ફ્લોગોપાઇટ : અબરખ વર્ગનું ખનિજ. રાસા. બં. : KMg3AlSi3O10(OH)2. સ્ફ. વ. : મૉનૉક્લિનિક, હેક્ઝાગોનલ. સ્ફ. સ્વ. : સ્ફટિકો પ્રિઝમૅટિક, છેડાઓ પાતળા થતા જાય; સ્ફટિકો મોટા અને સ્થૂળ; તકતીઓ અને ભીંગડાં સ્વરૂપે પણ મળે. યુગ્મતા (001) ફલક પર, યુગ્મ-અક્ષ (310); પારદર્શકથી પારભાસક. સંભેદ : (001) પૂર્ણ. ભંગસપાટી : સપાટ, સુંવાળી. ચમક : મૌક્તિક, સંભેદસપાટીઓ ક્યારેક આછી ધાતુમય ચમક બતાવે. રંગ : મોટેભાગે પીળા-કથ્થાઈથી કથ્થાઈ લાલ; રંગવિહીન – સફેદ. પારગત પ્રકાશમાં તે ક્યારેક તારકસમ અસર બતાવે. ચૂર્ણરંગ : રંગવિહીન. કઠિનતા : 2થી 2.5. વિ. ઘ. : 2.76થી 2.90. પ્રકા. અચ. : α = 1.530થી 1.590, β = 1.557થી 1.637, γ = 1.558થી 1.637. પ્રકા. સંજ્ઞા : –Ve, 2V = 0°થી 15°. પ્રાપ્તિસ્થિતિ : મુખ્યત્વે વિકૃતિજન્ય ચૂનાખડકોમાં અને અલ્ટ્રાબેઝિક ખડકોમાં મળે. પ્રાપ્તિસ્થાનો : યુ.એસ., કૅનેડા, સ્વીડન, ઇટાલી, સ્વિટ્ઝર્લૅન્ડ, રૂમાનિયા, ફિનલૅન્ડ, રશિયા, દક્ષિણ આફ્રિકા, માડાગાસ્કર, શ્રીલંકા, ભારત, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ.
ઉપયોગ : ઉંચા ઉષ્ણતામાને ફ્લોગોપાઇટનો ઉપયોગ ધાતુ ઓગાળવાની ભઠ્ઠીમાં ઓવન ને લગતી બારીઓમાં અને ચમકવાળા સૌન્દર્ય પ્રસાધનોમાં વાપરવામાં આવે છે.
ગિરીશભાઈ પંડ્યા