ફ્લૉક્સ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા પૉલિમૉનિયેસી કુળની એક શોભન પ્રજાતિ. તેની Phlox drummondii જાતિ જાણીતી છે.
30થી 35 સેમી. ઊંચો થતો આ છોડ વાર્ષિક (મોસમી) ફૂલો માટે ખૂબ જાણીતો છે. ગુજરાતની આબોહવામાં તે શિયાળુ છોડ તરીકે થાય છે. આખો છોડ 3થી 4 સેમી. પહોળાં રંગબેરંગી ફૂલોથી ભરાઈ જાય છે. તે ખૂબ આકર્ષક લાગે છે. આ છોડ ઉછેરવા માટે પ્રથમ તેનું ધરુ કરીને પછી 3થી 4 અઠવાડિયાં બાદ કાયમી ક્યારામાં એક એક વેંતને અંતરે રોપવામાં આવે છે. ક્યારામાં રોપ્યા પછી લગભગ દોઢ-બે મહિને તેની ઉપર ફૂલ આવે છે અને એ ફૂલ દોઢ-બે મહિના ટકે છે; પછી એનાં બીજ એકઠાં કરી લેવામાં આવે છે. વંશવૃદ્ધિ બી રોપીને થાય છે.
ફૂલોમાં ઘણી જાતના રંગો જોવા મળે છે. ‘સ્ટાર’ નામની જાતમાં ફૂલોની પાંખડીઓમાંથી તારાની માફક ચારેય બાજુ ફૂટ હોય છે એની આગવી શોભા હોય છે. ફૂલોમાં પણ કેટલાંક મોટા, કેટલાંક મધ્યમ અને કેટલાંક નાના કદનાં એમ ત્રણ જુદી જુદી જાતોનાં જોવા મળે છે.
ફ્લૉક્સને પાણી પ્રમાણસર જ જોઈએ છે. વધારે પાણી મળે તો છોડ કોહવાઈ જવાની શક્યતા રહે છે.
આ છોડને કૂંડામાં પણ સહેલાઈથી ઉછેરી શકાય છે. કૂંડામાં તેના કદ પ્રમાણે 3થી 4 છોડ રોપવાથી તે ભરાવદાર લાગે છે.
કોઈ કોઈ વખત છોડની ટોચની ડાળીઓ થોડી થોડી કાપી નાખવાથી છોડ બરોબર રીતે ભરાવદાર થાય છે.
ફ્લૉક્સની એક બહુવર્ષાયુ જાતિ P. decussata છે. આ છોડ 40થી 50 સેમી. ઊંચો થાય છે. ગુજરાતની આબોહવામાં આ જાતિ સારી રીતે થઈ શકતી નથી. એને થોડું ઠંડું હવામાન વધારે અનુકૂળ આવે છે. વળી એની ઉપર રોગ કે જીવાત લાગવાની પણ વધારે શક્યતા રહે છે.
મ. ઝ. શાહ