમી, મુંબઈના છત્રપતિ શિવાજી સંગ્રહાલય, વડોદરાના આર્ટ મ્યુઝિમય ઉપરાંત અનેક ખાનગી સંગ્રહાલયોમાં આ કલાકારનું કલાકર્મ શોભે છે. મુંબઈની તાજમહાલ પૅલેસ હોટલમાં કેન્હેરી ગુફાના સ્થાપત્યનું ચિત્ર જોવા મળે. અમેરિકાના કેન્સાસ રાજ્યના મેનહટ્ટન સિટીમાં દરિયાકિનારે ‘બીચ મ્યુઝિયમ’માં પ્રકૃતિપ્રેમ નિરૂપિત ચિત્રને રસિકો માણી શકે છે.

તેમણે ‘મૉડર્ન આર્ટ’ ચિત્રોની શ્રેણી આપી છે. તેના નમૂના આપણને નવી દિલ્હીની નૅશનલ ગૅલરી ઑફ મૉડર્ન આર્ટમાં, મુંબઈ અને બૅંગાલુરુની મૉડર્ન આર્ટ ગૅલરીઝમાં પણ કાયમી ધોરણે જોવા મળે.

આધુનિક ચિત્રકલાક્ષેત્રે એમણે કરેલા વિપુલ પ્રદાન બદલ તેઓ વિશ્વસ્તરે પોંખાયા છે. ચાળીસેક જેટલા ઍવૉર્ડ્ઝ અને માન-સન્માનથી તેઓ નવાજાયા છે. જર્મનીના લિપઝિંગમાં તો તેમને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે. ગુજરાત ગૌરવ પુરસ્કાર ઉપરાંત ભારત સરકાર તરફથી અને મહારાજા રણજિતસિંહ ગાયકવાડની સ્મૃતિમાં એમ બે વાર ‘રાજા રવિ વર્મા’ ઍવૉર્ડ મળ્યો છે. વધુમાં, ભારત સરકારે તેમને બે વાર શિષ્યવૃત્તિઓ આપી પ્રોત્સાહન આપ્યું હતું.

કલાક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તેમનું માનભર્યું સ્થાન છે તે આપણા માટે ગૌરવની વાત છે.

સુધા ભટ્ટ