નાયક, (ડૉ.) રઘુભાઈ મોરારજીભાઈ (જ. 15 ઑગસ્ટ, 1907, ચલથાણ, જિ. સૂરત; અ. 31 માર્ચ, 2003, અમદાવાદ) : ગુજરાતના ઉચ્ચ કોટિના આજીવન કેળવણીકાર અને આદર્શ શાળાઓના સ્થાપક.
પિતાનું નામ મોરારજીભાઈ અને માતાનું નામ કાશીબા હતું. તેમનું પ્રાથમિક શિક્ષણ માસીના ઘરે સુરત જિલ્લાના ગોતા ગામમાં રહીને મેળવ્યું. માધ્યમિક શિક્ષણ સુરતના અનાવિલ છાત્રાલયમાં રહી સાર્વજનિક સ્કૂલમાં અને લોકમાન્ય ટિળક વિદ્યાલયમાં અભ્યાસ કર્યો. એ પછી આણંદની દાદાભાઈ નવરોજી હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો. ગૂજરાત વિદ્યાપીઠની વિનીત પરીક્ષા પણ વિશિષ્ટ યોગ્યતા સાથે પાસ કરી. ઉચ્ચ શિક્ષણ માટે ગુજરાત યુનિવર્સિટીનું ગૂજરાત વિદ્યાપીઠ વાતાવરણ અને પદ્ધતિ અનુકૂળ ન જણાતાં એમણે વિશ્વભારતી શાંતિનિકેતનમાં જવાનું નક્કી કર્યું. 1925થી 29 દરમિયાન રઘુભાઈ શાંતિનિકેતનમાં સ્નાતકનો અભ્યાસ કરવા ગયા. શાંતિનિકેતનમાં એમને રવીન્દ્રનાથ ટાગોર ઉપરાંત દીનબંધુના હુલામણા નામે જાણીતા થયેલા સી. એફ. એન્ડ્રુઝ તેમજ દેશ-વિદેશના વિદ્વાન અધ્યાપકો પાસે શિક્ષણ પ્રાપ્ત કરવાનો અવસર મળ્યો. ઈ. સ. 1930માં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થામાં પૂર્વ પ્રાથમિક અને માધ્યમિક અધ્યાપનની તાલીમ લીધી.
ગાંધીજીએ ભારતની આઝાદીની માટે મીઠાના સત્યાગ્રહ અને નાકરની લડતનું એલાન આપ્યું. રઘુભાઈ આ લડતમાં જોડાયા અને ધરપકડ વહોરી લીધી. જેલવાસ બાદ એક સમયના શાંતિનિકેતનના આચાર્ય શ્રી જહાંગીર વકીલના આમંત્રણથી પૂનાની ‘પ્યૂપિલ્સ ઓન સ્કૂલ’માં અધ્યાપક તરીકે જોડાયા. ઈ. સ. 1936માં જર્મનીમાં ફ્યુબર્ગ યુનિવર્સિટીમાં વધુ અભ્યાસ માટે પ્રવેશ લીધો. યુસ્ટસ મોઝર અને શિક્ષણની રાષ્ટ્રીયતાના મંડાણ ઉપર એમણે મહાનિબંધ લખીને પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. મ્યુનિક યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનમાં શૈક્ષણિક મનોવિજ્ઞાનનો અભ્યાસ કર્યો. એમણે જર્મની, બેલ્જિયમ, હોલૅન્ડ, વિયેના, ફ્રાન્સ, ઇંગ્લૅન્ડ, અમેરિકા વગેરે દેશોની મુલાકાત લીધી. ઈ. સ.1939 બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું એટલે તે ભારત પાછા આવ્યા અને ઘરશાળામાં માધ્યમિક શાળાના આચાર્ય બન્યા.
ઈ. સ. 1941માં હરભાઈ ત્રિવેદીની પુત્રી જશીબેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા. હિંદ છોડોની લડતમાં જોડાવા ઘરશાળામાંથી રાજીનામું આપી દીધું અને આઝાદીના આંદોલનમાં સક્રિય ભાગ લીધો. 1942ની લડતમાં ગુપ્ત વેશે પત્રિકાઓ પ્રગટ કરી અને નાના વાયરલેસ સ્ટેશનો પણ ચલાવ્યાં. લડત પૂર્ણ થતાં પાછા ઘરશાળામાં જોડાયા પરંતુ ઈ. સ. 1945માં શાળામાં બનેલી એક અપ્રિય ઘટનાને લીધે એમણે ભાવનગર છોડવાનો નિર્ણય કર્યો.
અમદાવાદમાં સરસપુરમાં રેલવે લાઇનની નજીક જૂની માધુભાઈ મિલના કમ્પાઉન્ડમાં ચાલતી એક નાનકડી શાળા રઘુભાઈએ ખરીદવાનું નક્કી કર્યું. રૂ ભરવાના ગોડાઉનના અડધા ભાગમાં કુલ 80-90 વિદ્યાર્થીઓની એ શાળા હતી. અમદાવાદના કાળુપુર સ્ટેશનને પૂર્વ દિશામાં વિસ્તારવાની યોજના બનતાં સરસ્વતી વિદ્યાલયને માધુભાઈ મિલનો શેડ ખાલી કરવાનો વખત આવ્યો. નવું મકાન બાંધવા માટેની જમીન દાનમાં મળી પરંતુ એ જમીન પર આદર્શ અદ્યતન મકાન બાંધવા નાણાં નહોતા આથી અમદાવાદના શેઠ મંગળદાસ ટાઉનહોલમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા નૃત્ય નાટિકાની રજૂઆત કરવામાં આવી. ટિકિટોના વેચાણમાંથી મકાન માટે સારી એવી રકમ એકત્રિત કરવામાં આવી.
રઘુભાઈ અને જશીબહેને મજૂર અને નિમ્ન વર્ગના બાળકોને ભણાવવાનું નક્કી કર્યું હતું આથી સરસપુરમાં સરસ્વતી વિદ્યાલયની સ્થાપના કર્યા પછી સરસપુર જેવા જ મજૂર વર્ગના અસારવા વિસ્તારમાં પણ ‘અસારવા વિદ્યાલય’ની સ્થાપના કરી.
ઈ. સ. 1956માં દિલ્લીમાં વસતા ગુજરાતી પરિવારોનાં બાળકોને સારું શિક્ષણ આપવા સરદાર પટેલના સ્મારક તરીકે સરદાર પટેલ વિદ્યાલય શરૂ કરવાનું નક્કી થયું. આ માટે આચાર્યની શોધ આરંભાઈ. રઘુભાઈની સરદાર પટેલ વિદ્યાલયના પ્રથમ આચાર્ય તરીકે ઉછીની સેવાઓની માગણી કરવામાં આવી. રઘુભાઈ દિલ્લી ગયા અને સરદાર પટેલ વિદ્યાલયને દિલ્લીની સર્વશ્રેષ્ઠ શાળા બનાવી. દિલ્લીમાં 17 વર્ષ સુધી લાંબી શૈક્ષણિક સેવાઓ આપીને તેઓ નિવૃત્ત થયા. દિલ્લીની શાળામાં શિક્ષણ ઉપરાંત સંસ્કાર આપવાનું મહત્ત્વનું કાર્ય રઘુભાઈએ કર્યું.
રઘુભાઈને ફુલબ્રાઇટ યોજના હેઠળનાં નિમંત્રણો, ઉત્તમ શિક્ષણકાર્ય માટેના ઍવૉર્ડ્સ, માનપત્રો અને પુરસ્કારો મળ્યા હતાં. ઈ. સ. 1967માં ઉત્તમ શિક્ષક તરીકેનો દિલ્લી રાજ્યનો ઍવૉર્ડ મળ્યો હતો. ઈ. સ. 1968માં ઉત્તમ શિક્ષક તરીકેનો કેન્દ્ર સરકારનો રાષ્ટ્રીય ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યો. ઈ. સ. 1976માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રી ઍવૉર્ડથી એમને સન્માનિત કરવામાં આવ્યા. આ ઉપરાંત સિસ્ટર નિવેદિતા રાજકોટ આજીવન સિદ્ધિ ઍવૉર્ડ, એકલવ્ય ઍવૉર્ડ, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશેષ સન્માન વગેરે એમને મળ્યા હતાં. રઘુભાઈએ તેમના વતન ચલથાણમાં માધ્યમિક શાળાની સ્થાપના કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. ચાઈલ્ડ ગાઈડન્સ સ્કૂલ સોસાયટીના સલાહકાર, સેન્ટ્રલ બોર્ડ ઑફ હાયર સેકન્ડરી ઍજ્યુકેશન (દિલ્લી)ના સભ્ય, રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક ઍવૉર્ડ કમિટીના સભ્ય અને નેશનલ ઇન્ટીગ્રેશન કમિટીના સભ્ય તરીકે તેમણે ઉત્તમ કામગીરી કરી હતી.
નિવૃત્તિ પછી સરસ્વતી વિદ્યામંડળમાં આજીવન પ્રમુખ તરીકે તેમણે સેવાઓ આપી અને શિક્ષણક્ષેત્રે એક ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડ્યું. શિક્ષણને આજીવન વરેલા ડૉ. રઘુભાઈ નાયકે 31 માર્ચ 2003ના રોજ તેમણે આપણી વચ્ચેથી વિદાય લીધી.
અનિલ રાવલ