ઝર્નિક, ફ્રિટ્ઝ (Zernike, Frits) (જ. 16 જુલાઈ 1888, એમ્સટર્ડમ, નેધરલૅન્ડ્ઝ; અ. 10 માર્ચ 1966, એમર્સફૂટ, નેધરલૅન્ડ્ઝ) : પ્રાવસ્થા વ્યતિરેક (phase contrast) કાર્યપદ્ધતિ અને વિશેષ રૂપે 1953નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની.
ફ્રિટ્ઝ ઝેર્નિકનાં માતા-પિતા બંને ગણિતના શિક્ષક હતાં. પિતાના ભૌતિકશાસ્ત્ર પ્રત્યેના વિશેષ લગાવને કારણે ઝેર્નિકની તે વિષયમાં રુચિ કેળવાઈ. તેમણે યુનિવર્સિટી ઑવ્ એમ્સટર્ડેમમાં રસાયણશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર તથા ભૌતિકશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1912માં દુગ્ધિલતા (opalescence) પરના કાર્ય માટે તેમને ઇનામ મળ્યું. 1913માં તેઓ જેકોબસ કેપ્ટિનના મદદનીશ તરીકે ગ્રોનિન્ગન યુનિવર્સિટીની ખગોળવિજ્ઞાનની પ્રયોગશાળામાં જોડાયા. 1920માં તેમણે ગ્રોનિન્ગન યુનિવર્સિટીમાં સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રમાં પ્રાધ્યાપકનું સ્થાન મેળવ્યું. 1930માં ઝેર્નિકે વર્ણપટની રેખાઓના અભ્યાસ દરમિયાન પ્રાવસ્થા વ્યતિરેક કાર્યપદ્ધતિ વિકસાવી જેને કારણે પ્રાવસ્થા વ્યક્તિરેક સૂક્ષ્મદર્શકનું નિર્માણ થયું. તેમણે પ્રકાશિકી (optics) ક્ષેત્રે પણ મહત્વનું યોગદાન આપ્યું, વિશેષતઃ સૂક્ષ્મદર્શક તથા દૂરબીન જેવાં સાધનોને વિપથન (aberration) રહિત તથા વધુ ચોકસાઈયુક્ત બનાવવા માટે સંશોધનો કર્યાં. તેમણે આ પદ્ધતિનો વિસ્તૃત ઉપયોગ અંતર્ગોળ અરીસાની આકૃતિઓના પરીક્ષણ માટે પણ કર્યો. ઝેર્નિકનાં સંશોધનકાર્યોથી સુસંગત સિદ્ધાંત ક્ષેત્રે રસ જાગૃત થયો.
1954માં ઝેર્નિક ઑપ્ટિકલ સોસાયટી (OSA)ના માનાર્હ સભ્ય તરીકે ચૂંટાયાં. લંડનની રૉયલ સોસાયટીએ તેમને વિદેશી સભ્ય તરીકે ચૂંટ્યા. તેમના માનમાં ગ્રોનિન્ગન યુનિવર્સિટીના ઉત્તરીય પટાંગણનું નામકરણ ઝેર્નિક કરવામાં આવ્યું છે. વળી ચંદ્ર પરના એક ઉલ્કાગર્ત (crater)નું નામ ઝેર્નિક રાખવામાં આવ્યું છે.
પૂરવી ઝવેરી