ઉમરાવસભા : ઇંગ્લૅન્ડની દ્વિગૃહી સંસદવ્યવસ્થાનું ઉપલું ગૃહ. ઇંગ્લૅન્ડમાં લોકશાહી પર આધારિત સંસદીય વ્યવસ્થા અમલમાં આવી તે પૂર્વે નિરંકુશ રાજ્યસત્તા ભોગવતા રાજાઓ પોતાની મરજી મુજબ કેટલાક ઉમરાવોને સલાહસૂચન કે ચર્ચાવિચારણા માટે આમંત્રિત કરતા હતા. કાળક્રમે આ વ્યવસ્થા ઔપચારિક સ્વરૂપ પામી. તેરમા અને ચૌદમા શતકમાં તે સંસદના નક્કર અને વિશિષ્ટ અંગભૂત તત્વ તરીકે ઊપસી આવી.
સંસદના આ ઉપલા ગૃહમાં ચાર પ્રકારના સભ્યો હોય છે : (1) કૅન્ટરબરી તથા યૉર્કના મુખ્ય ધર્માધ્યક્ષો; ડરહૅમ, લંડન અને વિંચેસ્ટરના ધર્માધ્યક્ષો, ઉપરાંત અન્ય વિશિષ્ટ મોભો ધરાવતા 21 ધર્માધ્યક્ષો. (2) ઇંગ્લૅન્ડ, સ્કૉટલૅન્ડ તથા સામ્રાજ્યના અન્ય પ્રદેશોમાંના વારસાગત ઉમરાવો (ડ્યૂક્સ, માર્ક્વિસ, અર્લ્સ, વાયકાઉન્ટ્સ અને બૅરન્સ). (3) સર્વોચ્ચ ન્યાયતંત્રના ન્યાયમૂર્તિઓ. (4) 1958ના કાયદા મુજબ (Life Peerages Act) જેમને આજીવન ઉમરાવપદ બક્ષવામાં આવ્યું છે તે ઉમરાવો. આ બધાની કુલ સંખ્યા હવે 1,170 ઉપરાંતની છે.
આ ગૃહના સભ્ય જ્યાં સુધી સ્વેચ્છાથી પોતાનું ઉમરાવપદ જતું ન કરે ત્યાં સુધી તે આમસભા, એટલે કે નીચલા ગૃહ માટેની ચૂંટણીમાં ઉમેદવારી કરી શકતા નથી.
ઉમરાવસભાનાં કાર્યક્ષેત્ર તથા સત્તા 1911 તથા 1949ના સંસદીય કાયદા દ્વારા નિર્ધારિત થયાં છે. કાયદા ઘડવા અંગેની આ ગૃહની સત્તા ખૂબ જ મર્યાદિત છે. કોઈ કાયદો નામંજૂર કે નિરર્થક કરવાનો તેનો નિષેધાધિકાર (power of veto) 1911ના કાયદાના અન્વયે નાબૂદ કરવામાં આવ્યો છે. નાણાકીય ખરડાઓની રજૂઆતનો પ્રારંભ આ ગૃહમાં થઈ શકતો નથી. માત્ર બિનનાણાકીય ખરડાઓનો પ્રારંભ ત્યાં થઈ શકે છે. ઉપરાંત, આમસભામાંથી આવેલા નાણાકીય સિવાયના ખરડાઓમાં પણ ઉમરાવસભાને માત્ર ઔપચારિક સત્તા જ છે. નાણાકીય ખરડાઓનો પ્રારંભ કરવાની, તેમાં સુધારાવધારા સૂચવવાની તથા તેને માન્ય કે અમાન્ય કરવાની સત્તા માત્ર આમસભા (House of Commons) અર્થાત્ સંસદના નીચલા ગૃહને જ છે. પોતાની સત્તાની મર્યાદામાં રહીને બંને ગૃહો જે ખરડાઓ પસાર કરે છે તે શાહી સંમતિ માટે મોકલવામાં આવે છે. તેમ છતાં ઇંગ્લૅન્ડની સંસદીય વ્યવસ્થામાં ઉમરાવસભા મહત્વનું સ્થાન તથા મોભો ધરાવે છે. આમસભામાં વિસ્તારથી ન ચર્ચાયેલા ખરડાઓનાં વિવિધ પાસાંઓની વિસ્તારથી ચર્ચા કરી તે કેટલીક વાર આમસભાને પણ દિશાસૂચન કરી શકે છે. ક્ષતિપૂર્ણ ખરડાઓમાં સુધારાવધારા સૂચવી તે આમસભાને વાકેફ કરી શકે છે તથા દેશને સ્પર્શતા મહત્વના બિનનાણાકીય પ્રશ્નો અંગે કાયદાઓ ઘડવા માટેની પહેલ પણ કરી શકે છે. ઉમરાવસભાનું માળખું રાજકીય પક્ષોથી પર હોવાથી રાજકીય પક્ષોનાં બંધનોની મર્યાદાઓ વિના તે સમગ્ર રાષ્ટ્રના હિતના પ્રશ્નોના નિરપેક્ષ નિરાકરણ માટેનું ચર્ચાસ્થાન (forum) બની રહે છે. ઉમરાવસભાના સભ્યોનો અંગત પ્રભાવ, નૈતિક બળ તથા મોભો આ ગૃહની સત્તાના સાચા સ્રોત છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે