ગુજરાત ભૂગોળ મંડળ : ગુજરાત ભૂગોળ મંડળ (ગુજરાત જિયોગ્રાફિકલ ઍસોસિયેશન – GGA) ગુજરાતના ભૂગોળશાસ્ત્રીઓની એક નોંધાયેલ વ્યાવસાયિક સંસ્થા. જેની સ્થાપના સન 1984માં સ્વર્ગસ્થ પ્રોફેસર અંબુભાઈ દેસાઈ, વી. જી. દલાલ, એન. જી. પરીખ, કે. જે. પટેલ(ગાંધીનગર), પ્રાધ્યાપક ડૉ. અંજના દેસાઈ, કે. એન. જસાણી અને ડૉ. કે. એમ. કુલકર્ણીના અથાગ પ્રયત્નોથી નિર્માણ પામી છે. આ સંસ્થા સમયાંતરે અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર, પાટણ અને વિદ્યાનગર ખાતે દ્વિવાર્ષિક પરિષદોનું આયોજન કરે છે. આસંસ્થાની પ્રવૃત્તિઓના ભાગરૂપે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સભ્યો માટે વર્કશૉપ, નિષ્ણાતોનાં પ્રવચનો અને જીઓ-ક્વિઝનું આયોજન પણ કરે છે. આ સંસ્થામાં અંદાજે 250થી વધુ આજીવન સભ્યો છે. આ મંડળની કામગીરી તેના સભ્યોના સહકાર અને પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગીદારી પર નિર્ભર છે.
ગુજરાત રાજ્યમાં અને દેશમાં પર્યાવરણ, સમાજ અને વિકાસને લગતા પ્રશ્નો છે જેના સંદર્ભમાં ભૂગોળશાસ્ત્રીનું માર્ગદર્શન જરૂરી બન્યું છે. કૉલેજોમાં અને શાળાઓમાં વિદ્યાર્થીઓ ભૂગોળ વિષયનું મહત્વ સમજે તે માટે આ મંડળ દ્વારા વિવિધ સંસ્થાઓમાં સેમિનારનું આયોજન પણ કરે છે. GPSC અને UPSCના વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન પણ આપે છે.
આ સંસ્થા સાથે ગુજરાત યુનિવર્સિટી, એમ. એસ. યુનિવર્સિટી, સરદાર પટેલ યુનિવર્સિટી, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી તેમજ ચારુતર વિદ્યામંડળનો ભૂગોળ વિભાગ સંકળાયેલ છે.
મહેશ પટેલ
નીતિન કોઠારી