ઉષ્ણતા-દાબજન્ય વિકૃતિ

January, 2004

ઉષ્ણતા-દાબજન્ય વિકૃતિ (dynamo-thermal metamor-phism) : અગ્નિકૃત અને જળકૃત ખડકો ઉપર ઉષ્મા તથા દાબની સંયુક્ત અસરથી પેદા થતી વિકૃતિ. આ પ્રકારની વિકૃતિની અસર વિશાળ ખડકવિસ્તારોમાં જોવા મળતી હોવાથી તે પ્રાદેશિક વિકૃતિ તરીકે પણ ઓળખાય છે. આ પ્રકારની વિકૃતિપ્રક્રિયા હિમાલય અને અરવલ્લી જેવી ગિરિનિર્માણની ક્રિયા સાથે સંકળાયેલ ખડકોમાં જોવા મળે છે. ઉષ્ણતાદાબજન્ય વિકૃતિની અસર વિશાળ ખડકવિસ્તારોમાં દર્શાવતી માહિતી માટે નીચેનું ઉદાહરણ ઉપયોગી બને છે.

ઉષ્ણતા-દાબજન્ય વિકૃતિની પ્રક્રિયા દરમિયાન 300o-400o સે.થી માંડીને 700o-800o સે. ઉષ્ણતામાન પ્રવર્તમાન હોય છે. ભૂગર્ભીય કિરણોત્સારી ગુણધર્મને કારણે તેમજ ભૂમધ્યાવરણ(mantle)માંથી ગરમીના વહનને કારણે ઉષ્ણતામાનના આ પ્રકારના સંજોગો ઉદભવતા હોવાનું માનવામાં આવે છે. દાબની ઉગ્રતા 2,000-3,000 બાર(1 બાર = 106 ડાઇન/સેમી.2)થી માંડીને 8,000 બાર સુધીની હોય છે. ઉષ્ણતા-દાબજન્ય વિકૃતિ દરમિયાન દાબ તેમજ ઉષ્ણતામાન બંનેની સંયુક્ત અસર થતી હોવાથી ઉષ્ણતામાનને કારણે ખડકોની પુન:સ્ફટિકીકરણની ક્રિયા બને છે અને દાબની અસરને કારણે ખડકોના બંધારણમાં રહેલાં ખનિજોની સમાંતર ગોઠવણી ઉદભવે છે. પરિણામે આ સંજોગો હેઠળ ઉત્પન્ન થતા ખડકોમાં પુન:સ્ફટિકીકરણ કણરચના, પત્રબંધ (schistose) તેમજ નાઇસોઝ સંરચનાઓ અસ્તિત્વમાં આવે છે. આ પ્રકારની વિકૃતિપ્રક્રિયાથી વિવિધ પ્રકારના મૂળ ખડકોમાંથી સ્લેટ, ફીલાઇટ, શિસ્ટ, નાઇસ, ક્વાર્ટ્ઝાઇટ અને આરસપહાણ જેવા વિકૃત ખડકો ઉત્પન્ન થાય છે.

વ્રિજવિહારી દીનાનાથ દવે