અડિલાબાદ(Adilabad) જિલ્લો :તેલંગણા રાજ્યના 33 જિલ્લામાંનો એક જિલ્લો.
ભૌગોલિક સ્થાન – આબોહવા – અર્થતંત્ર : આ જિલ્લો 19 40´ ઉ. અ. અને 78 31´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. તેનો વિસ્તાર 16,128 ચો. કિમી. છે. આ જિલ્લાની ઉત્તરે મહારાષ્ટ્રના યવતમાલ અને ચંદ્રપુર જિલ્લા, પૂર્વે કોમરામ ભીમ જિલ્લો, નૈઋત્યે મનચેરિયલ જિલ્લો, દક્ષિણે નિરમલ જિલ્લો અને પશ્ચિમે મહારાષ્ટ્ર રાજ્યનો નાંદેડ જિલ્લો સીમા રૂપે આવેલા છે.
આ જિલ્લાની મુખ્ય નદીઓ ગોદાવરી અને પેનગંગા છે. આ સિવાય અન્ય નદીઓ પણ વહે છે. નિઝામના શાસનકાળમાં માવલા સરોવરનું નિર્માણ થયું હતું. જે અડિલાબાદથી દક્ષિણે 6 કિમી. દૂર આવેલું છે. આ જિલ્લામાં કુન્તાલા, પોચેરા, ગાયત્રી, કનકઈ, ખંડાલા જળધોધ આવેલા છે. આ સિવાય સપથા ગુન્ડાલા અને બીજા નાના જળધોધ આવેલા છે.
પ્રવાસીઓ આ કુદરતી જળધોધ જોવા માટે તેમજ જંગલોમાં ટ્રૅકિંગ માટે પણ આવે છે.
ઉનાળાનું તાપમાન 41 સે.થી 20 સે., શિયાળાનું તાપમાન 32 સે.થી 13 સે. જેટલું અનુભવાય છે. ચોમાસુ જૂનથી ડિસેમ્બર માસ સુધી રહે છે. આ જિલ્લો ભૂમિબંદિસ્ત અને અંતરિયાળ ભાગમાં હોવાથી વરસાદ સરેરાશ 300થી 440 મિમી. જેટલો પડે છે.
ભારતના 250 જેટલા સૌથી આર્થિક પછાત જિલ્લાઓમાંનો એક છે. આમ જોઈએ તો ભારતમાં પછાત જિલ્લાની સંખ્યા 640 છે. આ જિલ્લાને સરકાર તરફથી Backward Regions Grant Fund programme ફંડ આપવામાં આવેલ છે. ખેતી અને પશુપાલન પ્રવૃત્તિ જોવા મળે છે.
વસ્તી : ભારતની વસ્તીગણતરી મુજબ આ જિલ્લાની વસ્તી 7,08,972 (2011 મુજબ) છે. અહીં સાક્ષરતાનું પ્રમાણ આશરે 63% છે. અહીં આદિવાસી વસ્તી 99,422 જ્યારે પછાત વસ્તી 2,24,622 છે. શહેરી વસ્તી આશરે 24% છે. હિન્દુઓની વસ્તી 84% છે. આ સિવાય મુસ્લિમ અને બૌદ્ધ લોકો પણ વસે છે. અહીંના લોકોની ભાષા તેલુગુ છે. આ સિવાય મરાઠી, ગોન્ડી, ઉર્દૂ, હિન્દી અને સ્થાનિક ભાષા પણ બોલાય છે.
ઇતિહાસ : આ જિલ્લો અગાઉ એડલાબાદ તરીકે ઓળખાતો હતો. બિજાપુરના સુલતાન અલી-અડિલ શાહના નામ ઉપરથી આ જિલ્લો ઓળખાતો હતો. આ જિલ્લા ઉપર મૌર્ય, શતાવહાનાસ, ગોન્ડ રાજાઓનું પ્રભુત્વ હતું.
2016ના ઑક્ટોબર માસમાં અડિલાબાદ જિલ્લાને અડિલાબાદ, કોમરામ ભીમ આફિસાબાદ, મનચેરિયલ અને નિરમલ જિલ્લામાં વિભાજિત કરવામાં આવેલ છે.
આ જિલ્લામાં આદિવાસીઓની સંખ્યા અધિક છે. જેમાં ગોન્ડ, કોલમ, પ્રધાન અને થોટિસ જાતિના મુખ્ય છે. વહીવટી સુગમતા ખાતર આ જિલ્લાને 19 મંડલમાં વિભાજિત કરેલ છે.
અડિલાબાદ (શહેર) : આ શહેરનો વિસ્તાર આશરે 35.5 ચો. કિમી. છે. સમુદ્રની સપાટીથી આશરે 264 મી.ની ઊંચાઈએ આવેલો છે. આ શહેરની વસ્તી 1,39,383 (2021 મુજબ) છે. આ શહેરમાં સાક્ષરતાનું પ્રમાણ આશરે 44% છે. પુરુષોની સંખ્યા 59,448 જ્યારે સ્ત્રીઓની સંખ્યા 57,719 છે.
આ શહેરમાં શૈક્ષણિક સંસ્થાઓનું પ્રમાણ વધુ છે. રાજીવ ગાંધી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ સંસ્થા આવેલી છે.
આ શહેરમાંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 44 પસાર થાય છે. હૈદરાબાદ અને અડિલાબાદ વચ્ચે 310 કિમી.નું અંતર છે. જ્યારે નાગપુર 196 કિમી. દૂર છે. તેલંગણા રાજ્ય પરિવહનની સગવડતા રહેલી છે. અહીંનું બસસ્ટેશન રાજ્યના મુખ્ય શહેરો સાથે સંકળાયેલું છે. જેમ કે, હૈદરાબાદ, કરીમનગર, વારંગલ, નિઝામાબાદ, ખમ્મામ. આ સિવાય આંધ્રપ્રદેશના ગુંતુર, વિજયવાડા, જ્યારે મહારાષ્ટ્રના નાગપુર શહેર સાથે બસ સેવાથી સંકળાયેલ છે. અડિલાબાદ દક્ષિણ-મધ્ય રેલમાર્ગનું મહત્ત્વનું સ્ટેશન છે.
નીતિન કોઠારી