ઉરુબ (જ. 8 જૂન 1915 કેરાલા; અ. 11 જુલાઈ 1979 કોટ્ટાયમ, કેરાલા) : ઉત્કૃષ્ટ કોટિના મલયાળમ નવલકથાકાર અને નવલિકાકાર. મૂળ નામ પી. સી. કુટ્ટીકૃષ્ણ. એમણે સાહિત્યલેખનની શરૂઆત કાવ્યરચનાથી કરેલી. તે નાનપણમાં જાણીતા મલયાળમ કવિ વલ્લાથોલના સંપર્કમાં આવ્યા હતા. એમની પ્રેરણાથી તેમણે લખવાનું શરૂ કરેલું. તેમની કવિતા વલ્લાથોલ જોઈ જતા અને સુધારતા. એમનાં કાવ્યો કેરળનાં પ્રતિષ્ઠિત સામયિકોમાં પ્રગટ થવા માંડ્યાં અને કવિ તરીકે એમને સારી પ્રતિષ્ઠા પણ મળી. તેમ છતાં ઉરુબ કવિતા છોડીને નવલકથા તરફ વળ્યા. થોડા સમયમાં જ એમણે એ ક્ષેત્રમાં સારી સિદ્ધિ દેખાડીને અગ્રગણ્ય વાર્તાકાર તરીકે નામના મેળવી. એમના 20 નવલિકાસંગ્રહો પ્રગટ થયા છે. 1950માં એમણે ધારાવાહિક નવલકથા લખવાની શરૂઆત કરી. એમની આઠ નવલકથાઓ પ્રગટ થઈ છે અને કેટલાંક નાટકો પણ પ્રગટ થયાં છે. ‘ઉમ્માચ્ચુ સુંદરીકળુમ’ અને ‘સુન્દરમારુમ’ એટલે કે ‘સુંદર સ્ત્રીઓ અને સુંદર પુરુષો’ એ કેરળ નવલકથાસાહિત્યમાં ઉચ્ચ સ્થાન ધરાવે છે. ‘સુંદરીકળુમ’ માટે એમને 1961માં સાહિત્ય અકાદમી પુરસ્કાર મળેલો. ‘મંગલોદયમ્’ નામનું એક સાહિત્યિક સામયિક પણ એમણે શરૂ કરેલું. આ ઉપરાંત ‘મલયાળમ મનોરમા’ અને ‘કુમકુમમ્’ નામનાં સાપ્તાહિકોના તેઓ તંત્રી હતા. જિંદગીનાં છેલ્લાં થોડાં વર્ષો આકાશવાણીના સંચાલક હતા.
અક્કવુર નારાયણન્