ઉપજાતીયતા (subspeciation) : એક જ જાતિ (species)ના હોવા છતાં પ્રાકૃતિક પસંદગીની અસર હેઠળ, વિવિધ જૂથોમાં વહેંચાઈ જવું તે. બે જૂથના સભ્યો વચ્ચેના સહવાસથી અવંધ્ય સંતાનો પેદા થતાં હોય અને કાળક્રમે આ જૂથો એકબીજાં સાથે મિલન પામી શકતાં હોય તો એ તમામ જૂથોના સભ્યો એક જ જાતિનાં ગણાય છે. શરૂઆતમાં અવરોધો (barriers) ઊભા થતાં જૂથો વચ્ચેનો સંપર્ક અશક્ય બને છે અને તેમની વચ્ચેની ભિન્નતા વધતી જાય છે. કાળક્રમે વિવિધ જૂથોમાં એક જ જાતિનાં સંતાનો વહેંચાઈ જતાં ઉપજાતિ ઉદભવ પામે છે. આંબાની ઉપજાતિઓ તરીકે આફૂસ, કેસર, લંગડો, રાજાપુરી, દશેરી ગણાય છે. આલ્સિશિયન, સ્પેનિયલ, લૅબ્રાડોર, ગ્રેહાઉંડ જેવી વિવિધ ઉપજાતિઓનાં કૂતરાંને માણસ શોખથી પાળે છે. ઉપજાતિનિર્માણની ઘટનાને જાતિવૃત્તીય ઉત્ક્રાન્તિ (phyletic evolution) તરીકે પણ વર્ણવવામાં આવે છે.
રમણલાલ ભીમભાઈ પટેલ