સીમા સુરક્ષા દળ (Border Security Force) : સીમા સુરક્ષા દળ (BSF) નામ અનુસાર ભારતીય સીમાઓનું રક્ષણ કરે છે. આ દળની સ્થાપના 1 ડિસેમ્બર, 1965ના રોજ થઈ હતી. તેનું સૂત્ર છે –‘जीवन पर्यन्त कर्तव्य.’તેના પ્રથમ ડિરેક્ટર જનરલ (DG)કે એફ રુસ્મતજી હતાં અને હાલ ડિરેક્ટર જનરલ સુજૉય લાલ થાઓસેન છે. ડીજી તરીકે ભારતીય પોલીસ સેવા (IPS)અધિકારીની નિમણૂક થાય છે. આ ભારતનાં સાત કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF) પૈકીનું એકમાત્ર દળ છે, જે નૌકાદળ, વાયુદળની પાંખ અને તોપખાનાનું દળ ધરાવે છે. આ ગૃહ મંત્રાલય અંતર્ગત આવે છે. તેનું વડું મથક નવી દિલ્લીમાં છે.
1965 સુધી પાકિસ્તાન સાથે ભારતીય સરહદોની સુરક્ષા રાજ્ય સશસ્ત્ર પોલીસ દળ કરતું હતું. પણ આ દળ આક્રમણનો પર્યાપ્ત રીતે સામનો કરવામાં નિષ્ફળ જતાં ભારત સરકારને કેન્દ્રને આધિન એક વિશેષ સીમા સુરક્ષા દળની જરૂરિયાત અનુભવાઈ હતી, જેના પરિણામે આ દળની સ્થાપના કરવામાં આવી હતી.
1965માં સ્થાપના સમયે 25 બટાલિયન સાથે આ દળની સ્થાપના થઈ હતી, જેની સંખ્યા વધીને અત્યારે 192 બટાલિયન થઈ છે. હાલ તેમાં આશરે 2,65,000 સૈનિકો છે.
સીમા સુરક્ષા દળ શાંતિની સમયગાળામાં સરહદી વિસ્તારોમાં રહેતાં લોકો વચ્ચે સુરક્ષાની ભાવના વધારવાના, સરહદની આરપાર અપરાધો અટકાવવી અને ભારતીય સીમામાં ઘૂસણખોરીને અટકાવવાના, દાણચોરી અને અન્ય ગેરકાયેદસર કામગીરીઓ અટકાવવા જેવાં કાર્યો કરે છે.
યુદ્ધનાં સમયગાળામાં જ્યાં સુધી મુખ્ય હુમલો એક વિશેષ ક્ષેત્રમાં ન થાય, ત્યાં સુધી ઓછું જોખમ ધરાવતાં વિસ્તારોમાં રહેવાનો ,સેનાને આક્રમક કાર્યો માટે મુક્ત રાખવા યુદ્ધ દરમિયાન સીમા સુરક્ષા દળના યુનિટોને વિશેષ ક્ષેત્રમાં ગોઠવવામાં આવે છે.
કેયૂર કોટક