ઠાકોર, મધુકર કૃષ્ણલાલ (જ. 30 સપ્ટેમ્બર 1921, અમદાવાદ; અ. 30 ઑક્ટોબર 2002, અમદાવાદ) : ગુજરાતની અનેક અદ્યતન ઇમારતોના મૌલિક દૃષ્ટિ ધરાવતા આર્કિટેક.
તેમના પિતા કૃષ્ણલાલે થાણાના ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટ, કચ્છની હાઇકોર્ટ અને જામનગરની કોર્ટના જજ તરીકે સેવા આપી હતી. તેઓ ખંભાતના દીવાન હતા. તેમણે શિરોહીના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી. મધુકર ઠાકોરનું શાળેય શિક્ષણ કાંકરિયા વિસ્તારમાં આવેલી ધ પ્રોપ્રાયટરી હાઇસ્કૂલમાં થયું હતું. તેમણે 1937માં મેટ્રિક્યુલેશન પરીક્ષા પાસ કરી હતી. એમણે 1948માં મુંબઈની સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટ્સમાંથી ગવર્નમેન્ટ ડિપ્લોમા ઇન આર્કિટેક(G. D. Arch) પદવી પ્રાપ્ત કરી. એ પછી તેઓ ફેલો ઑફ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ આર્કિટેક (F.I.I.A.), ફેલો ઑફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ વેલ્યુઅર (F.I.V.), ફેલો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્ટ્રક્ચર એન્જિનિયર (F.I.S.E.) થયા. તેમણે 1948માં સ્વિટ્ઝર્લૅન્ડની મેસર્સ વોલ્કાટ બ્રધર્સમાં કન્સલ્ટિંગ આર્કિટેક તરીકે કાર્ય કર્યું. એમણે 1955માં મુંબઈ કાર્યાલયની દેખરેખ રાખનારા સ્વ. શ્રી બી. જી. ભટ્ટ સાથે ભાગીદારીમાં અમદાવાદ અને મુંબઈ ખાતે મેસર્સ આર્કિટેક્ચરલ કૉર્નરના નામે કંપની શરૂ કરી. ગુજરાતના બધા જ પ્રોજેક્ટ મધુકર ઠાકોર સ્વતંત્રપણે સંભાળતા હતા.
તેઓ સ્વભાવે નમ્ર અને જીવનમાં પ્રામાણિક હતા અને મૂલ્યોને ખૂબ મહત્ત્વ આપતા હતા. Service through profetionએ તેમનો જીવનમંત્ર હતો. તેમણે કેટલાંય સાર્વજનિક કામો વિનામૂલ્યે કરી આપ્યા હતા. તેઓ એસ્ટેટ ડ્યુટી વેલ્થ ટેક્ષના વેલ્યુઅર હોવાથી મૃત્યુ પામેલી વ્યક્તિના સર્ટિફિકેટ કોઈ પણ પ્રકારની ફી લીધા વિના તૈયાર કરી આપતા.
1928માં અમદાવાદ શહેર ગૃહનિર્માણ ક્ષેત્રે ક્રાંતિ કરી રહ્યું હતું. તે સમયે ગૃહનિર્માણ માટે સામાન્ય પ્રજામાનસ આર્કિટેકની ડિઝાઇન કે માર્ગદર્શનની જરૂર સ્વીકારતું ન હતું. આથી આર્કિટેકનો સ્વતંત્ર વ્યવસાય ખૂબ કઠિન હતો. પરંતુ મધુકરભાઈએ પ્રીતમનગરના મુખ્ય માર્ગે ‘શારદ’ નામનો સમગ્ર વિસ્તારમાં જુદી ભાત પાડતો આકર્ષક, નયનરમ્ય અને સુખ સગવડવાળા બંગલાની ડિઝાઇન કરી. એ પછી તેમના વ્યવસાયને પ્રોત્સાહન મળ્યું. તેમણે મધ્યમ, ઉચ્ચ મધ્યમ અને શ્રીમંત વર્ગ માટે 500 કરતાં વધુ અદ્યતન બંગલા ડિઝાઇન કર્યા હતા. તેઓ કોઈપણ બંગલાની ડિઝાઇન કરતા ત્યારે ઘરના બધા સભ્યોની સાથે ચર્ચા કરતા. નાની-મોટી વ્યક્તિઓની જરૂરિયાતો સંતોષાય તેવા પ્રયત્નો કરતા.
તેમણે કેટલાય ફ્લેટ્સ અને એપાર્ટમેન્ટ્સની પણ ડિઝાઇન કરી હતી. તેમણે ડિઝાઇન કરેલા ટેક્સટાઇલ સેન્ટનરી એક્ઝિબિશનનું ઉદ્ઘાટન તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ કર્યું હતું. તેમણે રાજકોટ ખાતે આવેલ રામકૃષ્ણ મિશન મંદિરની ડિઝાઇન કરી હતી અને દસ વર્ષ સુધી મંદિરના બાંધકામ દરમિયાન તેમણે દેખરેખ રાખી હતી. આ કામ તેમણે નિઃશુલ્ક કર્યું હતું. આ ઉપરાંત તેમણે રાજકોટમાં જ્યાં ગાંધીજી અને શ્રીમદ્ રાજચંદ્ર આધ્યાત્મિક ચર્ચા કરતા હતા તે ચોતરાની બાજુમાં શ્રીમદ્ રાજચંદ્ર મંદિરનું નિર્માણ કર્યું હતું.
મોરબીની પૂર હોનારત પછી આખું વનાલિયા ગામ તબાહ થઈ ગયું હતું. નાશ પામેલા આ ગામના પુનર્નિર્માણની જવાબદારી શ્રી રામકૃષ્ણ મિશન, રાજકોટે લીધી હતી. આ કામની જવાબદારી શ્રી મધુકરભાઈને સોંપવામાં આવી. એમણે સેવાભાવથી ડિઝાઇન તૈયાર કરી આપી હતી. નવું વનાલિયા ગામ ઊંચી સપાટી પર બાંધવામાં આવ્યું. આ ગામમાં 182 મકાનો, પ્રાથમિક અને માધ્યમિક શાળા, દવાખાનું, પુસ્તકાલય, મંદિર વગેરેનું નિર્માણ કર્યું. તેનું ઉદ્ઘાટન તત્કાલીન વડાપ્રધાન ઇંદિરા ગાંધીએ કર્યું હતું.
આ ઉપરાંત તેમણે અમદાવાદમાં આશ્રમ રોડ ઉપર આવેલ નટરાજ સિનેમા, ગાંધીબ્રિજ પાસે આવેલ દિનેશ હોલ અને રાજકોટમાં આવેલ ઢેબરભાઈ હોલ, ધંધુકાના ટાઉન હોલની ડિઝાઇન કરી હતી. કલ્પના અને અલંકાર ટૉકીઝનું રીનોવેશન કર્યું હતું. જ્યાં અત્યારે ઇન્કમટેક્સ ઑફિસ છે એ ઇન્ડિયન કો-ઑપરેટિવ ઇન્સ્યોરન્સ બિલ્ડીંગ, લાલ દરવાજા પાસે આવેલી યુનાઇટેડ બૅન્ક ઑફ ઇન્ડિયા, રિલીફ રોડ પરની ગુજરાત સ્ટેટ કો-ઑપરેટિવ યુનિયન, નડિયાદની મર્કેન્ટાઇલ કો-ઑપરેટિવ બૅન્ક, સાણંદ કો-ઑપરેટિવ બૅન્કની પણ તેમણે ડિઝાઇન કરી હતી. વાડજમાં આવેલ રેડક્રોસ બિલ્ડીંગના નિર્માણમાં વચ્ચે આવતું મોટું વૃક્ષ જેમનું તેમ રાખીને ડિઝાઇન કરી હતી. તેમણે ધ સ્કૂલ ફોર બ્લાઇન્ડ, પ્રકાશ કૉલેજ ફોર ગર્લ્સ, ગુજરાત યુનિવર્સિટીની સ્કૂલ ઑફ કોમર્સ, એસ. એલ. યુ. કૉલેજ ફોર વિમેનની ડિઝાઇન અને સુપરવિઝન કર્યા હતા. તેમણે અંબાજી, ભરૂચ, ભાવનગર, જામનગર, બીલીમોરાનાં બસ સ્ટેન્ડ અને જૂનાગઢની કચેરીની ડિઝાઇન કરી હતી. રાયપુરમાં આવેલ હીરાભાઈ માર્કેટની 91 દુકાનો અને ન્યુક્લોથ માર્કેટની300 દુકાનોની રચના તેમણે કરી હતી. જેનું ઉદ્ઘાટન તત્કાલીન રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણને કર્યું હતું. આ દુકાનો હવા-ઉજાસ અને સગવડતાવાળી બનાવવામાં આવી છે. એમાં વ્યવસાય ભોંયતળિયે ચાલે અને ઉપરના માળે રહેવાની સગવડ હોવાથી વેપારીને ઘણી સાનુકૂળતા રહે અને સમયનો પણ બચાવ થાય. પાણીની ટાંકી પણ પુષ્પ આકારે બનાવી છે.
તેમણે ઘણા બધા ફ્લેટ્સ, એપાર્ટમેન્ટ અને કો-ઓપરેટીવ સોસાયટીઓ માટે ડિઝાઇન કરી હતી. જેમાં રત્નજ્યોત, જલદર્શન, જલવિહાર, આશિષ, યુનિયન ઇન્સ્યોરન્સ સ્ટાફ ક્વાર્ટર્સ, શ્રી સદન, મીનિતા, સૂચિતા, અર્ચિતા, રસરાજેશ્વર, ગાર્ડન વ્યૂ, ન્યુ અર્પણ વગેરેની ડિઝાઇન તૈયાર કરી હતી. અતુલ કૉલોની, દહેગામ, ચેતના કૉલોની- પાલડી, વિવેકાનંદ કૉલોની-પાલડી, સિદ્ધાર્થ કૉલોની-પાલડી, ગંગેશ્વર સોસાયટી, કાંકરિયા આયોજનનગર વગેરે કૉલોનીઓની ડિઝાઇન તૈયાર કરી હતી.
1955થી 1970ના ગાળામાં તેમના સ્વતંત્ર વ્યવસાય દરમિયાન સમગ્ર ગુજરાતમાં ઑફિસો, જાહેર ઇમારતો, સેવાભાવી સંસ્થાઓની ઇમારતોનાં આયોજન કર્યા. આથી સમગ્ર ગુજરાતમાં અનોખી સર્જનશક્તિ ધરાવતા મૌલિક આર્કિટેક તરીકે તેમની સ્વીકૃતિ થઈ. આ વિવિધ પ્રકારનાં સર્જન અને વિશિષ્ટ યોગદાન બદલ તેમને ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઑફ આર્કિટેક્સ એન્ડ એંજિનિયર્સ તરફથી Life Time Contribution to the field of Architecture ઍવૉર્ડ માર્ચ 2002માં આપવામાં આવ્યો હતો.
અનિલ રાવલ